• Home
  • News
  • અંતિમ સ્થાને રહેલી ચેન્નાઈ હજીપણ 'જો અને તો'ની સ્થિતિમાં ક્વોલિફાય કરી શકે છે; દિલ્હી અને બેંગલોર અંતિમ-4માં સ્થાન મેળવવાથી માત્ર 1 જીત દૂર
post

ગઈ વખતે 14માંથી માત્ર 5 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં છેલ્લા સ્થાને રહેનાર બેંગલોરની ટીમ આ વખતે 10માંથી 7 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-22 09:54:52

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2020નો બિઝનેસ એન્ડ શરૂ થઇ ગયો છે. એ સ્ટેજ જ્યાં કઈ ટીમ કઈ રીતે ક્વોલિફાય કરી શકે છે, તેની ગણતરી ફેન્સ શરૂ કરી દે છે. મેથમેટિકલી હજી સુધી કોઈ ટીમ ક્વોલિફાય નથી થઇ, અને કોઈપણ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર પણ નથી થઇ. હા, ચેન્નાઈ સુપરકિંગ્સ પાસે પણ હજી પ્લેઓફમાં સ્થાન મેળવવાનો આઉટસાઈડ ચાન્સ છે. ચાલો જાણીએ દરેક ટીમ કઈ રીતે ક્વોલિફાય કરી શકે છે.

1) દિલ્હી કેપિટલ્સ: 14 મેચના લીગ રાઉન્ડમાં કોઈ ટીમ 8 મેચ જીતે તો પ્લેઓફમાં તેનું સ્થાન નિશ્ચિત થઇ જાય છે. જ્યારે ટીમો 14 પોઈન્ટ્સ સાથે પણ નેટ રનરેટના આધારે ક્વોલિફાય કરી શકે છે. શ્રેયસ ઐયરની કપ્તાનીમાં દિલ્હીએ 10માંથી 7 મેચ જીતી છે, બાકીની 4માંથી 1 મેચ જીતીને પ્લેઓફમાં પોતાનું સ્થાન બુક કરી લેશે. તેવામાં તેનું સ્થાન લગભગ નક્કી જ માની શકાય તેમ છે. તેમની બાકીની મેચ કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને બેંગલોર સામે છે.

2) રોયલ ચેલેન્જર્સ બેંગલોર: લીગમાં સૌથી લોયલ ફેન્સ ધરાવતી અને પોઈન્ટ્સ ટેબલમાં મોટાભાગે નીચેના ક્રમમાં રહેતી વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર આ વખતે ફૂલ ફોર્મમાં છે. બેંગલોરની ટીમે પણ દિલ્હી માફક 10માંથી 7 મેચ જીતી છે. દિલ્હી વધુ સારી નેટ રનરેટના આધારે પ્રથમ અને RCB બીજા સ્થાને છે. તેની બાકીની 4 મેચ- ચેન્નાઈ, મુંબઈ, હૈદરાબાદ અને દિલ્હી સામે છે. આ ચારમાંથી એક મેચ જીતીને બેંગલોર પ્લેઓફમાં સામેલ થઇ જશે. જો તેઓ ચારેય મેચ હારે તો પછી - નેટ રનરેટના આધારે પરિણામ આવશે. જોકે, મુંબઈ અને દિલ્હી જેવી મજબૂત ટીમોને ધ્યાનમાં લઈએ તો પણ બેંગલોર ચેન્નાઈ અથવા હૈદરાબાદ સામેની 2માંથી એક મેચ જીતી જશે તેવું તેમના હાલના ફોર્મને જોઈને લાગી રહ્યું છે.

3) મુંબઈ ઇન્ડિયન્સ: IPLની સૌથી સફળ ટીમ મુંબઈના 9 મેચમાં 6 જીત સાથે 12 પોઈન્ટ્સ સાથે છે. તેની +1.201ની નેટ રનરેટ સૌથી મજબૂત છે, જેનો તેને અંતમાં લાભ થઇ શકે છે. તેઓ બાકીની 5માંથી 2 મેચ જીતીને, પ્લેઓફમાં સ્થાન કન્ફર્મ કરી શકે છે. તેઓની બાકીની 5 મેચ- ચેન્નાઈ, રાજસ્થાન, બેંગલોર, દિલ્હી અને હૈદરાબાદ સામે છે. મુંબઈના ફોર્મ અને બેટિંગ-બોલિંગ બંને ડિપાર્ટમેન્ટમાં ડેપ્થ જોતા તેઓ 5માંથી 2 મેચ જીતી જ જશે તેવું પંડિતોનું માનવું છે. પરંતુ જો તેઓ 5માંથી 1 મેચ જીતે તો 14 પોઈન્ટ્સ પર નેટ રનરેટના આધારે પસંદગી થઇ શકે તેમ છે. જો મુંબઈ બાકીની બધી મેચો હારે તો? તો પછી તેનું નસીબ અન્ય ટીમોના પરિણામ પર નક્કી થશે.

4) કોલકાતા નાઈટ રાઈડર્સ: KKR, હૈ તૈયાર. નાઈટ રાઈડર્સની તૈયારી એવી કે તેમણે મીડ-સીઝન કપ્તાન બદલાવવો પડ્યો હતો. કોલકાતાએ 10માંથી 5 મેચ જીતી છે અને 10 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે. પોતાના દમ પર ક્વોલિફાય થવા તેમણે બાકીની ચારમાંથી 3 મેચ જીતવી પડશે. તેમની બાકીની મેચ દિલ્હી, પંજાબ, ચેન્નાઈ અને રાજસ્થાન સામે છે. નાઈટ રાઈડર્સના હાલના ફોર્મને જોતા તેમના માટે ટેબલ ટોપર્સ દિલ્હી અને પંજાબ સામે મેચ જીતવી લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. જો તેઓ, 4માંથી 2 જ મેચ જીતે તો નેટ રનરેટના સહારે ક્વોલિફાય કરવાનો વારો આવી શકે છે. તેમની નેટ રનરેટ ટૂર્નામેન્ટમાં સૌથી ખરાબ -0.828 છે. તેવામાં તેમના માટે મેચો જીતવી અત્યંત જરૂરી છે. બાકીની મેચોમાં 1 અથવા શૂન્ય જીત તેમના માટે પ્લેઓફના દરવાજા બંધ કરી દેશે.

5) કિંગ્સ ઇલેવન પંજાબ: લોકેશ રાહુલની ટીમે જીતેલી મેચો ગુમાવ્યા બાદ જીતની હેટ્રિક લગાવીને ટૂર્નામેન્ટમાં શાનદાર વાપસી કરી છે. તેમણે છેલ્લી ત્રણ મેચમાં દિલ્હી, ઇન્ડિયન્સ અને બેંગલોર જેવી ટીમોને માત આપી છે. 10 મેચમાં 4 જીત સાથે તેમના 8 પોઈન્ટ્સ છે. તેઓ બાકીની ચારેય મેચ જીતે તો પ્લેઓફમાં સ્થાન મેળવી લેશે. તેમની બાકીની મેચ હૈદરાબાદ, કોલકાતા, રાજસ્થાન અને ચેન્નાઈ સામે છે. જો તેઓ 4માંથી 3 મેચ જીતે અને તે સિવાય કોલકાતા વધુ એક મેચ હારે તો પણ પંજાબ ક્વોલિફાય થઇ જશે.

6) રાજસ્થાન રોયલ્સ: રોયલ્સના સીઝનમાં બરાબરના રજવાડા લૂંટાઈ ગયા છે. સ્ટીવ સ્મિથની ટીમ અપેક્ષા અનુસાર પ્રદર્શન કરી શકી નથી. 10 મેચમાં 4 જીત સાથે તેમના 8 પોઈન્ટ્સ છે. તેઓ ચારેય મેચ જીતે તો અંતિમ-4માં આવી જશે, જોકે હાલની પરિસ્થિતિમાં તેવું થવું અઘરું લાગી રહ્યું છે. રોયલ્સ જો 3 મેચ જીતે તો તેમની પાસે ચાન્સ રહેશે, જોકે તેમની -0.591ની ખરાબ રનરેટ પણ તેમના માટે ચિંતાનો વિષય બની શકે છે. રોયલ્સની બાકીની મેચો હૈદરાબાદ, મુંબઈ, પંજાબ અને કોલકાતા સામે છે.

7) સનરાઇઝર્સ હૈદરાબાદ: 9 મેચમાં માત્ર 3 જીત સાથે હૈદરાબાદ પોઈન્ટ્સ ટેબલમાં સાતમા સ્થાને છે. 6 પોઈન્ટ્સ ધરાવતી ડેવિડ વોર્નરની ટીમ માટે પ્રેક્ટિકલી બાકીની 5માંથી 4 મેચ જીતવી બહુ જરૂરી છે. પાંચેય જીતવા પર તેઓ ક્વોલિફાય થઇ જશે. તેમને રાજસ્થાન, પંજાબ, દિલ્હી, બેંગલોર અને મુંબઈ સામે રમવાનું છે. તેવામાં અહીંથી 5-0ની સ્વીપ મારવી અશક્ય કહી શકાય. હૈદરાબાદ માટે મોટો પ્લસ પોઇન્ટ એ છે કે- તે બોટમ ફોરની એકમાત્ર એવી ટીમ છે, જેની નેટ રનરેટ પ્લસમાં છે.

8) ચેન્નાઈ સુપરકિંગ્સ: આ સીઝનમાં સાત મેચ હારનાર એકમાત્ર ટીમ એટલે ચેન્નાઈ સુપરકિંગ્સ. તેમના પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે જરૂરી છે કે- a) તેઓ બાકીની ચારેય મેચ જીતે, b) રાજસ્થાન, હૈદરાબાદ અને પંજાબ અહીંથી મિનિમમ 2-2 હારે, c) કોલકાતા બાકીની 4માંથી 3 મેચ હારે, તેમજ તે પછી પણ નેટ રનરેટ તેમનો સાથ આપે. એટલે તેમને આ બધું ગણિત ફિટ બેસે એ માટે પ્રાર્થનાની પણ એટલી જ જરૂર છે. નહિતર IPLના ઇતિહાસમાં પહેલીવાર એવું થશે કે, ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય નહીં કરે. જે લગભગ થવા જઈ જ રહ્યું છે અને કપ્તાન એમએસ ધોનીએ પણ હાર સ્વીકારી લીધી છે. તેમની બાકીની ચાર મેચ- મુંબઈ, બેંગલોર, કોલકાતા અને પંજાબ સામે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post