• Home
  • News
  • દીકરી હંમેશાં પ્રેમાળ દીકરી જ રહે છે, પુત્ર તો માત્ર લગ્ન સુધી જ પુત્ર રહે છે : સુપ્રીમ
post

હિન્દુ ઉત્તરાધિકાર (સુધારો) કાયદો, 2005માં પિતા જીવતા ન હોય તોપણ પુત્રીને સંપત્તિમાં સમાન ભાગીદાર જણાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-12 08:44:38

નવી દિલ્હી: પૈતૃક સંપત્તિમાં પુત્રીઓની ભાગીદારી અંગે સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, હિન્દુ ઉત્તરાધિકાર (સુધારા) ખરડો, 2005 અંતર્ગત પુત્રીને પણ પિતાની સંપત્તિમાં પુત્રોની જેમ સમાન અધિકાર આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, એ બાબતે ફરક પડતો નથી કે, 9 સપ્ટેમ્બર, 2005ના કાયદામાં સુધારો લાગુ થતા સમયે તેના પિતા જીવિત છે કે નહીં અથવા પુત્રીનો જન્મ 2005થી પહેલા થઈ ચૂક્યો છે. જસ્ટિસ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ જજની બેન્ચે ચુકાદામાં કહ્યું કે, ‘પુત્રીઓને પુત્રોના સમાન અધિકાર આપવો જોઈએ. દીકરી હંમેશાં પ્રેમાળ દીકરી જ રહે છે, પુત્ર તો માત્ર લગ્ન સુધી જ પુત્ર રહે છે.

દીકરીઓ આખી જિંદગી માતા-પિતાને પ્રેમ આપે છે. જન્મથી મૃત્યુ સુધી માતા-પિતા માટે પ્રેમાળ પુત્રી બનીને રહે છે. લગ્ન પછી પુત્રોની નિયત અને વ્યવહાર બદલાઈ જાય છે, પરંતુ પુત્રીનો વ્યવહાર લગ્ન પછી પણ બદલાતો નથી.કોર્ટે કેટલીક અપીલો પછી આ ચુકાદો આપ્યો છે, જેમાં એક મહત્ત્વનો કાયદાકીય મુદ્દો ઉઠાવાયો હતો કે, શું હિન્દુ ઉત્તરાધિકાર(સુધારા) અધિનિયમ, 2005 પાછલા સમયથી જ લાગુ ગણાશે. જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે, પુત્રી આજીવન વારસદાર રહેશે, ભલે પિતા જીવતા હોય કે નહીં. ઉલ્લેખનીય છે કે, એક મહિલાએ સંપત્તિની વહેંચણીમાં ભાઈઓ સાથે ચાલી રહેલા વિવાદ બાબતે અરજી દાખલ કરી હતી. ભાઈઓની દલીલ હતી કે, તેમના પિતાનું મોત કાયદો લાગુ થવાના ઘણા સમય પહેલા 11 ડિસેમ્બર, 1999માં થયું હતું. આથી તેમના પર આ કાયદો લાગુ થતો નથી.

કોર્ટે કહ્યું, પુત્રીઓની જવાબદારી અને અધિકાર પુત્રો જેવા
કોર્ટે ચુકાદામાં કહ્યું કે, હિન્દુ ઉત્તરાધિકાર કાયદા, 1956ની ધારા-6માં કરાયેલી જોગવાઈ સુધારા પહેલા કે ત્યાર પછી જન્મેલી પુત્રીઓને પુત્રો જેટલા જ સમાન વારસદારનો દરજ્જો આપે છે. તેમનો અધિકાર અને જવાબદારી પુત્રો જેટલી જ છે. સુધારા પહેલા જન્મેલી પુત્રીઓ પણ પિતાની સંપત્તિ પર દાવો કરી શકે છે. જોકે, 20 ડિસેમ્બર, 2004 સુધી થઈ ચુકેલી સંપત્તિની વહેંચણી કે વસિયતનામાના નિકાલને અસામાન્ય નહીં કરે. કોર્ટે કહ્યું કે, સમાન વારસદાર હોવું પુત્રીઓનો જન્મસિદ્ધ અધિકાર છે. એ જરૂરી નથી કે, 9 સપ્ટેમ્બર, 2005ના રોજ તેમના પિતા જીવતા હોય.

સંસદે 2005માં પુત્રીઓને સમાન અધિકાર આપવાની જાહેરાત કરેલી
સંસદે 2005માં પુત્રીઓને પૈતૃક સંપત્તિમાં સમાન ભાગીદાર માની હતી. જોકે, અત્યાર સુધી મનાતું રહ્યું હતું કે, 2005 પછી સંપત્તિની વહેંચણીમાં પુત્રીઓને અધિકાર અપાશે, કાયદો પસાર થવાથી પહેલાના કેસોમાં નહીં. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે, આ અગાઉના સમયમાં પણ અમલી મનાશે. વહેંચણીમાં પુત્રીઓને અધિકાર અપાશે, કાયદો પસાર થવાથી પહેલાના કેસોમાં લાભ નહીં મળે. જો કે વધુ સ્પષ્ટતા પછી ખ્યાલ આવશે.

વાંચો, શું છે કાયદો અને દીકરીનો અધિકાર

·         હિન્દુ કાયદા હેઠળ પ્રોપર્ટીના બે પ્રકાર હોઈ શકે છે. એક પિતા દ્વારા ખરીદવામાં આવેલી. બીજી પૈતૃક સંપત્તિ હોય છે. જે છેલ્લી ચાર પેઢીઓથી પુરુષોને મળતી આવી છે. કાયદા મુજબ, દીકરી હોય કે દીકરો આવી પ્રોપર્ટી પર બંનેનો જન્મથી જ સરખો અધિકાર હોય છે. કાયદો કહે છે કે, પિતા આ પ્રકારની પ્રોપર્ટીને પોતાના મનથી કોઈને ન આપી શકે. એટલે કે આ મામલામાં તે કોઈ એકના નામે વીલ ન કરી શકે. તેનો અર્થ એ થાય છે કે, તેઓ દીકરીને તેનો હિસ્સો આપવાથી વંચિત ન રાખી શકે. જન્મથી દીકરીનો પૈતૃક સંપત્તિ પર અધિકાર હોય છે.

·         પિતાની ખરીદેલી પ્રોપર્ટી પર શું છે કાયદો? - જો પિતાએ પોતે પ્રોપર્ટી ખરીદી છે એટલે કે પિતાએ પ્લોટ કે ઘર પોતાના પૈસાથી ખરીદ્યું છે તો દીકરીનો પક્ષ નબળો થઈ જાય છે. આ મામલામાં પિતાની પાસે પ્રોપર્ટીને પોતાની ઈચ્છાથી કોઈને ગિફ્ટ કરવાનો અધિકાર હોય છે. દીકરી તેમાં વાંધો ઉઠાવી શકે નહીં.

·         પિતાનું મૃત્યુ થવાની સ્થિતિમાં શું? – જો પિતાનું મોત વીલ છોડ્યા વગર થઈ જાય છે તો તમામ ઉત્તરાધિકારીઓને પ્રોપર્ટી પર બરાબરનો અધિકાર હશે. સરળ શબ્દોમાં કહીએ તો હિન્દુ ઉત્તરાધિકારી કાયદામાં પુરુષ ઉત્તરાધિકાીઓને ચાર વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post