• Home
  • News
  • અમેરિકામાં હિટ એન્ડ રન, ગુજરાતી યુવકનું મોત:'પપ્પા, અહીં મજા આવે છે...', પિતા સાથે ફોન પર વાત કર્યા બાદ રોડ ક્રોસ કરતી સમયે દર્શિલ પર એક બાદ એક 14 ગાડી ફરી વળી
post

દર્શિલ ટુરિસ્ટ વિઝા પર 9 એપ્રિલ 2023ના રોજ અમેરિકા ફરવા ગયો હતો, જે 26 સપ્ટેમ્બરના રોજ પરત ફરવાનો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-03 19:26:19

'પપ્પા અહીં બહુ જ મજા આવે છે, હું અમેરિકાથી આવીશ એટલે મમ્મી, ભાઇ અને તમે આપણે બધાં ફરીથી અહીં ફરવા આવીશું...' વીડિયો કોલમાં પિતા સાથે વાત કરતાં આ અંતિમ શબ્દો હતા પાટણના દર્શિલના.. જે પાટણથી અમેરિકા ફરવા તો ગયો, પણ પરત ન આવી શક્યો. પિતા સાથે વીડિયો કોલમાં વાત કર્યા બાદ જેવો રોડ ક્રોસ કરવા ગયો ને ચિત્તાની ઝડપે આવતી એક બે નહીં 14 જેટલી ગાડીઓનાં ટાયર દર્શિલ પરથી નીકળી ગયાં.. આટલું જ નહીં, દર્શિલના મૃતદેહને પણ વતન નસીબ ન થયું.. 

દર્શિલને અમેરિકામાં કાળનો ભેટો થઈ ગયો
ઘટનાની વિગતે વાત કરીએ તો પાટણમાં ટી.બી ત્રણ રસ્તા પાસે આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતા અને સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકની ફરજ બજાવતા રમેશભાઇ ઠક્કરનો નાનો પુત્ર દર્શિલ ટુરિસ્ટ વિઝા પર 9 એપ્રિલ 2023ના રોજ અમેરિકા ફરવા ગયો હતો, જે 26 સપ્ટેમ્બરના રોજ પરત ફરવાનો હતો, પરંતુ પરત ફરે એ પહેલાં જ તેને અમેરિકામાં કાળનો ભેટો થઇ ગયો છે.

ચિત્તાની ઝડપે આવતી 14 જેટલી ગાડીઓ દર્શિલ પરથી નીકળી ગઈ
દર્શિલ ઠક્કર 31 જુલાઇના રોજ સાંજે અમેરિકાના હ્યુસ્ટન ટેક્સાસમાં વોકિંગ પર નીકળ્યો હતો. ત્યારે તે તેનાં મમ્મી-પપ્પા સાથે વીડિયો કોલમાં વાતચીત કરતો હતો.વાતચીત પૂર્ણ કર્યા બાદ સિગ્નલ બંધ હોવાથી દર્શિલને થયું કે રોડ ક્રોસ કરી લઉ, પણ દર્શિલ જેવો રોડ ક્રોસ કરવા ગયો કે અચાનક સિગ્નલ ખૂલી ગયું અને ચિત્તાની ઝડપે આવતી એક બે નહીં, પણ 14 ગાડી દર્શિલ પરથી નીકળી ગઇ.. આમ, 14 જેટલી ગાડીઓનાં ટાયર દર્શિલ પર ફરી વળતાં દર્શિલ થોડે સુધી ઢસડાઇને મોત ભેટ્યો..

મૃતદેહને વતન પણ નસીબ નહીં થાય

દર્શિલના અકસ્માતની જાણ પરિવારજનોને થતાં પરિવારે મૃતદેહને ભારત લાવવા માટે પીએમઓ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરી હતી. સરકારનો સહકાર પણ મળ્યો હતો, પરંતુ ત્યાંના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે દર્શિલનો મૃતદેહ ભારત લઇ જવાની હાલતમાં નથી, જેથી હવે દર્શિલના અંતિમસંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post