• Home
  • News
  • કોરોના સંકટ વચ્ચે ચીને સંરક્ષણ બજેટ 6.6% વધાર્યું, જીડીપી લક્ષ્ય ન રાખ્યું
post

નેશનલ પીપલ્સ કોંગ્રેસના વાર્ષિક સત્રમાં જાહેરાત, 30 વર્ષ પછી GDP પરથી ધ્યાન હટ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-23 11:51:31

બેઈજિંગ: દુનિયા કોરોના સંકટને કારણે ભીષણ આર્થિક મંદી સામે ઝઝૂમી રહી છે. તે ઉપરાંત દુનિયાભરના દેશ સંરક્ષણ ખર્ચ ઘટાડી રહ્યાં છે. તેમ છતાં ચીને વર્ષ 2020 માટે સંરક્ષણ બજેટમાં 6.6 ટકાના વધારાની જાહેરાત કરી છે. ચીનની સરકારે કહ્યું કે કોરોના સંકટને જોતાં ગત અમુક વર્ષોમાં આ સૌથી ઓછી વૃદ્ધિ છે. અમેરિકા પછી ચીન સૌથી વધુ પૈસા સંરક્ષણ પાછળ ખર્ચ કરે છે. કોરોના મહાસંકટ છતાં પણ ચીન ચાલુ વર્ષે 13.68 લાખ કરોડ રૂપિયા સંરક્ષણ પાછળ ખર્ચ કરશે. નેશનલ પીપુલ્સ કોંગ્રેસના વાર્ષિક સત્રમાં તેની જાહેરાત કરાઈ હતી. સત્ર દરમિયાન પીએમ લી કેચિયાંગે કહ્યું કે મહામારીના કારણે દેશ અનિશ્ચિતતા વચ્ચે ફસાયેલું છે અને અર્થતંત્ર ખરાબ દોરમાં છે. તેમણે અર્થતંત્ર માટે સરકારી મદદનો વાયદો કર્યો અને કહ્યું કે આગામી થોડા સમય માટે આર્થિક વિકાસના ટારગેટ વિશે કંઈક કહેવું મુશ્કેલ હશે. 1990 પછી પહેલીવાર ચીને આર્થિક વિકાસ માટે કોઈ ટારગેટ નથી આપ્યું.


ઈરાદો: દક્ષિણ ચીન સાગરમાં મજબૂતાઈ માટે રકમ વધારી
ચીને કહ્યું કે સંરક્ષણ બજેટની મોટી રકમ સૈનિકોની સ્થિતિ સુધારવા ખર્ચાશે. પણ વિદેશ સંરક્ષણ નિષ્ણાંતો કહે છે કે અસલ રકમ વધારે છે. ગત વર્ષે ચીનનું વાસ્તવિક સંરક્ષણ બજેટ 16.72 લાખ કરોડ રૂપિયા હતું. આ વખતે આ રકમનો ઉપયોગ નેવીના ફેલાવામાં થશે. અત્યાધુનિક એરક્રાફ્ટ અને ઘાતક હથિયાર ખરીદવામાં બજેટ ખર્ચ કરાશે જેથી દક્ષિણ ચીન સાગરમાં પકડ વધુ મજબૂત કરી શકાય.

દેખાડો: કોરોનાથી નબળા નહીં પડ્યાનો સંદેશ આપ્યો 
ચીને આ સંરક્ષણ બજેટ પોતાના અર્થતંત્રમાં આવેલા ભારે કડાકા અને બજેટ ખોટ છતાં વધાર્યુ છે. ખરેખર ચીન સામે નવી નોકરીઓ પેદા કરવાનું સંકટ મંડરાઈ રહ્યું છે. મનાય છે કે અર્થતંત્રમાં સંકટ છતાં પણ ચીનના નેતા સેનાને મજબૂત બનાવવા માગે છે. સાથે જ સરકાર લોકોને એ બતાવવા માગે છે કે કોરોના અને અર્થતંત્રને કારણે દેશની સ્થિતિ જરાય નબળી થઇ નથી.


ધમકી: સૈન્ય કાર્યવાહી કરી તાઇવાન પર કબજો કરી લેશે 
તાઇવાન અને હોંગકોંગ પર હજુ પણ ચીન કડકાઈ વર્તી રહ્યું છે. ચીને કહ્યું છે કે જો તાઈવાન જાતેજ ચીનમાં સામેલ નહીં થાય તો તે સૈન્ય કાર્યવાહી કરીને તાઇવાન પર કબજો કરી લેશે. સંસદમાં પીએમ કેકિયાંગે કહ્યું કે અમે તાઇવાનની આઝાદી માટે કરાયેલી દરેક કાર્યવાહીનો વિરોધ કરીશું. હોંગકોંગમાં ચીનના રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તે પછી ચીન ત્યાંના દેખાવો પર કડકાઈ કરી શકશે. 

adv

Related News

post
post
post
post
post
post
post