• Home
  • News
  • અભિનેત્રી રિયા ચક્રવર્તીએ કહ્યુ- બિહારની ચૂંટણીના કારણે સુશાંત કેસ ચગાવાય છે
post

EDએ રિયા, ભાઇ અને પિતા સહિત 5ની પૂછપરછ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-11 12:19:59

નવી દિલ્હી: અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે આરોપોથી ઘેરાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીએ કહ્યું છે કે સુશાંતના પિતાની ફરિયાદના આધારે તેની સામે બિહારમાં નોંધાયેલો કેસ રાજકારણથી પ્રેરિત છે.

રિયાના વકીલે સુપ્રીમકોર્ટમાં દાખલ કરેલી 14 પેજની એફિડેવિટમાં જણાવ્યું કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એટલા માટે રિયા સામે કેસ દાખલ કરાયો છે. સુશાંત સાથે ત્યાંના લોકોની લાગણીઓ જોડાયેલી છે, જેને વોટમાં ફેરવવા બિહાર સરકાર જાણીજોઇને રાજકીય એજન્ડા પાર પાડવા આ કેસમાં કૂદી. કેસની તપાસ માટે પહેલાં કેસ દાખલ કર્યો અને પછી સીબીઆઇ તપાસની ભલામણ કરી દીધી, જેનો તેને અધિકાર નહોતો. કોઇનું રાજકીય હિત સાધવા સીબીઆઇ તપાસની મંજૂરી ન આપી શકાય. મુંબઇ પોલીસ તપાસ કરી રહી છે અને રિયા તપાસમાં સહકાર પણ આપી રહી છે. બનાવ મુંબઇમાં બન્યો હોવાથી મુંબઇ પોલીસને જ તપાસનો પૂરો અધિકાર છે. મહારાષ્ટ્ર સરકારે પણ તેના જવાબમાં સીબીઆઇ તપાસ સામે વાંધો ઉઠાવતાં કહ્યું કે આ કેસમાં બિહાર પોલીસનું કોઇ અધિકાર ક્ષેત્ર નથી. બિહાર સરકાર નિયમોની વિરુદ્ધ જઇને કામ કરી રહી છે.

મીડિયા ટ્રાયલ અટકવી જોઇએ
રિયાએ કહ્યું કે તેની સામેના આરોપો પાયાવિહોણા છે. તેને બદનામ કરવા મીડિયા ટ્રાયલ ચલાવાઇ રહી છે. બધી ન્યૂઝ ચેનલો જાતે જ તપાસ અધિકારી બનીને સાક્ષીઓની પૂછપરછ કરી રહી છે. મીડિયા ટ્રાયલ દ્વારા સુશાંતના મોત માટે રિયાને દોષિત ઠેરવવાનો પ્રયાસ કરાય છે. 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ અને આરુષિ હત્યાકાંડમાં પણ આ રીતે જ મીડિયા ટ્રાયલ થઇ હતી, જેથી નિર્દોષ આરોપીઓને જનતાની નજરમાં દોષિત ઠેરવી દેવાયા અને બાદમાં કોર્ટમાં તેઓ નિર્દોષ છૂટ્યા. તેથી રિયા સામે ચાલી રહેલી મીડિયા ટ્રાયલ પર રોક લગાવવી જોઇએ.

ઇડીએ સિદ્ધાર્થની પહેલી વાર પૂછપરછ કરી
સુશાંતનો ફ્રેન્ડ સિદ્ધાર્થ પિઠાની પણ ઇડી સમક્ષ પહેલી વાર હાજર થયો. અગાઉ મુંબઇ પોલીસ તેની પૂછપરછ કરી ચૂકી છે. ઇડીએ રિયા, તેના ભાઇ અને પિતા ઇન્દ્રજિત ઉપરાંત રિયાની પૂર્વ મેનેજર શ્રૃતિ મોદીની પૂછપરછ કરી. બિહાર પોલીસની એફઆઇઆરના આધારે ઇડીએ 31 જુલાઇએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. સિદ્ધાર્થ ઇડીની તપાસમાં સામેલ છઠ્ઠો શખસ છે. ઇડી રિયાની આવક, રોકાણો અને બિઝનેસ અંગે તપાસ કરી રહી છે.

સૂત્રોએ કહ્યું કે રિયાની આવક અને તેનાં રોકાણો વચ્ચે ઘણો તફાવત છે. તેણે ઇન્કમ ટેક્સ રિટર્નમાં 14-18 લાખ રૂ. આવક દર્શાવી છે પણ રોકાણો તેનાથી ઘણા વધારે છે. સુશાંતને આપઘાત માટે ઉશ્કેરવાનો તેના પિતાએ રિયા સામે આરોપ મૂક્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post