• Home
  • News
  • લીંબુ માટે ગુજરાત અન્ય રાજ્યો પર નિર્ભર:પાણીની તંગી અને લીંબુની ખેતીમાં ઘટાડો થવાથી ભાવ આસમાને, MP, કર્ણાટક અને આંધ્રપ્રદેશથી લાવવાં પડે છે લીંબુ
post

લીંબુ માટે આંધ્રની માટી સૌથી સારી છે. એને વારંવાર પાણીની જરૂર પડતી નથી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-03 10:42:00

અમદાવાદ: ઉનાળાની 43 ડીગ્રી તાપમાનની ગરમી હવે લીંબુના ભાવ પર પણ વર્તાઈ છે. લીંબુના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળતાં 5 મહિના પૂર્વે 25 રૂપિયા કિલો વેચાતા લીંબુ હવે 200 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યાં છે. ચાલુ વર્ષે ગરમીની મોસમમાં લીંબુના ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. લોકો માટે મોટો સવાલ એ બન્યો કે કેમ કરી લીંબુ ખરીદવાં? એવામાં લીંબુની ખેતી અંગે કેટલીક રસપ્રદ અને મહત્ત્વની બાબત સામે આવી છે. ગુજરાત હજુ લીંબુ મામલે આત્મનિર્ભર બન્યું નથી, જેને કારણે અન્ય રાજ્યોમાંથી આવતાં લીંબુ પર નિર્ભર રહેવું પડે છે. એમાંય વળી અમદાવાદ તો આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી આવતાં લીંબુ પર નિર્ભર કરે છે.

લીંબુના ભાવમાં અતિશય વધારો જોવા મળ્યો છે. જથ્થાબંધ લીંબુનો ભાવ 200 રૂપિયા કિલો સુધી પહોંચ્યાં છે. લીંબુના વેપાર સાથે જોડાયેલી વેપારીઓ પણ કહી રહ્યા છે કે જ્યારે તેમના વડીલો વેપાર કરતા ત્યારે પણ આટલો ઊંચો ભાવ જોવા મળ્યો ન હતો. પહેલીવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે દિવ્યભાસ્કરની ટીમે આ વર્ષે લીંબુના ભાવ વધવાનાં કારણો જાણવાનો પ્રયાસ કર્યો છે.

અમદાવાદમાં આવે છે મહારાષ્ટ્ર, કર્ણાટકનાં લીંબુ
ગુજરાતમાં માત્ર 5 જિલ્લામાં લીંબુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, જેમાં મહેસાણા, વડોદરા, ભાવનગર, આણંદ અને મોરબીનો સમાવેશ થાય છે, જેથી અમદાવાદીઓએ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી આવતાં લીંબુનો ઉપયોગ કરવો પડે છે.

'તાઉતે' વાવાઝોડાથી લીંબુના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં લાંબા સમયથી લીંબુના વેપાર સાથે જોડાયેલા દિલીપ અંધારિયાએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે 'ભાવનગર અને મોરબી તરફ થતા લીંબુના પાકની સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખપત રહે છે. જોકે 'તાઉતે' વાવાઝોડાની અસરને કારણે લીંબુના પાકને ભારે નુકસાન થયું હતું. જેથી અગાઉનાં વર્ષોમાં દૈનિક 15 ગાડીની આવક હતી, જે હવે બે-કે ત્રણ ગાડી પૂરતી જ સીમિત રહે છે.

નવરાત્રિ અને રમજાન સાથે આવતાં માગ વધી
મહેસાણા જિલ્લાના ખેરવા ગામમાં મોટા પ્રમાણમાં લીંબુનો પાક લેવામાં આવે છે. ખેરવામાં લીંબુની ખેતી કરતા નલીનભાઈ પટેલનું કહેવું છે કે 'લીંબુની ખેતી માટે પાણીની આવશ્યકતા વધુ રહે છે, પરંતુ પૂરતું પાણી ન મળી શકવાને કારણે પાક સારો નથી લઈ શકાતો. આ ઉપરાંત પાછલાં કેટલાંક વર્ષથી ગુજરાતમાં લીંબુની ખેતીમાં ઘટાડો થયો છે. બીજી મોટી વાત એ છે કે આ વખતે રમજાન અને ચૈત્રી નવરાત્રિના દિવસો પણ સાથે આવ્યા હતા, જેને કારણે લીંબુની બજારમાં માગ વધુ જોવા મળી છે, જેની સામે આવક ઓછી છે. જ્યારે મહેસાણા જિલ્લામાં થતાં લીંબુ રાજસ્થાન મોકલવામાં આવે છે'.

 

વધુ ગરમી અને વધુ માગથી ભાવ ઊંચકાયા
અમદાવાદમાં પાછલાં 20 વર્ષથી લીંબુના વેપાર સાથે જોડાયેલા ચિરાગભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ઉનાળામાં લીંબુના ભાવ 120-150 પ્રતિ કિલો સુધી પહોંચે છે. જોકે આ વખતે વધુ પ્રમાણમાં ગરમી પડી રહી છે અને માગ પણ વધુ જોવા મળી છે, જેની સામે આવક ઓછી છે. તેમની પેઢી ચાલે છે, ત્યારથી લઈ અત્યારસુધીમાં પહેલીવાર ભાવમાં આટલો મોટો ઉછાળો આવ્યો છે. સામાન્ય રીતે અમદાવાદના જમાલપુર શાક માર્કેટમાં દૈનિક 40-50 ટન લીંબુની થતી હોય છે, જોકે આ વખતે એમાં પણ 15થી 20 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

દેશમાં સૌથી વધુ લીંબુ આંધ્રમાં ઊગે છે
લીંબુ માટે આંધ્રની માટી સૌથી સારી છે. એને વારંવાર પાણીની જરૂર પડતી નથી. ઝાડ 3-4 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરી દે છે અને 5 વર્ષ સુધી એને ખાતર અને જરૂરિયાત જેટલું પાણી જીવતું રાખે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post