• Home
  • News
  • બુલેટ ટ્રેનનું કામ 'જેટ' ગતિએ:2026 સુધીમાં સુરત-બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થશે, અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન કાસ્ટીંગ યાર્ડની કામગીરીનું નિરિક્ષણ કર્યુ
post

મંત્રીએ સ્ટાફ અને ટેક્નિકલ ટીમ સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-06 18:27:34

સુરત: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેના અંતર્ગત આજે સોમવારે નવસારી ખાતે કાર્યરત હાઇસ્પીડ બુલેટ ટ્રેન કાસ્ટીંગ યાર્ડની મુલાકાત લીધી હતી. તેમજ એન્જિનિયર સહિત કામ કરતા કર્મચારીઓ સાથે વાતચીત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. મંત્રીએ સંભવિત 2026 સુધીમાં સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થશે એવી મોટી જાહેરાત પણ કરી હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. જેના ભાગરૂપે હાઇસ્પીડ બુલેટ ટ્રેન કાસ્ટીંગ યાર્ડ આણંદ જિલ્લા બાદ નવસારીમાં પણ શરૂ કરવામાં આવ્યું છે. તેનું નિરીક્ષણ કરવા માટે આજે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય રેલ મંત્રી દર્શનાબેન જરદોશ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ટેક્નિકલ ટીમ સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે જ આ યાર્ડમાં મીની ભારત ભેગું થયું હોય તેમ વાત તેમણે કહી હતી.

મંત્રી નસીલપોર ખાતે કાસ્ટીંગ યાર્ડ પર આવી પહોંચ્યા
તેમણે બધાએ વેક્સિનના કેટલા ડોઝ લીધા તેને લઈને પણ પૃચ્છા કરી હતી. સાથે કોરોનામાં વડાપ્રધાનની મદદને લઇને પણ કર્મચારીઓ સાથે વાત કરી હતી. અમદાવાદથી મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ પણ પવનવેગી રફ્તારે ચાલી રહ્યું છે. અત્યાર સુધી 508 કિલોમીટરનું અંતર જે બાય રોડ કે ટ્રેનમાં 8થી 9 કલાકમાં પૂરું થતું હતું. એ હવે બુલેટ ટ્રેન થકી 1 કલાક અને 58 મિનિટે પૂર્ણ થશે. બુલેટ ટ્રેનની કામગીરીની સમીક્ષા કરવા માટે આજે કેન્દ્રીય રેલ મંત્રી નસીલપોર ખાતે આવેલ કાસ્ટીંગ યાર્ડ પર આવી પહોંચ્યા હતા.

રેલવે મંત્રીએ સમગ્ર પ્રોજેક્ટનું નિરિક્ષણ કર્યું
મંત્રી અને એમની ટીમ દ્વારા સમગ્ર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યાં હતાં. સાથે જ કામ કરતા લોકોને ઐતિહાસિક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં સહભાગી થવા બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત સંભવિત 2026 સુધીમાં સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થશે એવી ખાતરી પણ કેન્દ્રીય રેલ મંત્રીએ આપી હતી.

સુરતથી બીલીમોરા વચ્ચે 2026 સુધીમાં બુલેટ દોડશે
આ અંગે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં ખૂબ જ તેજીથી સારું કામ થઇ રહ્યું છે. અંદાજે 61 કિમીના વિસ્તારમાં થાંભલાઓથી લઇને ઘણીખરી કામગીરી થઇ ચૂકી છે. ઘણી ટેકનોલોજી સાથે કામ આગળ વધારવામાં આવી રહ્યું છે. બુલેટ ટ્રેનના કારણે આશરે 1 લાખ લોકોને રોજગારી મળી રહી છે. જ્યારે આ પ્રોજેક્ટ પીક પર આવશે ત્યારે પોણા બે લાખથી પણ વધુ લોકોને રોજગારી મળી હશે. 350 કિમીનો અમદાવાદથી વાપીનો જે સેક્શન છે, આશા રાખીયે કે એનો જે પહેલો સુરતથી બીલીમોરાનો સેક્શન છે એમાં 2026 સુધીમાં બુલેટ દોડવા લાગે.

આંતરોલી સ્ટેશનની ડિઝાઇન ડાયમન્ડ કટ આકારની
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આંતરોલી ખાતે નિર્માણ પાણી રહેલું બુલેટ રેલ્વે સ્ટેશન ખૂબ જ અતિ આધુનિક સુવિધાથી સજ્જ હશે. આ સ્ટેશન 48 હજાર સ્ક્વેર મીટરમાં સ્થપાશે, તેમાં મલ્ટી લેવલ સાથે 2 ફ્લોર હશે. ખાસ સુરતમાં ડાયમંડ વ્યવસાયને ધ્યાનમાં રાખીને ડાયમન્ડ કટ ડિઝાઇન રાખવામાં આવી છે, જે ડાયમન્ડ સિટી તરીકે જાણીતા સુરતને રિપ્રેઝેન્ટ કરશે, સાથે સાથે સેન્ટ્રલ એર કંડીશ્નર હશે તેમજ બેબી કેર રૂમ પણ બનાવવામાં આવશે. આમ એકદમ અતિ આધુનિક સુવિધાથી સજ્જ આ બુલેટ ટ્રેન સ્ટેશન હશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post