• Home
  • News
  • 167 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર રેલવેએ રૂ.48 કરોડની આવક સામે 72 કરોડ રિફંડ ચૂકવવું પડ્યું
post

એપ્રિલ-મેમાં ટ્રેનો બંધ હતી પરંતુ ઓનલાઈન બુક થયેલી ટિકિટોનું 40 કરોડ રિફંડ ચૂકવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 10:36:23

રેલવેના 167 વર્ષના ઇતિહાસમાં કદાચ પહેલીવાર રેલવેને ટિકિટ બુકિંગથી થતી આવક સામે પેસેન્જરોને રિફંડ ચૂકવવાથી થતું નુકસાન વધુ થયું છે. અમદાવાદ સ્ટેશન સહિત ડિવિઝનમાં એપ્રિલથી 20 ઓગસ્ટ સુધી રેલવેને ટિકિટ બુકિંગથી 48 કરોડ રૂપિયા આવક થઈ છે. તેની સામે પેસેન્જરોને ટિકિટ કેન્સલ થતા 72 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. આમ ટિકિટ બુકિંગની આવક સામે રેલવેને 24 કરોડ રૂપિયા વધુ રિફંડ ચૂકવવું પડ્યું છે. જ્યારે દેશભરમાં ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલથી જૂન સુધીના પ્રથમ ત્રિમાસિકમાં રેલવેને વધુ રિફંડ ચૂકવવાથી 1066 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

રેલવે અધિકારીના જણાવ્યા મુજબ કોરોના મહામારીને પગલે 22 માર્ચથી દેશભરમાં પેસેન્જર ટ્રેનોનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. ટ્રેનો બંધ થતા પેસેન્જરોની તમામ ટિકિટ રદ કરી પેસેન્જરોને તબક્કાવાર રિફંડ ચૂકવવામાં આવી રહ્યું છે. એપ્રિલ અને મે મહિનામાં ટ્રેનોનું સંચાલન બંધ હોવા છતાં રેલવે દ્વારા ઓનલાઈન બુક થયેલી ટિકિટોના 39.92 કરોડ રૂપિયા રિફંડ ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે રેલવે દ્વારા 1 જૂનથી દેશના પસંદગીના રૂટ પર વિશેષ ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવતા તેની બુકિંગ શરૂ કરવામાં આવી છે. તેની સામે રદ થયેલી રેગ્યુલર ટ્રેનના પેસેન્જરોને રિફંડ આપવાની કામગીરી પણ ચાલૂ રાખવામાં આવતા 1 જૂનથી 20 ઓગસ્ટ સુધી અમદાવાદ ડિવિઝને ટિકિટ બુકિંગ પેટે 47.84 કરોડ રૂપિયાની આવક મેળવી હતી. તેની સામે 32.01 કરોડ રૂપિયા રિફંડ ચૂકવ્યા છે. આમ 1 જૂનથી 20 ઓગસ્ટ સુધી અન્ય ડિવિઝનોએ જ્યાં નુકસાન ભોગવ્યું છે તેની સામે અમદાવાદ ડિવિઝને 15.83 કરોડ રૂપિયાની નેટ આવક મેળવી છે. જો કે એપ્રિલથી ઓગસ્ટ સુધીની કુલ આવક જોતા ડિવિઝનને 24 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અનલૉકમાં ટ્રેન સેવા તબક્કાવાર શરૂ કરવામાં આવતાં રેલવેની આવક ધીરે ધીરે પાટા પર આવી રહી છે.

આટલું રિફંડ ચૂકવાયું

મહિનો

આવક

રિફંડ ચૂકવાયું (કરોડમાં)

એપ્રિલ

-

17.46

મે

-

22.46

1 જૂનથી 20 ઓગસ્ટ

47.84

32.01

 

adv

Related News

post
post
post
post
post
post
post