• Home
  • News
  • મોરબીએ ચીનને પછાડ્યું:વૈશ્વિક બજારમાં ચીનનું માર્કેટ 40% ઘટ્યું, સામે ભારતનો હિસ્સો 20% વધ્યો; દેશના કુલ સિરામિક એક્સપોર્ટમાં મોરબીની 90% હિસ્સેદારી
post

વિશ્વમાં ચીનનું માર્કેટ 40% ઘટ્યું તો સામે ભારતનું માર્કેટ 20% વધ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-28 11:58:58

કોરોના આવ્યા બાદ ચીન પ્રત્યે દુનિયાભરના દેશોનો દ્રષ્ટિકોણ બદલાયો છે. આનો સીધો ફાયદો ભારતની અને ખાસ કરીને ગુજરાતની સિરામિક ઇન્ડસ્ટ્રીઝને થયો છે. સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે યુરોપ, અમેરિકા, ગલ્ફ સાહિતના અનેક દેશો જે પહેલા ચીનથી સિરામિક ઉત્પાદનો ખરીદતા હતા તેઓ હવે ભારત તરફ વળ્યા છે. આ સ્થિતિમાં ડોમેસ્ટિક માર્કેટ નબળું હોવા છતાં નિકાસ વેપારના કારણે આ ઉદ્યોગ મંદીની અસરમાંથી બહાર આવી રહ્યો છે. ભારતમાં 2020-21 દરમિયાન સિરામિક ઉદ્યોગનું કદ રૂ. 45,000 કરોડને આંબી જવાની અપેક્ષા છે. આમાં મોરબીની હિસ્સેદારી 90%થી વધુ છે.

ચાલુ વર્ષે 6 મહિનામાં રૂ. 7000 કરોડની નિકાસ થઇ
વરમોરા ગ્રુપના ચેરમેન ભાવેશ વરમોરાએ જણાવ્યું હતું કે, એન્ટી ચાઈના સેન્ટિમેન્ટથી ભારતને ઘણો ફાયદો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં પહેલા છ મહિનામાં લગભગ રૂ. 7000 કરોડની નિકાસ થઇ છે. ગત વર્ષની તુલનાએ નિકાસ 20% વધુ છે. અમે પણ નિકાસ ઉપર ફોકસ કરી રહ્યા છીએ અને તેના માટે રૂ. 300 કરોડના રોકાણ સાથે મોરબીમાં બે અત્યાધુનિક હાઈટેક પ્લાન્ટ્સ બનાવી રહ્યા છીએ. હાલમાં અમારા ટર્નઓવરમાં 20% એક્સપોર્ટ બિઝનેસ છે જેને અમે વધારીને 30% કરવા માંગીએ છીએ.

ચીનનું માર્કેટ 40% ઘટ્યું
AGL
ગ્લોબલ ટ્રેડ પ્રાઈવેટ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રફુલ ગટ્ટાણીએ જણાવ્યું કે, અગાઉ ગ્લોબલ સિરામિક માર્કેટમાં ચીનનો હિસ્સો 60% જેટલો હતો. કોરોના આવ્યા બાદ ચીનનું જે વલણ રહ્યું છે તેનાથી ઘણા દેશો નારાજ છે અને ચીનથી ખરીદી કરવાના બદલે બીજો ઓપ્શન પસંદ કરી રહ્યા છે. આ બધાના કારણે ચાલુ વર્ષમાં ચીનની હિસ્સેદારી ઘટીને 20-22% ઉપર આવી ગઈ છે. બીજી તરફ આનો ફાયદો ભારતને થયો છે. ચીનમાંથી જે ડિમાન્ડ ઘટી છે તેમાંથી અંદાજે 15-20% ભારતમાં અને તેમાય ગુજરાતમાં વધુ આવી છે. વધતા એક્સપોર્ટને ધ્યાનમાં રાખીને અમે વાંકાનેર ખાતે એક્સપોર્ટ હાઉસ શરૂ કર્યું છે. કંપની હાલ 100થી વધુ દેશોમાં નિકાસ કરે છે અને પોતાનું નિકાસ નેટવર્ક વધારવા ઈચ્છે છે.

આ વર્ષે રૂ. 13,000-13,500 કરોડની નિકાસની અપેક્ષા
મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ કે. જી. કુંડારિયાએ જણાવ્યું કે, લોકડાઉનના કારણે શરૂના બે મહિના કોઈ કામ નહોતું રહ્યું પણ જેમ જેમ બધું ખુલવા લાગ્યું નિકાસમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે. અમને અપેક્ષા છે કે આ વર્ષે રૂ. 13,000-13,500 કરોડની નિકાસની અપેક્ષા છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે 30-35% વધુ એક્સપોર્ટ થઇ શકે છે. ચીનથી ઘણા દેશો નારાજ છે. અમેરિકાએ તો ચીનના ઉત્પાદનો પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી છે અને બીજા દેશો પણ આવું કરી શકે છે. આ બધાનો ફાયદો મોરબી અને ભારતની સિરામિક ઇન્ડસ્ટ્રીઝને થઇ રહ્યો છે.

ચાલુ વર્ષે મોરબીમાં રૂ. 3000 કરોડનું રોકાણ આવશે
મોરબી સિરામિક એસોસિએશનમાં વોલ ટાઈલ્સ ડિવિઝનના પ્રમુખ નીલેશ જેતપરિયાએ જણાવ્યું કે, જે રીતે માગ વધી રહી છે તેને જોતા અહીના ઉદ્યોગકારો એક્સપાન્શન કરી રહ્યા છે. હાલમાં મોરબીમાં 900 જેટલા સિરામિક પ્લાન્ટ્સ છે અને બીજા નવા 60 પ્લાન્ટ બની રહ્યા છે. આ બધા પ્લાન્ટમાં કુલ મળીને અંદાજે રૂ. 3000 કરોડનું રોકાણ થશે. વૈશ્વિક સ્તરે ખરીદનારાઓ ચીન કરતા ભારતના ઉત્પાદનોની ક્વોલિટી ઉપર વધુ ભરોસો કરી રહ્યા છે અને એટલે જ ઘણા યુરોપિયન દેશોની ખરીદી વધી છે.

2 લાખ મજૂરોને સ્વખર્ચે પાછા બોલાવ્યા
મોરબીના સિરામિક ઉદ્યોગમાં અંદાજે 4 લાખથી વધુ કામદારો કામ કરે છે અને આમાંથી 80% કામદારો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર, ઓરિસ્સા જેવા બહારના રાજ્યોમાંથી આવે છે. લોકડાઉનમાં આમાંથી અંદાજે 2 લાખ જેટલા મજુરો વતન પરત જતા રહ્યા હતા. આ કારણથી એપ્રિલ અને મે મહિનામાં મોટાભાગે ફેકટરીઓ બંધ રહી હતી. પરંતુ મેના અંતમાં સરકારે નિયમો હળવા કર્યા બાદ સિરામિકની ફેકટરીઓ ફરી શરુ થઇ હતી. મજૂરોની અછતને પહોચી વળવા માટે સિરામિક ઉદ્યોગકારોએ આ મજુરોને વતનથી પરત બોલાવવા માટે બસ, ટ્રક, ટ્રેન અને ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી. ઉદ્યોગે એક મહિનાની અંદર 2 લાખ જેટલા મજુરોને વતનથી મોરબી પરત બોલાવ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post