• Home
  • News
  • 68 વર્ષીય કેથી દુનિયાની એવી પહેલી મહિલા, જે સ્પેસ વૉક કર્યા પછી સમુદ્રના સૌથી ઊંડા તળિયાને પણ સ્પર્શી આવી
post

નાસાની અંતરિક્ષ યાત્રી કેથીએ સમુદ્રના સૌથી ઊંડા મારિયાના ટ્રેન્ચના તળિયે દોઢ કલાક વીતાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-10 10:43:20

ન્યૂયોર્ક: અમેરિકાની 68 વર્ષીય ડૉ. કેથી સુલિવાન દુનિયાની પહેલી એવી મહિલા બની ગઈ છે, જેણે અંતરિક્ષમાં પણ લટાર મારી અને જમીન પર સમુદ્રના સૌથી ઊંડા ગણાતા મારિયાના ટ્રેન્ચના તળિયે પણ જઈ આવી. ચેલેન્જર ડીપ નામનું આ સ્થળ 35,810 ફૂટ નીચે આવેલું છે. કેથીએ આ સાહસ ઈયોસ એક્સપિડિશન્સ નામની લોજિસ્ટિક કંપની સાથે મળીને કર્યું છે. તેની સાથે વિક્ટર એલ. વેસ્કોવી પણ ગયા હતા. તે બંનેએ ચેલેન્જર ડીપમાં આશરે દોઢ કલાક વીતાવ્યો. બાદમાં આશરે ચાર કલાક પછી પોતાના જહાજ પર આવ્યા. એટલું જ નહીં, તેમણે આશરે 408 કિલોમીટર ઉપર ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરના અંતરિક્ષયાત્રીઓ સાથે પણ વાત કરી. 

ડૉ. કેથીએ રવિવારે આ સિદ્ધિ હાંસલ કરી હતી. મારિયાના ટ્રેંચ ગુઆમથી આશરે 321 કિલોમીટર દૂર છે. આ સફળતા પછી તેમણે કહ્યું કે, એક અંતરિક્ષયાત્રી અને સમુદ્ર વિજ્ઞાની હોવાના કારણે મારા માટે આ ખૂબ જ મહત્ત્વની ઘટના રહી. જીવનમાં એકવાર ચેલેન્જર ડીપ જોવું અને પછી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના સાથીદારો સાથે વાત કરવી ખરેખર અવિસ્મરણીય ઘટા છે. સમુદ્રની સપાટીથી 20થી 36 હજાર ફૂટની ઊંડાઈએ અમે જે તસવીરો લીધી છે, તે હકીકતમાં અભૂતપૂર્વ છે. જો તમે માઉન્ટ એવરેસ્ટને પણ ચેલેન્જર ડીપમાં મૂકો તો તેનું શિખર સમુદ્રની સપાટીથી દોઢ કિલોમીટર નીચે રહે. એવરેસ્ટ શિખરે અને સમુદ્રના તળિયે પહોંચવુ પડકારજનક છે કારણ કે, બંને જગ્યાએ હવાના દબાણમાં ઘણું અંતર હોય છે. સમુદ્રના તળિયાની સરખામણીએ એવરેસ્ટના શિખરે હવાનું દબાણ 70% સુધી ઓછું હોય છે. સમુદ્રના તળિયામાં દબાણનું સ્તર 1013 મિલીબાર હોય છે, જ્યારે એવરેસ્ટ પર આ આંકડો 253 મિલીબાર છે. 

કેથી 1984માં સ્પેસ વૉક કરનારાં પહેલાં અમેરિકન મહિલા બન્યાં હતાં 
ડૉ. કેથી 1978માં નાસામાં જોડાયા હતા. 11 ઓક્ટોબર, 1984ના રોજ તેઓ સ્પેસ વૉક કરનારા પહેલા અમેરિકન મહિલા બન્યા. આ મિશન દરમિયાન હબલ સ્પેસ ટેલિસ્કોપ લૉન્ચ કરાયો હતો. હબલ પૃથ્વીની ધરી પર ફરતો ઓબ્ઝર્વેટરી છે, જેણે છેલ્લા 30 વર્ષમાં અંતરિક્ષનો અદભુત નજારો કેમેરામાં કેદ કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post