• Home
  • News
  • ચેસ માટે ધો. 9 પછી ભણવાનું છોડ્યું, આ નિર્ણયથી 1 અબજ ડૉલરનો બિઝનેસ ઊભો થયો: નિખિલ કામથ
post

નિખિલ અન્ડર-16માં દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-28 10:47:33

આપણા દેશના મોટા ભાગના સ્ટાર્ટઅપ આઈઆઈટી કે આઈઆઈએમના પાસઆઉટ એન્જિનિયર, મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ ઊભા કર્યા છે. જોકે, હાલમાં જ હુરુનની યાદીમાં સ્થાન મેળવનારા એક સ્ટાર્ટઅપના કો-ફાઉન્ડર એવા પણ છે, જે સ્કૂલ ડ્રોપઆઉટ છે. આ વાત છે ડિસ્કાઉન્ટ બ્રોકરેજ ફર્મ જિરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથની. તેમણે ચેસ રમવા માટે નવમા ધોરણ પછી ભણવાનું છોડી દીધું હતું.

કામથ કહે છે કે, ‘ફોર્મલ એજ્યુકેશનના અભાવને મેં ક્યારેય નબળાઈ ના બનવા દીધી. ઊલટાનું એ ‌વખતે મેં ચેસમાં મન પરોવ્યું અને શેરબજારમાં તેનાથી મને ઘણી મદદ મળી.નિખિલે મોટા ભાઈ નિતિન સાથે 2011માં જિરોધાની શરૂઆત કરી હતી. એક દસકાથી પણ ઓછા સમયમાં આ દેશની સૌથી મોટી બ્રોકરેજ ફર્મ બની ગઈ છે. જોકે, નિખિલ જિરોધાને એક ફિનટેક કંપની કહે છે.

નિખિલે કહ્યું કે, ‘બાળપણથી જ મને ચેસ રમવાનો ભારે શોખ લાગી ગયો હતો. ટૂંક જ સમયમાં હું પ્રોફેશનલ ચેસ રમવા લાગ્યો. 2002માં અન્ડર-16 ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ પણ કર્યું. જોકે, એ વખતે મેં ચેસ રમવા અભ્યાસ છોડ્યો હતો. ચેસમાં પ્રદર્શન સારું હોવાથી મારા બેંક અધિકારી પિતા અને માતાએ પણ એ નિર્ણય સામે વાંધો ના લીધો.

ફોર્મલ એજ્યુકેશનનું મહત્ત્વ ઘણું છે, જેને નકારી ના શકાય. પરંતુ સ્કૂલ છોડ્યા પછી મારામાં એવું પરિવર્તન આવ્યું કે, હું મને રસ પડે એ વિષયનું ખૂબ જ વાંચન કરવા લાગ્યો. મારા મિત્રોને સ્કૂલે જતા જોઈને મને પણ ભણવાનું મન થતું અને કદાચ એજ કારણથી મેં અનેક પુસ્તકો વાંચી કાઢ્યા.

આ દરમિયાન પુસ્તકો વાંચતા વાંચતા જ નિખિલે શેરબજારમાં ટ્રેડિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. ધીમે ધીમે ટ્રેડિંગ વોલ્યુમ ‌વધતું ગયું. પછી તેમણે અનુ‌ભવ્યું કે, અમે અમારા બ્રોકરને ઘણી બધી બ્રોકરેજ ચૂકવી રહ્યા છીએ. નિખિલે ફક્ત બ્રોકરેજ બચાવવાના હેતુથી જિરોધાની શરૂઆત કરી હતી, પરંતુ પછી તે મોટી કંપનીમાં પરિવર્તિત થઈ ગઈ. કામથ કહે છે કે, ‘શેરબજાર મારા રસનો વિષય છે. તેના માટે કોઈ ડિગ્રીની પણ જરૂર નથી. એક ટ્રેડર તરીકે લાયસન્સની પણ જરૂર નથી. શેરબજારમાં વેપાર કરવા માટે મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જરૂર નથી પડતી, જે તેના સૌથી મોટા ફાયદા છે.

ચેસની જેમ શેરબજારમાં પણ મેમરી પાવરની જરૂર
કામથ કહે છે કે, ચેસની રમત અને શેરબજારમાં ઘણી બધી સમાનતા છે. કદાચ ચેસનો એક સારો ખેલાડી હોવાના કારણે જ શેરબજારમાં હું સારું પર્ફોર્મ કરી શક્યો. ચેસમાં ઈન્ટેલિજન્સથી વધુ મેમરી પાવરની જરૂર પડે છે. તમારે આખી ગેમ યાદ રાખવાની હોય છે. તેના નિયમોને ફોલો કરવાના હોય છે. શેરબજારમાં પણ આવું જ હોય છે. તે પણ એક લેવલ પ્લેઈંગ ફિલ્ડ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post