• Home
  • News
  • હાર્દિક પંડ્યાની મનમાની:વડોદરાના રિલાયન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર IPL માટે પ્રેક્ટિસ કરવા BCAની 8 મેચ શિફ્ટ કરાવી
post

રિલાયન્સ મેદાન પર અંડર-23ની 8 મેચ રમાવાની હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-23 10:41:05

વડોદરા: બીસીએ દ્વારા મેઇન્ટેન કરાતાં રિલાયન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બીસીએ દ્વારા અંડર-23 સ્પર્ધાની મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હાર્દિક પંડ્યાને આઈપીએલ માટે પ્રેક્ટિસ કરવી હોઈ બીસીએને મેચો શિફ્ટ કરવાની ફરજ પડી છે. જેને પગલે બીસીએના સત્તાધીશોમાં ખળભળાટ મચી ગયો છે.

આ સંબંધમાં બીસીએના સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે, રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 15મી ફેબ્રુઆરીથી 25મી ફેબ્રુઆરી સુધી 8 મેચ રમાડવાની હતી. સ્ટેડિયમ ઇન્ચાર્જ સાથે વાત કરતાં તે મૌખિક રીતે મેદાન આપવા માટે તૈયાર થયા હતા.

ગયા સપ્તાહમાં સ્ટેડિયમ ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, ‘હાર્દિક પંડ્યા રિલાયન્સ મેદાન ખાતે આઈપીએલ માટે પ્રેક્ટિસ કરવાનો છે એટલે બીસીએની મેચો માટે મેદાન ઉપલબ્ધ નથી. 21મીએ મેચો હતી એટલે અમે 19મી ફેબ્રુઆરીએ પણ ઇ-મેલ કર્યો હતો, પરંતુ અમને તેનો કોઈ જવાબ મળ્યો ન હતો. જેથી આખરે અમારે મેચો શિફટ કરવી પડી છે.

હાર્દિક ગુજરાતની ટીમમાંથી રમશે
હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ વતી રમવાનો છે ત્યારે તે ગુજરાતના અન્ય ગ્રાઉન્ડ પર પણ પ્રેક્ટિસ કરી શકે છે. પરંતુ તેણે વડોદરાના ગ્રાઉન્ડ પર જ પ્રેક્ટિસનો આગ્રહ રાખતાં બીસીએની હાલત દયનિય બની છે. વર્ષે 40 લાખથી વધુનો મેન્ટેનેન્સ ખર્ચ કરતું બીસીએ પોતાની મેચ રમાડી શકતું નથી એટલું લાચાર બન્યું છે. બીસીએનાં સૂત્રોએ જણાવ્યું કે હાર્દિકે બીસીએની ઓફિસમાં ફોન કર્યો હતો અને મેચો શિફ્ટ કરવા કહ્યું હતું.

હાર્દિક નવા ખેલાડીઓની કારકિર્દીના ઘડતરમાં આડે આવ્યાનો કચવાટ
બીસીએ દ્વારા અન્ડર 23ની 8 મેચોનું આયોજન કરાયું હતું. જેને હવે હાર્દિકની આ જ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવાની જીદને કારણે શિફ્ટ કરવી પડી છે. ત્યારે મોટા ગજાના ખેલાડી તરીકે હાર્દિકે પોતાનાથી જુનિયર કક્ષાના ખેલાડીઓ વધુ સારા ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી આગળ આવે તેવી ખેલદીલી બતાવવી જોઇએ, પરંતુ તેમ ન થતાં બીસીએમાં કચવાટ ફેલાયો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post