• Home
  • News
  • યુકેમાં લોકડાઉનમાં દોઢ ફૂટ લાંબા ઉંદરોનો આતંક, ભૂખને લીધે એકબીજાને ખાઈ રહ્યા છે, ઝેરની અસર પણ થતી નથી
post

બ્રિટનમાં ઉંદરો એટલા બધા વધી ગયા છે કે આટલા તો ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન પણ નહોતાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 10:04:21

દુનિયાભરમાં લોકડાઉન દરમિયાન પ્રાણીઓના નવા રુપ જોવા મળ્યા છે. પરંતુ, બ્રિટનવાસીઓ કોરોનાની સાથે મોટા ઉંદરથી પણ ઘણી મુશ્કેલીમાં અને ડરમાં જીવી રહ્યા છે. 18 ઇંચ સુધીના લાંબા આ ઉંદરો જાયન્ટ રેટ કહેવાય છે અને લોકડાઉન દરમિયાન તેમણે પોતાના વ્યવહારને આક્રમક બનાવીને સંખ્યા અને પહોંચ એમ બંને વધારી લીધી છે. 

ગયા બે મહિનામાં આ ઉંદરો ગંદા નાળા અને અંડરગ્રાઉન્ડ નળીઓમાંથી બહાર નીકળીને સ્થાનિક લોકોના વિસ્તારમાં ઘૂસી રહ્યા છે. બંધ શહેરોથી દૂર આ ઉંદરો માનવવસતી તરફ આગળ વધી રહ્યા છે. આ ઉંદરો એટલા બધા ભૂખ્યા છે કે એકબીજાને ખાઈ રહ્યા છે. તેમની પર રેટ પોઈઝનની પણ કોઈ અસર થતી નથી. મોટાં અને તાકાતવાળા ઉંદરો નાના અને નબળા ઉંદરોને મારી રહ્યા છે. ઝેર પ્રત્યે આ બધાએ એક ઇમ્યુનિટી મેળવી લીધી છે.

ભારતમાં પણ મધ્ય પ્રદેશ, દિલ્હી, પંજાબ અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં ઉંદરોમી મુશ્કેલી છે અને કરોડોના માલને નુકસાન પણ પહોચાડ્યું છે. પરંતુ આપણે ત્યાં ઇંગ્લેન્ડના ઉંદર જેટલા મોટાં ઉંદર નથી.

હાલ બ્રિટનવાસીઓ સોશિયલ મીડિયા પર મરેલા ઉંદરોના ફોટો તેમની સાઈઝ સાથે પોસ્ટ કરી રહ્યા છે, જેમાં મોઢાંથી લઇને પૂંછડી આશરે 18થી 20 ઇંચ સુધીની દેખાય છે. રેસ્ટોરાં, કેફે અને અન્ય ફૂડ આઉટલેટ્સમાં લાંબા સમય સુધી બંધ રહેવાથી તેઓ ભૂખ્યા છે.

માત્ર બ્રિટન જ નહિ, દુનિયાના અન્ય દેશ પણ લોકડાઉન દરમિયાન ઉંદરોના આતંકનો સામનો કરી રહ્યા છે. અમેરિકામાં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે ઉંદરો બાબતે લોકોને સાવચેત કર્યા છે. સેન્ટર વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ઉંદર હવે ખાવાનું શોધવા નવા રિસોર્સ શોધી રહ્યા છે અને લોકડાઉનમાં તેઓ સફળ થયા છે.

બ્રિટિશ પેસ્ટ કન્ટ્રોલ અસોસિએશનના એક સર્વે અનુસાર, બ્રિટનમાં ઉંદરોના ઉપદ્રવની ઘટનામાં 50%નો વધારો થયો છે. ધ સન અખબારના રિપોર્ટ  અનુસાર, દેશભરમાં ઉંદરો પકડનારાઓએ તેની ખાતરી કરીને જણાવ્યું છે કે, તેમનું કામ વધી ગયું છે. અસોસિએશના ટેક્નિકલ ઓફિસર નતાલી બુંગેના જણાવ્યા અનુસાર, ‘અમારી પાસે અત્યાસ સુધી એવા સમાચારો આવતા હતા કે ઉંદરો ખાલી ઈમારતોને ઘર બનાવી રહ્યા છે, પરંતુ હવે તેમના ઘરોની પેટર્ન બદલાઈ રહી છે અને તેઓ માનવીય રહેઠાણની આસપાસ પણ આરામથી નજરે પડી રહ્યા છે.

મેન્ચેસ્ટરના ઉંદર પકડનાર માર્ટિન કિર્કબ્રાઈડે ટેલિગ્રાફને જણાવ્યું હતું કે, બ્રિટનમાં ઉંદરોની સંખ્યા વધી છે આ સંખ્યા ગત 200 વર્ષ પહેલાં ઓદ્યોગિક ક્રાંતિ સમયે પણ ન હતી. તેઓ  મોટે ભાગે ગટરોની નાળીઓમાં છૂપાયેલાં રહેતા હતા અને હવે લોકડાઉનમાં શાંત વાતાવરણને લીધે બાહર આવી રહ્યા છે. તેઓ આપણી વચ્ચે રહી રહ્યા છે અને આપણા કારણે જ તે સંભવ છે. જેટલી વધારે વસ્તી તેટલો વધારે તેમને ખોરાક મળશે પરંતુ હવે તેમ નથી રહ્યું. અન્ય ઉંદર પકડનારના જણાવ્યા અનુસાર, હવે ઉંદરોને મારવા માટે ઝેરની અસર થતી નથી.

વૈજ્ઞાનિકોએ લોકડાઉન શરૂ થયા બાદ જ ઉપનગરોમાં ઉંદરોની સંખ્યામાં વધારો થયો છે. ગ્રીનવિચમાં નેચરલ રિસોર્સ ઈન્સિટ્યૂટના પ્રોફેસર સ્ટીવન બેલમેનના જણાવ્યા અનુસાર, આમતેમ ફરી રહેલાં ઉંદરોમાંથી કેટલાક ફરી શહેર પરત ફરશે અને કેટલાક ઉપનગરોને જ ઘર બનાવશે. તેઓ ખોરાકની શોધમાં રહેણાક વિસ્તારોમાં જઈ રહ્યા છે અને તેમણે ત્યાંજ રહેવાનો નિર્ણય કરી લીધો છે.

ઉંદરો તરફથી શરૂ કરવામાં આવેલી ટર્ફ વૉર (રહેણાક વિસ્તારની લડાઈ) વિશે અર્બન રોડેન્ટોલોજિસ્ટ બોબી કોરિગન જણાવે છે કે, આ એમ જ છે જેમ આપણે માનવજાતિના ઈતિહાસમાં જોયું છે, જેમાં લોકો જમીન પર હક મેળવવા માટે પ્રયત્નો કરે છે. તેઓ સેના સાથે હુમલો કરે છે અને તેના પર હક મેળવી લેવા અંતિમ શ્વાસ સુધી લડત આપે છે અને ઉંદરોમાં પણ આવું જ છે. 

ઉંદરો સહિતના જીવો પર Ph.D કરનાર બોબી કોરિગન જણાવે છે કે, ‘ઉંદરોની એક નવી સેના આવે છે અને જે સેના પાસે સૌથી શક્તિશાળી ઉંદરો હોય છે તે વિસ્તાર જીતી લે છે.ઉંદરોની વસ્તી ઝડપથી વધે છે કારણ કે, એક વાર બાળકને જનમ આપ્યા બાદ માદા ઉંદર ફરી ગર્ભધારણ કરી શકે છે. તે 365 દિવસમાં આશરે 8 વાર ગર્ભવતી થાય છે અને એક વારમાં 7 કે તેથી વધારે બાળકોને જન્મ આપે છે.

રસપ્રદ વાત એ છે કે ચાઈનીઝ કેલેન્ડર પ્રમાણે કોરોનાવાઈરસની ભેટ આપનાર વર્ષ 2020 ઉંદરોનું વર્ષ છે. દર 12 વર્ષે 1 વાર આવતું ઉંદરોનું વર્ષ 25 જાન્યુઆરીથી 21 ફેબ્રુઆરી 2021 સુધી ચાલે છે. જોકે, ચીનમાં જાન્યુઆરીમાં જ સંક્રમણ ફેલાયું છે. હવે ચીન તો વાઈરસથી મુક્ત થયું છે પરંતુ દુનિયા વાઈરસ સાથે ઉંદરોથી પણ મુશ્કેલીમાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post