• Home
  • News
  • વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર 15 ઓક્ટોબરે:નવરાત્રિના પ્રથમ દિવસે જ હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાશે, ગરબા-આયોજકો પણ મૂંઝવણમાં
post

એશિયાના સૌથી મોટા હરીફ ભારત અને પાકિસ્તાન 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-27 19:45:51

ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ICCએ મંગળવારે મુંબઈમાં એક મીડિયા બ્રીફિંગમાં વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ ઈવેન્ટમાં BCCI સેક્રેટરી જય શાહ અને શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર ​​મુથૈયા મુરલીધરન પહોંચ્યા હતા. 46 દિવસીય ક્રિકેટ મહાકુંભની શરૂઆત 5 ઓક્ટોબરે અમદાવાદમાં ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ સાથે થશે, જ્યારે ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદ સ્ટેડિયમમાં રમાશે.

એશિયાના સૌથી મોટા હરીફ ભારત અને પાકિસ્તાન 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે. આ દિવસે પહેલું નોરતું પણ રહેશે. નવરાત્રિના પ્રથમ દિવસે જ હાઈ વૉલ્ટેજ ડ્રામાવાળી મેચ હોવાને કારણે નવરાત્રિના આયોજકો પણ મૂંઝવણમાં રહ્યા છે. ભારત-પાક મેચ રાત્રે 9:30થી 10 કલાક સુધીમાં પૂરી થાય તોપણ પ્રથમ નોરતામાં ખેલૈયાઓની પાંખી હાજરી રહે એવી શક્યતા બની રહી છે.


નોકઆઉટ મેચ માટે રિઝર્વ ડે

ટુર્નામેન્ટની નોકઆઉટ મેચોના શેડ્યૂલમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે, એટલે કે સેમી-ફાઈનલ અને ફાઈનલ બંને મેચ માટે રિઝર્વ ડે હશે. અગાઉ પણ વર્લ્ડ કપમાં નોકઆઉટ મેચો માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે.

વર્લ્ડ કપ 10 શહેરમાં રમાશે

2023નો વર્લ્ડ કપ 10 શહેરમાં રમાશે. અમદાવાદ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ), બેંગલુરુ (એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ), ચેન્નઈ (એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ), દિલ્હી (અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ), ધર્મશાલા (હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ), હૈદરાબાદ (રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ઉપ્પલ).

આ સિવાય કોલકાતા (ઈડન ગાર્ડન), લખનઉ (એકાના ક્રિકેટ સ્ટેડિયમ), મુંબઈ (વાનખેડે સ્ટેડિયમ), પુણે (મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ)નો સમાવેશ થાય છે. હૈદરાબાદ ઉપરાંત ગુવાહાટી અને તિરુવનંતપુરમ 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી પ્રેક્ટિસ મેચની યજમાની કરશે.

આ ટુર્નામેન્ટ 46 દિવસ ચાલશે
આ ટુર્નામેન્ટ 46 દિવસ ચાલશે અને ત્રણ નોકઆઉટ સહિત 48 મેચ રમાશે. ભારત પ્રથમ વખત સમગ્ર વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. અગાઉ ભારત તેના પડોશી દેશો સાથે આ મેગા ટુર્નામેન્ટનું આયોજન કરી ચૂક્યું છે.

જેમાં 10 ટીમ ભાગ લઈ રહી છે
આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમ ભાગ લેશે. યજમાન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ 2023 ODI વર્લ્ડ કપ માટે સીધા ક્વોલિફાય થયા છે. હવે બાકીની બે ટીમ ક્વોલિફાયર રાઉન્ડમાંથી આવશે.

ODI વર્લ્ડ કપની પ્રથમ મેચ 1975માં રમાઈ હતી
પ્રથમ ODI વર્લ્ડ કપ વર્ષ 1975માં રમાયો હતો. 7 જૂન 1975ના રોજ પ્રથમ ODI વર્લ્ડ કપ મેચ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ હતી. લોર્ડ્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 202 રનથી હરાવ્યું હતું.

પ્રથમ વર્લ્ડ કપ ફાઇનલ 21 જૂન 1975ના રોજ લોર્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. વેસ્ટ ઈન્ડીઝે ઓસ્ટ્રેલિયાને 17 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. વર્ષ 1983 સુધી ODI વર્લ્ડ કપ 60-60 ઓવરનો હતો. 1987થી, ટુર્નામેન્ટ 50-50 ઓવરની શરૂ થઈ.

ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે, જેણે 5 વખત વર્લ્ડ કપ જીત્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ 2-2 વખત ચેમ્પિયન બન્યા છે. ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાને 1-1 વખત ટાઈટલ જીત્યું હતું. ભારતે 1983 અને 2011માં ટ્રોફી જીતી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post