• Home
  • News
  • હિંદુસ્તાન ઝિંક ગુજરાતમાં ઝિરો લિક્વિડ ડિસ્ચાર્જ સાથે અદ્યતન ઝિંક સ્મેલ્ટર પ્લાન્ટ સ્થાપશે, રૂ. 10,000 કરોડનું રોકાણ કરશે
post

તાપીના ડોસવાડા GIDCમાં આ ગ્રીનફિલ્ડ પ્લાન્ટ 415 એકરમાં આકાર પામશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-15 11:38:55

દેશમાં સૌથી મોટા ઝિંક ઉત્પાદક અને વિશ્વમાં ટોચના પાંચ પૈકીના એક હિંદુસ્તાન ઝિંક લિમિટેડે તાપીના ડોસવાડા GIDCમાં 300 KTPA ગ્રીનફિલ્ડ ઝિંક સ્મેલ્ટર પ્લાન્ટ માટે આજે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (MOU) કર્યાં છે. 415 એકર વિસ્તારમાં આ સુવિધામાં તબક્કાવાર રીતે રૂ. 5,000-રૂ. 10,000 કરોડથી વધુનું રોકાણ થશે અને તેનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 5000 લોકોને રોજગારી મળશે. આ પ્લાન્ટ 2022 સુધીમાં કાર્યરત થશે.

વિશ્વમાં સૌથી ઓછા ખર્ચના સ્મેલ્ટર્સ પૈકીનું એક રહેશે
કંપનીના જણાવ્યા પ્રમાણે, ગુજરાત રાજ્યમાં આ હિંદુસ્તાન ઝિંકની પ્રથમ સુવિધા છે, જે ઝિરો ડિસ્ચાર્જ ટેક્નોલોજી સાથે સ્થાપિત કરાશે તેમજ વિશ્વમાં સૌથી ઓછા ખર્ચના સ્મેલ્ટર્સ પૈકીનું એક રહેશે. બંદર અને વપરાશ માટેના મુખ્ય માર્કેટ્સની નજીક આવેલી નવી સુવિધા ઝિંક અને અન્ય નાની ધાતુઓનું ઉત્પાદન કરશે. ડોસવાડા હઝિરા બંદર (110 કિમી) અને આગામી મગદલ્લા બંદર (90 કિમી)ની નજીક છે. નવી સુવિધા મોડલ પ્લાન્ટ રહેશે, તેમાં અદ્યતન ટેક્નોલોજી, ઓટોમેશન, પર્યાવરણના અને આરોગ્ય સુરક્ષા પાલનના ઉચ્ચ ધોરણો સામેલ છે.

સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે: વિજય રૂપાણી
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લક્ષ્યાંકિત સમયમાં પ્લાન્ટને કાર્યરત કરવા અમારી રાજ્ય સરકાર તરફથી જરૂરી તમામ સહયોગ પ્રદાન કરતાં હું ખુશી અનુભવું છું. મને આશા છે કે હિંદુસ્તાન ઝિંક રાજ્યના વિઝન તથા અસરકારક અને અદ્યતન ઔદ્યોગિક ઇકોસિસ્ટમ વિકસાવવાના પ્રયાસોનો લાભ મેળવશે. આ નવી સુવિધા ડાઉનસ્ટ્રીમ યુઝર ઇન્ડસ્ટ્રીની નજીક રહેશે. વધુમાં તે ભવિષ્યમાં ઔદ્યોગિક ક્લસ્ટર્સ અને સંલગ્ન ઉદ્યોગોના વિકાસમાં પણ મદદ કરશે.

ઝિંકના ઉત્પાદનમાં ભારતને વૈશ્વિક નકશામાં સ્થાન અપાવશે
વેદાન્તા ગ્રુપના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અને સ્થાપક અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ નવો પ્લાન્ટ માત્ર વિશ્વસ્તરીય સુવિધા નથી, પરંતુ કાર્યક્ષમતાના ઉચ્ચ ધોરણો, ઇકો-ફ્રેન્ડલીનેસ, ટેક્નોલોજી અને ઓટોમેશન, ગુણવત્તા અને માળખાને સમાવિષ્ટ કરતા એક મોડલની રચના કરવામાં ગ્રુપના અભ્યાસનું ઉચ્ચતમ સ્તર છે. આ સુવિધા સાથે અમે સાથે મળીને ઝિંકના સૌથી અસરકારક ઉત્પાદક તરીકે ભારતને વૈશ્વિક નકશામાં સ્થાન અપાવીશું.

2022 સુધીમાં ડોસવાડા એકમ પૂર્ણ કરવાની યોજના
હિંદુસ્તાન ઝિંકના CEO અરૂણ મિસરાએ જણાવ્યું હતું કે, વેદાન્તા ગ્રુપ અને હિંદુસ્તાન ઝિંક અમારા વ્યવસાયના કેન્દ્ર બિંદુ તરીકે સમુદાય વિકાસ અને ઉત્થાનના એજન્ડા ઉપર કામ કર્યું છે. અમે ગુજરાત રાજ્યમાં દરિયાકાંઠા આધારિત કામગીરી સ્થાપિત કરતાં ઉત્સાહિત છીએ અને આ સ્થળ પ્રોજેક્ટ માટે એકદમ આદર્શ છે. અમે વર્ષ 2022 સુધીમાં ડોસવાડા એકમ પૂર્ણ કરવાન યોજના ધરાવીએ છીએ અને આ પ્લાન્ટ રાજ્યમાં હજારો લોકો માટે રોજગારની તકનું સર્જન કરવાની સાથે-સાથે પર્યાવરણ પ્રત્યે જવાબદાર અને ફ્યુચર-રેડી સુવિધા તરીકે ઉદ્યોગમાં બેન્ચમાર્ક સ્થાપિત કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post