• Home
  • News
  • જોહાનિસબર્ગમાં લૂંટના ઈરાદે આવેલા નિગ્રોએ જંબુસરના યુવકને ધડાધડ ગોળીઓ ધરબી દીધી, છેલ્લા 7 મહિનામાં 8 ગુજરાતીએ જીવ ગુમાવ્યા
post

નિગ્રો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં જુબેર પટેલને ગોળી વાગી હતી અને તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-21 18:32:52

ભરૂચ: આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. ભરૂચના જંબુસરના જુબેર પટેલની આફ્રિકામાં લૂંટ કરવા માટે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હાલ આ અંગે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે.

લૂંટારાઓએ ગોળીબાર કર્યો
બનાવ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસરનો જુબેર પટેલ ઉર્ફે જુબેર દેગ રોજગારી અર્થે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ગયો હતો. જ્યાં તે ફોડ્સ બર્ગ ટાવરમાં આવેલી એક મોબાઈલ શોપમાં જોબ કરતો હતો. સોમવારે નિગ્રો લૂંટના ઇરાદા સાથે ફોડ્સ બર્ગ ટાવરમાં ઘૂસ્યા હતા, જ્યાં દુકાનદારો અને ગ્રાહકોને બંદૂક બતાવી ધમકી આપી હતી. નિગ્રો હથિયારો સાથે આવી પહોંચતાં નાસભાગ મચી હતી, જેના કારણે નિગ્રોએ ગોળીબાર કર્યો હતો.

સારવાર મળે એ પહેલાં જ મોત
નિગ્રો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં જુબેર પટેલને ગોળી વાગી હતી અને તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. સ્થાનિકો જુબેરને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડે એ પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે જોહાનિસબર્ગ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોહાનિસબર્ગમાં ગામના યુવાન દીકરાના મોતના સમાચાર મળતાં જ જંબુસર ગામ અને જુબેરના પરિવારમાં માતમ છવાયો હતો. વિદેશમાં વસતા ગુજરાતીઓ પર થઈ રહેલા હુમલાના પગલે તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે.

કેન્યામાં પણ મોબાઇલની દુકાનમાં ગુજરાતીની હત્યા કરાઈ હતી
બે મહિના અગાઉ પણ આફ્રિકામાં મોબાઇલની જ દુકાનમાં ગુજરાતીની હત્યા થઇ હતી. આફ્રિકાના કેન્યા ખાતે સ્થાયી થયેલા ખંભાળિયા તાલુકાના દાતા ગામના મૂળ વતની એવા જૈન મહાજન વણિક પરિવારના હિંમતલાલ વીરચંદ શાહના યુવાન પુત્ર કેતન તેમની મોબાઈલની દુકાનમાં બેઠા હતા. ત્યારે મોટરસાયકલ પર બંદૂક સાથે ધસી આવેલા એક શખસે વેપારી પુત્ર કેતન ઉપર ગોળીઓ છોડી હતી. આ ફાયરિંગમાં યુવાનને ગોળી લાગતાં તે પટકાઈ પડ્યો હતો અને તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

એક મહિના અગાઉ અમેરિકામાં ગુજરાતની હત્યા થઈ હતી
એક મહિના અગાઉ અમેરિકાના એટલાન્ટા સિટીમાં રહેતા અને મૂળ આણંદના વતની પિનલભાઇ પટેલની અશ્વેતો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન તેમનાં પત્ની અને દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. પરિવાર બહારથી ઘરે પરત આવ્યો હતો. ત્યારે ઘરમાં જ લૂંટારાઓએ હુમલો કર્યો હતો. અશ્વેત લૂંટારુઓએ ઉપરઉપરી ફાયરિંગ કરતાં ગુજરાતી યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૂળ કરમસદના અને એટલાન્ટામાં રહેતા પીનલ પટેલનું મોત થયું હતું. જ્યારે પીનલ પટેલના પત્ની અને દીકરીને ગંભીર ઈજા પહોંચી હતી. લૂંટ કરવા આવેલા અશ્વેત લૂંટારુઓએ ઉપરઉપરી ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો. મૂળ કરમસદના વતની પિનલભાઈ પટેલનું મોત જ્યારે રૂપલબેન પિનલભાઈ પટેલ તેમજ ભક્તિ પિનલભાઈ પટેલ ઇજાગ્રસ્ત થયા હતા.

અમેરિકામાં અરવલ્લીના દંપતીની હત્યા
અંદાજે બે મહિના અગાઉ અમેરિકામાં અરવલ્લીના દંપતીની હત્યા કરાઈ હતી. મૂળ અરવલ્લીના મેઘરજનગરના રજનીકાંત વલ્લભદાસ અને તેમનાં પત્ની નિરીક્ષાબેન છેલ્લાં કેટલાંક વર્ષોથી અમેરિકા વ્યવસાય અર્થે સ્થાયી થયા હતા. ગત તારીખ 6 ફેબ્રુઆરીના રોજ પોતાની મોટેલ પર હતાં. એ સમયે કેટલાક અજાણ્યા ઈસમો મોટેલ પર આવી બંને દંપતી પર ગોળી ચલાવી ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

કડીના યુવકની અમેરિકાના સ્ટોરમાં હત્યા
ચારેક મહિના અગાઉ કડીના પટેલ યુવકની અમેરિકાના સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કડીના ઊંટવા ગામનો યુવક પોતાના પરિવાર સાથે છેલ્લાં 10 વર્ષથી અમેરિકામાં વસવાટ કરી રહ્યો હતો. ભારતીય યુવાન નેસવીલના ટેનિસિમાં પોતાના સ્ટોરમાં હતો, ત્યારે બે શખસ સ્ટોરમાં પ્રવેશી ધડાધડ ફાયરિંગ કર્યું હતું, જેમાં યુવકને બે ગોળી વાગતા સ્ટોરમાં જ દમ તોડ્યો હતો. આ હત્યાની ઘટના સ્ટોરમાં લગાવેલા CCTVમાં કેદ થઈ હતી.

બે સાગા ભાઈઓ ઉપર ફાયરિંગ, એકનું મોત
સાતેક મહિના અગાઉ ભરૂચ જિલ્લાના બે સાગા ભાઈઓ ઉપર દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયામાં ફાયરિંગની થયું હતું. ગોળીબારમાં બે પૈકી એક યુવાનનું મોત નીપજ્યું હતું. હુમલાનો ભોગ બનેલા બે ભાઈઓ ભરૂચના ટંકારિયા ગામના વાતની હતા. હુમલો લૂંટના ઇરાદે કરાયો હતો. ભરૂચ જિલ્લાના મોટી સંખ્યામાં યુવાનો આફ્રિકાના દેશોમાં રોજગારી માટે વસ્યા છે. જેમના પરિવારો પણ પોતાના સ્વજનોની સુરક્ષાને લઈ ચિંતામાં મુકાઇ ગયા છે.

આફ્રિકાના કોંગોમાં આણંદના યુવકની હત્યા કરાઈ હતી
ચારેક મહિના અગાઉ આફ્રિકાના દેશ કોંગોમાં આણંદના યુવકની હત્યા થઈ હતી. આઝી નામનો આણંદનો યુવક ઓફિસ બંધ કરીને તેના ઘરે જતો હતો, ત્યારે જ સ્થાનિક વિસ્તારના કેટલાંક અસામાજિક તત્ત્વોએ તેની ગાડી ઉપર હુમલો કર્યો હતો અને ફાયરિંગ કર્યું હતું. એ પછી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતાં જ ગંભીર રીતે ઈજા પામેલા આઝીમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post