• Home
  • News
  • પૂર્વ ક્રિકેટરે રિષભ પંતને 1.63 કરોડનો ચૂનો, મોંઘી ઘડિયાળોની લાલચમાં છેતરાઈ ગયો
post

મૃણાંક સિંહ અંડર-19 સ્તરે રાજ્યની ક્રિકેટ ટીમનો ભાગ રહ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-28 19:48:24

મહાઠગ સુકેશ ચંદ્રશેખર વિશે તો ઘણાં લોકોને ખબર હશે જે હાલ દિલ્હીની મંડોલી જેલમાં છે. તાજેતરનો ઠગીનો મામલો પૂર્વ IPL ક્રિકેટર સાથે સંબંધિત છે, જેણે ફાઇવ સ્ટાર હોટલ અને ભારતીય ટીમના ક્રિકેટર રિષભ પંત સાથે કરોડોની છેતરપિંડી કરી હતી. મૃણાંકની આ છેતરપિંડી લાંબો સમય ન ચાલી અને 25મી ડિસેમ્બરે તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. હરિયાણાના ફરીદાબાદનો રહેવાસી આરોપી મૃણાંક સિંહ અંડર-19 સ્તરે રાજ્યની ક્રિકેટ ટીમનો ભાગ રહ્યો હતો. તેણે IPLની એક ટીમનો ભાગ હોવાનો પણ દાવો કર્યો છે.

IPL ફ્રેન્ચાઈઝીના ખેલાડી તરીકે પોતાને રજુ કર્યો

આરોપી મૃણાંકે પોતાને વરિષ્ઠ IPS ઓફિસર ગણાવીને દેશભરની ઘણી લક્ઝરી હોટલના માલિકો સાથે છેતરપિંડી કરી હતી. તેની આ છેતરપિંડીના શિકાર થયેલા લોકોમાં કથિત રીતે ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનું પણ નામ સામેલ છે. આરોપીએ જુદી-જુદી ફાઈવ સ્ટાર હોટલો અને રીસોર્ટ્સ સાથે છેતરપિંડી કરવા માટે પોતાની જાતને એક વરિષ્ઠ IPS ઓફિસર ગણાવ્યો હતો. પોલીસે કહ્યું કે તેણે પોતાને એક IPL ફ્રેન્ચાઈઝીના ખેલાડી તરીકે રજુ કર્યો હતો અને પોતાના સ્ટારડમથી મહિલાઓ સાથે પણ છેતરપિંડી કરી હતી.

રિષભ પંત સાથે પણ કરી છેતરપિંડી

મૃણાંક ભારતીય ક્રિકેટર રિષભ પંત સાથે પણ છેતરપિંડી કરી ચુક્યો છે. પંત સાથે તેણે વર્ષ 2020-21માં 1.63 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ મૃણાંકે પંતને સસ્તા ભાવે લક્ઝરી ઘડિયાળો અપાવવાની લાલચ આપી હતી. આ કારણે પંતના મેનેજરે પણ ફરિયાદ નોંધાવી હતી. પંત સાથે છેતરપિંડી કરતા પહેલા મૃણાંકે પોતાને લક્ઝરી ઘડિયાળો, બેગ અને જ્વેલરીનો બિઝનેસમેન ગણાવ્યો હતો જે તેની લક્ઝરી વસ્તુઓ સસ્તા ભાવે વેચે છે. પંતનો વિશ્વાસ જીતવા માટે તેણે ઘણાં જૂઠાણાં બોલ્યા અને કહ્યું કે તેણે આ વસ્તુઓ અન્ય ક્રિકેટરોને પણ ડિસ્કાઉન્ટ રેટ પર વેચી છે.

પોતાને ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ બ્રાંડનો એમ્બેસેડર ગણાવ્યો

મૃણાંકે પોતાને એક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ બ્રાંડનો એમ્બેસેડર ગણાવ્યો અને સ્પોર્ટ્સ સાથે સંબંધિત શોરૂમોને પણ ચૂનો લગાવ્યો હતો. મૃણાંકે એવો દાવો પણ કર્યો કે ઘણાં ભારતીય ક્રિકેટર્સ સાથે તેના ઘનિષ્ઠ સંબંધો છે. મધ્ય દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટલના સુરક્ષા નિર્દેશક તરફથી 22 ઓગસ્ટ, 2022 ના રોજ ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદમાં આરોપ હતો કે મૃણાંકે પોતાને ક્રિકેટર ગણાવ્યો હતો અને 22થી 29 જુલાઈ, 2022ના રોજ સુધી હોટલમાં રોકાયો હતો અને 5,53,362 રૂપિયાના બિલની ચુકવણી કર્યા વિના જ તે ફરાર થઇ ગયો હતો. જયારે હોટલના એક અધિકારીએ બિલ ચૂકવવા કહ્યું તો તેણે કહ્યું કે બિલ તેની સ્પોન્સર કંપની ચૂકવશે. જે પછી હોટલે તેને બેંક ડિટેલ્સ આપી, પરંતુ આરોપીએ 2 લાખ રૂપિયાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો જે QR નંબર મોકલ્યો તે નકલી હતો. ત્યારબાદ હોટલે મૃણાંક અને તેના મેનેજર ગગન સિંહથી સંપર્ક કર્યો હતો.

ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો

એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (નવી દિલ્હી) રવિકાંત કુમારે જણાવ્યું હતું કે મૃણાંકે હોટલને કહ્યું હતું કે તે તેના ડ્રાઈવરને રોકડ સાથે મોકલી રહ્યો છે પરંતુ કોઈ આવ્યું નહીં. બાકી રકમની ચુકવણી માટે તેઓનો અનેક વખત સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેઓએ ખોટા વચનો આપ્યા હતા અને દર વખતે હોટલને ખોટી માહિતી આપી હતી. ત્યારબાદ ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેમનાં સરનામા પર નોટિસ મોકલવામાં આવી પરંતુ મૃણાંક તે સરનામા પર મળ્યો ન હતો.

IPS ઓફિસર તરીકે ઓળખાણ આપીને તપાસ અધિકારીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ પણ કર્યો

પોલીસે વધુમાં જણાવ્યું કે તેનો મોબાઇલ ફોન બંધ હતો અને મોટેભાગે તેની વાતચીત સોશ્યલ મીડિયા પર થતી હતી. તેના પરિચિત લોકો કહી રહ્યા હતા કે તે દુબઈમાં વસી ગયો છે. ત્યારબાદ તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું અને લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો. મૃણાંક સોમવારના રોજ દિલ્હીના ઇન્દિરા ગાંધી એરર્પોટ પર ઝડપાયો હતો. તે હોંગકોંગ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસ કસ્ટડી દરમિયાન તેણે એક વરિષ્ઠ IPS ઓફિસર તરીકે ઓળખાણ આપીને તપાસ અધિકારીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

મૃણાંકને 2 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો

પૂછપરછ દરમિયાન મૃણાંક સિંહે ખુલાસો કર્યો હતો કે પોતાને IPL ક્રિકેટર ગણાવીને તેણે ઘણી લક્ઝરી હોટલો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર તેના મોબાઇલની તપાસમાં જાણવા મળ્યું કે તેની આ છેતરપિંડીના શિકાર ઘણાં લોકો બન્યા હતા. મૃણાંકને 2 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે તે મુંબઈ, હરિયાણા અને પંજાબમાં છેતરપિંડીના ત્રણ મામલામાં પણ સામેલ છે.

adv

Related News

post
post
post
post
post
post
post