• Home
  • News
  • અદાણી ટૉપ-10 અમીરોના લિસ્ટમાંથી બહાર:શેરના ભાવમાં સતત ઘટાડો થતાં એક અઠવાડિયામાં નેટવર્થ 35.5 બિલિયન ડોલર ઘટી; 84.4 બિલિયન ડોલર પર આવી
post

એક અઠવાડિયામાં અદાણીની નેટવર્થમાં 35.5 બિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-31 18:46:58

અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી દુનિયાના ટૉપ-10 અમીરોના લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના જણાવ્યા પ્રમાણે, એક દિવસમાં અદાણીને 8 બિલિયન ડોલરનું નુક્સાન થયું છે. 29 જાન્યુઆરીએ તેમની નેટવર્થ 92.7 બિલિયન ડોલર હતી, જે સોમવારે ઘટીને 84.4 બિલિયર ડોલર પર આવી ગઈ છે. આનાથી અદાણી ઇન્ડેક્સમાં 11મા સ્થાને આવી ગયા છે.

નવેમ્બરમાં 150 બિલિયન ડોલર હતી નેટવર્થ
એક અઠવાડિયામાં અદાણીની નેટવર્થમાં 35.5 બિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો છે. 20 નવેમ્બર 2022ના રોજ અદાણીની નેટવર્થ 150 બિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી. ત્યાંથી અદાણીની નેટવર્થ અત્યારે 65.6 બિલિયન ડોલર નીચે આવી ગઈ છે. ગૌતમ અદાણીનું ગ્રુપ ભારતમાં સૌથી મોટું પોર્ટ ઓપરેટર છે. આ ગ્રુપ ભારતનો સૌથી મોટો થર્મલ કોલ પ્રોડ્યુસર અને સૌથી મોટો કોલ ટ્રેડર પણ છે.

એપ્રિલ 2021માં 57 અબજ ડોલર હતી નેટવર્થ
અદાણી 4 એપ્રિલ 2022ના રોજ સેન્ટિબિલિયોનેર્સ ક્લબમાં સામેલ થયા હતા. 100 બિલિયન ડોલરથી વધુ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓને સેન્ટિબિલિયોનેર કહેવામાં આવે છે. એની પહેલાં એપ્રિલ 2021માં અદાણીની નેટવર્થ 57 અબજ ડોલર હતી. નાણાકીય વર્ષ 2021-2022માં અદાણીની નેટવર્થ દુનિયામાં સૌથી ઝડપે વધી હતી. અદાણી ગ્રુપની સાત પબ્લિકલી લિસ્ટેડ કંપનીઓ પણ છે.

હિંડનબર્ગની રિપોર્ટ પછી શેર્સમાં ઘટાડો
અમેરિકાની રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો. રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર સ્ટોક મેનિપ્યુલેશન, મની લોન્ડરિંગ અને એકાઉન્ટિંગ ફ્રોડમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પછી અદાણી ગ્રુપના શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.

જોકે ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરમાં સોમવારે રિકવરી જોવા મળી હતી. એ 3.93% વધીને બંધ રહ્યો હતો. ACC, અદાણી પોર્ટ, અંબુજા સિમેન્ટના શેરોમાં પણ તેજી જોવા મળી હતી, જ્યારે અદાણી ટોટલ ગેસ 20%, ગ્રીન એનર્જી 20.00%, પાવર 5.00%, ટ્રાન્સમિશન 15.23% અને વિલ્મર 5.00% ઘટ્યા હતા.

અદાણી ગ્રુપ Vs હિંડનબર્ગ
અદાણી ગ્રુપે 413 પેજમાં આપ્યો જવાબ, કહ્યું- આરોપો ખોટા છે
ગૌતમ અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિપોર્ટને ભારત પર હુમલાનું કાવતરું ગણાવ્યું છે. ગ્રુપે 413 પાનાંનો જવાબ બહાર પાડ્યો હતો. એમાં લખ્યું હતું કે 'અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. ગ્રુપે એમ પણ કહ્યું છે કે આ રિપોર્ટનો વાસ્તવિક હેતુ અમેરિકન કંપનીઓના આર્થિક લાભ માટે નવું બજાર ઊભું કરવાનો છે.'

ગ્રુપે કહ્યું હતું કે 'આ રિપોર્ટ ખોટી માહિતી અને અધૂરાં તથ્યોથી તૈયાર કરવામાં આવ્યો છે. એમાં લખવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે અને બદનામ કરવાના ઈરાદાથી આમ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટનો એક જ હેતુ છે - ખોટા આક્ષેપો કરીને અસંખ્ય રોકાણકારોને નુકસાન પહોંચાડીને અને શોર્ટ સેલર હિંડનબર્ગને ફાયદો પહોંચવો.'

અદાણી ગ્રુપને હિંડનબર્ગનો જવાબ છેતરપિંડી છે
હિંડનબર્ગે પણ અદાણી ગ્રુપના જવાબ પર વળતો જવાબ આપ્યો છે. હિંડનબર્ગે કહ્યું હતું કે આ 'પ્રકારના જવાબ અથવા રાષ્ટ્રવાદથી છેતરપિંડી આવરી ના શકાય. અદાણી ગ્રુપ અમારા અહેવાલને ભારત પર ગણતરીપૂર્વકનો હુમલો ગણાવી રહ્યું છે, અમે આ સાથે સહમત નથી.'

અમે માનીએ છીએ કે ભારતીય લોકશાહી વિવિધતાનો સમાવેશ કરે છે. ભારત ઉજ્જવળ ભવિષ્ય સાથે ઊભરતો સુપર પાવર દેશ છે. અમારું માનવું છે કે અદાણી ગ્રુપને કારણે ભારતનું ભવિષ્ય પાછળ જઈ રહ્યું છે, જે પોતાને દેશના ઝંડામાં લપેટીને લૂંટી રહ્યો છે. અમે માનીએ છીએ કે છેતરપિંડી એ છેતરપિંડી જ છે.'

 

adv

Related News

post
post
post
post
post
post
post