• Home
  • News
  • ભાજપાએ મોકલેલા મેન્ડેડના નામોમાં અસહમતી:બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં વિવાદ, કોંગ્રેસના ડિરેક્ટરે ચૂંટણી નહિં થાય તો આપઘાતની ચિમકી ઉચ્ચારી
post

બીજી ચૂંટણીનો સમય શરૂ થઇ જવા છતાં, ચૂંટણી અધિકારી ન આવતા કોંગ્રેસના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠોડ બોર્ડ રૂમમાંથી બહાર આવી પહોંચ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-26 18:08:35

વડોદરા: જિલ્લા સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરીમાં આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ન કરવા ભાજપા દ્વારા રાજકીય દાવપેચ ખેલવામાં આવતા વિવાદ સર્જાયો હતો. જો કે, કોંગ્રેસના એક ડિરેક્ટરે ચૂંટણી યોજવામાં નહિં આવે તો ડેરીના બિલ્ડીંગ ઉપરથી પડતું મૂકી આપઘાત કરવાની ચિમકી ઉચ્ચારી હતી. અત્રે નોંધનીય છે કે, બરોડા ડેરીના વર્તમાન પ્રમુખ સતીષ પટેલ (નિશાળીયા) અને ઉપપ્રમુખ ક્રિપાલસિંહ મહારાઉલ છે. જેઓને ભાજપા મોવડી દ્વારા બે માસ પહેલાં જ બરોડા ડેરીની જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ, અઢી વર્ષની ટર્મ પૂરી થતા આજે પુનઃ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર હતી, જેમાં વિવાદ સર્જાયો હતો.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આજે બરોડા ડેરીના બોર્ડરૂમમાં બપોરે 12 કલાકે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત તમામ ડિરેક્ટરો સમયસર ચૂંટણીમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા. તે સાથે સહકારી આગેવાનો અને ડિરેક્ટરોના સમર્થકો પણ આવી પહોંચ્યા હતા. બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

મેન્ડેટમાં અસહમતી થઇ
આ દરમિયાન ચૂંટણીનાં સમય પૂર્વે પ્રદેશ ભાજપા દ્વારા પ્રભારી રાજેશ પાઠકને પ્રમુખ અને ઉપપ્રમુખનું મેન્ડે લઇને મોકલવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા પૂર્વે મળેલી ભાજપા ડિરેક્ટરોની બેઠકમાં પ્રભારીએ પ્રમુખ-ઉપપ્રમુખના નામોના મેન્ડે રજૂ કરતા ભાજપાના અન્ય ડિરેક્ટરોએ અસહમતી દર્શાવતા વિવાદ સર્જાયો હતો.

ચૂંટણી અધિકારીને અટકાવી દેવાયાનો આક્ષેપ
બીજી ચૂંટણીનો સમય શરૂ થઇ જવા છતાં, ચૂંટણી અધિકારી ન આવતા કોંગ્રેસના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠોડ બોર્ડ રૂમમાંથી બહાર આવી પહોંચ્યા હતા. અને મિડીયા સામે આક્ષેપ કર્યો હતો કે, પોલિટીકલ દબાણ હેઠળ ચૂંટણી અધિકારીને ગેરહાજર રાખી ચૂંટણી ટાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, જો ચૂંટણી રોકવામાં આવશે તો હું બરાડા ડેરીની બિલ્ડીંગ ઉપરથી પડતુ મૂકીને આપઘાત કરીશ તેવી ચિમકી ઉચ્ચારી હતી.

સહકારી ક્ષેત્રે ગરમાવો
મળેલી માહિતી પ્રમાણે બરોડા ડેરીના આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ-ઉપપ્રમુખના હોદ્દા ઉપર પરિવર્તન નક્કી હોઇ, તે બાબતે ભાજપાને ગંધ આવી જતાં ચૂંટણી ટાળવાનો રાજકીય ખેલ ખેલ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. નોંધનીય છે કે, બે માસ પહેલાં પ્રમુખ તરીકે જિલ્લા ભાજપા પ્રમુખ સતીષ પટેલ (નિશાળીયા)ને પ્રમુખ તરીકેની અને કોંગ્રેસમાંથી ભાજપામાં આવેલા ડિરેક્ટર ક્રિપાલસિંહ મહારાઉલને ઉપપ્રમુખની જવાબદાર સોંપવામાં આવી હતી. પરંતુ, આજે આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં વિવાદ સર્જાતા સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post