• Home
  • News
  • સંસદની કેન્ટીન પાછળ વાર્ષિક રૂપિયા 20 કરોડની સબસિડી, આ પૈસા ક્યાં જાય છે? સબસિડી બંધ થવાની અસર શું થશે?
post

ઉત્તર રેલવે 52 વર્ષથી કેન્ટીન ચલાવતું હતું તો આ વખતે ITDCને શા માટે આપવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-23 14:49:38

સંસદની કેન્ટીનમાં મળતું ભોજન હવે મોંઘું થઈ ગયું છે, એટલે કે ભોજન પર આપવામાં આવતી સબસિડીનો અંત લાવવામાં આવ્યો છે. આ અંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આ સપ્તાહે જાહેરાત કરી હતી, એટલે કે 29 જાન્યુઆરીથી શરૂ થતા બજેટસત્રમાં સાંસદોને કેન્ટીનમાં ભોજન કરવા અથવા તો કોફી પીવા માટે વધારે પૈસા આપવા પડશે. પ્રશ્ન એ છે કે સંસદની કેન્ટીમાં સબસિડી પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે? કઈ ડિશ પર કેટલી સબસિડી મળે છે? શું સબસિડીના તમામ પૈસા સાંસદોના ભોજન પાછળ ખર્ચ કરવામાં આવે છે? સબસિડી બંધ કરવાની શા માટે જરૂર પડી? ચાલો, જાણીએ આ તમામ પ્રશ્નોના જવાબ....

સંસદની કેન્ટીનમાં સબસિડી પાછળ કેટલો ખર્ચ થાય છે?
સંસદની કેન્ટીનનું પ્રત્યેક વર્ષે આશરે રૂપિયા 20 કરોડ બિલ આવે છે. આ કેન્ટીનનાં ત્રણ કિચન છે. એક પાર્લમેન્ટ બિલ્ડિંગમાં, એક લાઈબ્રેરીમાં અને એક એનેક્સીમાં. સબસિડી બંધ થવાથી લોકસભા સેક્રેટરીએટને વાર્ષિક રૂપિયા 8 કરોડ કરતાં વધારે બચત થશે.

જ્યારે સંસદની કેન્ટીન ચલાવી રહેલી ઉત્તર રેલવેને વાર્ષિક રૂપિયા 15થી 18 કરોડની આવક થાય છે. કેન્ટીન ચલાવવામાં ઉત્તર રેલવેને જે ખર્ચ થાય છે એ નાણાં મંત્રાલય મારફત પેમેન્ટ કરવામાં આવે છે. જોકે હવે કેન્ટીન ચલાવવાની જવાબદારી ઉત્તર રેલવેને બદલે ઈન્ડિયન ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ITDC)ને આપવામાં આવી છે.

શા માટે સબસિડી બંધ કરવામાં આવી?
વર્ષ 2015માં RTIમાં ઘટસ્ફોટ થયો હતો કે સંસદની કેન્ટીનમાં ભોજન પર 80 ટકા સબસિડી આપવામાં આવે છે. ત્યાર બાદ એની બિજુ જનતા દળના સાંસદ બૈજયંત પાંડાએ સ્પીકર સુમિત્રા મહાજનને પત્ર લખી સબસિડી બંધ કરવા માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે સરકાર આર્થિક રીતે સધ્ધર લોકોના LPG સિબસિડી બંધ કરી રહી છે તો સાંસદો પાસેથી પણ કેન્ટીનમાં સબસિડી સુવિધા પાછી ખેંચી લેવી જોઈએ.

ત્યાર બાદ જાન્યુઆરી,2016માં કેન્ટીનમાં મળી રહેલા ભોજન પર સબસિડી ઓછી કરવામાં આવી. નક્કી કરવામાં આવ્યું કે કેન્ટીન નો-પ્રોફિટ નો-લોસ બેસિસ પર ચાલશે. ડિસેમ્બર 2019માં સંસદે કેન્ટીનની સબસિડી સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો. હવે 29 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સંસદના સત્ર સાથે જ એ લાગુ થઈ જશે.

શું સબસિડીના તમામ પૈસા સાંસદોના ભોજન પાછળ જ ખર્ચ કરવામાં આવતા હતા?
નહીં, ભોજનની સાથે જ કેન્ટીન-સ્ટાફની સેલરી સહિત કેન્ટીનમાં થતા અન્ય ખર્ચમાં પણ સબસિડીનો ઉપયોગ થતો હતો. વર્ષ 2015માં કરવામાં આવેલી RTIના જવાબમાં વાર્ષિક રૂપિયા 14 કરોડ કુલ સબસિડીની વાત સામે આવી હતી.

આ પૈકી રૂપિયા 11થી 12 કરોડ કેન્ટીનના સ્ટાફના વેતન પાછળ ખર્ચ કરવામાં આવતી હતી, જ્યારે સંસદ ચાલુ ન હતી ત્યારે પણ દરરોજ કેન્ટીનમાં 2 લાખ 9 હજારથી વધારે સેલ થતું હતું. જ્યારે સંસદ ચાલતી ત્યારે આ આંકડો 2 લાખ 8 હજારથી વધારે થતો હતો.

કઈ ડિશ પર કેટલી સબસિડી મળે છે?
હકીકતમાં વર્ષ 2015માં એક RTIમાં કહેવામાં આવ્યું છે કે સંસદની કેન્ટીનમાં 76 પ્રકારની વિવિધ ડિશમાં 63 ટકાથી 150 ટકા સુધીની સબસિડી મળે છે.

એ સમયે ફિશ ફ્રાઈ અને ચિપ્સ 63 ટકા સબસિડી બાદ રૂપિયા 25માં, મટન કટલેટ 65 ટકા સબસિડી સાથે રૂપિયા 18માં, મટન કરી વિથ બોન 67 ટકા સબસિડી સાથે રૂપિયા 20, મસાલા ઢોસા 75 ટકા સબસિડી સાથે રૂપિયા 6માં મળતાં હતાં.

ફક્ત રોટલી જ સબસિડી રેટમાં વેચાતી ન હતી. RTIમાં એનો ખર્ચ 76 પૈસા દર્શાવવામાં આવ્યો છે. જ્યારે એ રૂપિયા એક કિંમતથી વેચાણ થતી હતી.

વર્ષ 2016માં સબસિડી ઘટાડવામાં આવી. ત્યાર બાદ રૂપિયા 18માં મળતી વેજ થાળીની કિંમત વધારી રૂપિયા 35 કરવામાં આવી, જ્યારે રૂપિયા 33માં મળતી નોન-વેજ થાળીની કિંમત વધારી રૂપિયા 60 કરવામાં આવી. રૂપિયા 20માં મળતી મટન કરીનો દર રૂપિયા 40 કરવામાં આવી, જ્યારે ચિકન બિરયાનીની કિંમત રૂપિયા 65 કરવામાં આવી.

ઉત્તર રેલવે 52 વર્ષથી કેન્ટીન ચલાવતું હતું તો આ વખતે ITDCને શા માટે આપવામાં આવી
એવું કહેવામાં આવે છે કે ITDC વધારે સારી અને પ્રોફેશનલ ઈન્સ્ટિટ્યૂટ છે. ITDC હોટલ અશોકને ઓપરેટ કરે છે. આ નિર્ણયને લીધે ફૂડ વેસ્ટેજ પણ ઓછો થશે. સબસિડી બંધ થતાં અને નવા ઓપરેટર આવ્યા બાદ કિંમત કેટલી હશે એ હજુ નક્કી થયું નથી.

ફરી એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાનો દર અગાઉની માફક રૂપિયા 5 હોઈ શકે છે, જ્યારે કોફી અને લેમન ટીની કિંમત બમણી થઈ અનુક્રમે રૂપિયા 10 અને 14 હોઈ શકે છે. એવી જ રીતે નોન-વેજ થાળીની કિંમત 60થી વધી રૂપિયા 100 થઈ શકે છે.

સંસદની કેન્ટીનમાં કોણ ભોજન લે છે?
સંસદની કેન્ટીનમાં સાંસદ, તેમના પરિવારના લોકો, સંસદભવનમાં કામ કરનારા, ત્યાં કવરેજ કરવા જતા પત્રકારો તથા સંસદની કાર્યવાહી જોવા આવતા લોકો ભોજન લે છે. એવી માગ ઊઠતી રહી છે કે આ લોકોને શા માટે ભોજન પર સબસિડી આપવામાં આવી રહી છે? તેમને ભોજન નો-પ્રોફિટ નો-લોસ આધાર પર આવું જોઈએ.

તો શું સૌને માટે સબસિડી બંધ થઈ જશે?
ડિસેમ્બર,2019માં જ્યારે સબસિડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો એ સમયે કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે સંસદ પરિસરમાં કામ કરતા કર્મચારીઓ, મીડિયા કર્મચારીઓ અને સંસદની કાર્યવાહી જોવા આવતા લોકોને સબસિડીનો લાભ મળવો જોઈએ.

ફક્ત સાંસદોના ભોજન પર જ સબસિડી બંધ કરવી જોઈએ. સત્તાપક્ષના સાંસદોએ ચૌધરીની વાતનું સમર્થન કર્યું હતું. અલબત્ત, એ સ્પષ્ટ નથી કે સબસિડી બંધ કરવાના નિર્ણયને કેવી રીતે લાગુ કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post