• Home
  • News
  • આ વર્ષે ભારતનો વિકાસદર 1.9% રહેશે પણ આવતા વર્ષે 7.4% સુધી જશે: IMF
post

વૈશ્વિક અર્થતંત્રમાં 90 વર્ષ અગાઉની મહામંદી પછીના સૌથી મોટા કડાકાની આશંકા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 10:34:00

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (આઇએમએફ) આશંકા વ્યક્ત કરી છે કે કોરોનાના કારણે આ વર્ષે વૈશ્વિક અર્થતંત્રમાં 90 વર્ષ અગાઉની મહામંદી પછીનો સૌથી મોટો કડાકો આવી શકે છે. જોકે, આઇએમએફએ આશા વ્યક્ત કરી છે કે મોટાં અર્થતંત્રો પૈકી માત્ર ભારત અને ચીન જ મંદીથી બચી શકશે. આઇએમએફના જણાવ્યાનુસાર નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો વિકાસદર 1.9% રહેવાનું અનુમાન છે. આમ થયું તો આ 1991 બાદ ભારતનો સૌથી ઓછો વિકાસદર હશે. 


ચીનનો વિકાસદર 1.2% રહેવાનો અંદાજ
મંગળવારે આઇએમએફ અને વર્લ્ડ બેન્કની બેઠકના પહેલા દિવસે જારી વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ મુજબ 1.9% વિકાસદર છતાં ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતાં મોટાં અર્થતંત્રોમાં યથાવત્ રહેશે. આ દરમિયાન ચીનનો વિકાસદર 1.2% રહેવાનો અંદાજ છે. આઇએમએફના જણાવ્યાનુસાર વિશ્વનો આર્થિક વિકાસદર 3 ટકા ઘટશે, જે 2008-09ની વૈશ્વિક મંદીના સમયથી પણ મોટો ઘટાડો છે. 1930ની મહામંદી બાદ આટલો મોટો ઘટાડો ક્યારેય જોવા મળ્યો નથી. આ વર્ષે વૈશ્વિક વ્યાપારમાં 11% ઘટાડાની આશંકા છે. 


2021-22
માં ભારતનો વિકાસદર 7.4% અને ચીનનો 9.2% રહેવાનો અંદાજ
રિપોર્ટમાં આશા વ્યક્ત કરાઇ છે કે જૂન મહિના પછી કોરોનાના કેસ ઘટશે તો આવતા વર્ષે અર્થતંત્ર ઝડપથી સુધરશે અને વૈશ્વિક વિકાસદર 5.8%એ પહોંચી જશે. તે સ્થિતિમાં 2021-22માં ભારતનો વિકાસદર 7.4% અને ચીનનો 9.2% રહેવાનો અંદાજ છે. કોરોનાને લઇને જારી અનિશ્ચિતતાઓ વચ્ચે આ રિપોર્ટ ઘણી અટકળો અને અનુમાનો પર આધારિત છે. 

કેલેન્ડર યર 2020માં ભારતનો ગ્રોથ રેટ શૂન્ય રહી શકે છે: બાર્કલેઝ
કોરોના વાઇરસના રોગચાળાની અસર લોકોના સ્વાસ્થ્યની સાથોસાથ પૂરી દુનિયાના અર્થતંત્ર પર પણ પડી રહી છે. ભારતમાં કોરોનાના કેરથી બચવા દેશમાં લૉકડાઉન કરાયું છે. પહેલાં આ લૉકડાઉન 15 એપ્રિલ સુધી હતું. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉન 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી. અર્થતંત્રમાં પહેલેથી જારી મંદી બાદ હવે આ લાંબા લૉકડાઉનના કારણે કેલેન્ડર યર 2020માં ભારતનો ગ્રોથ રેટ શૂન્ય રહી શકે છે. આ માહિતી બ્રિટનની અગ્રણી બેન્ક બાર્કલેઝના તાજેતરના રિપોર્ટમાં અપાઇ છે. બાર્કલેઝના જણાવ્યાનુસાર 2020માં ભારતના જીડીપીમાં કોઇ ગ્રોથ નહીં થાય. અગાઉ બાર્કલેઝએ 2020માં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 2.5 ટકા અંદાજ્યો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post