• Home
  • News
  • સતત 5 મેચ હાર્યા પછી જીત્યું પંજાબ, સીઝનમાં બીજીવાર RCBને હરાવ્યું; પોઈન્ટ્સ ટેબલમાં હજી પણ સૌથી નીચે
post

ક્રિસ ગેલ અને લોકેશ રાહુલે બીજી વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-16 09:28:09

IPLની 13મી સીઝનની 31મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 8 વિકેટે હરાવ્યું છે. પંજાબ સતત 5 મેચ હાર્યા બાદ મેચ જીત્યું છે. ટીમ 8માંથી 2 મેચ જીતીને હજી પણ પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે છે. પંજાબ બંને મેચ RCB સામે જીત્યું. ગઈ મેચમાં તેમણે બેંગલોરને 97 રને હરાવ્યું હતું.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે પંજાબને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કિંગ્સની ટીમે કપ્તાન લોકેશ રાહુલ અને ક્રિસ ગેલની ફિફટી થકી 20 ઓવરના છેલ્લા બોલે ટાર્ગેટ ચેઝ કર્યો. રાહુલે લીગમાં પોતાની 20મી અને ગેલે 29મી ફિફટી મારી. ટીમને છેલ્લી ઓવરમાં 2 રનની જરૂર હતી, ત્યારે ચહલે પ્રથમ પાંચ બોલમાં માત્ર 1 રન આપ્યો હતો અને ગેલ રનઆઉટ થયો હતો. અંતિમ બોલે પૂરને સિક્સ મારી પંજાબને મેચ જીતાડી.

જ્યારે છેલ્લા બોલે સિક્સ મારીને IPLમાં ટીમ જીતી:

·         રોહિત શર્મા vs KKR 2009

·         રોહિત શર્મા vs PWI 2011

·         અંબાતી રાયુડુ vs KKR 2011

·         રોહિત શર્મા vs DC 2012

·         સૌરભ તિવારી vs PWI 2012

·         ડ્વેન બ્રાવો vs KKR 2012

·         એમએસ ધોની vs KXIP 2016

·         મિચેલ સેન્ટનર vs RR 2019

·         નિકોલસ પૂરન vs RCB 2020

ગેલે સીઝનની પહેલી મેચમાં ફિફટી મારી
ટાર્ગેટનો પીછો કરતા પંજાબની શરૂઆત શાનદાર રહી. કપ્તાન લોકેશ રાહુલે 61, ક્રિસ ગેલે 53 અને મયંક અગ્રવાલે 45 રન કર્યા. ગેલની આ સીઝનની પહેલી મેચ હતી. બેંગલોર માટે એકમાત્ર વિકેટ યુઝવેન્દ્ર ચહલે લીધી. તેણે મયંકને બોલ્ડ કર્યો. ચહલે મયંકને બોલ્ડ કરીને T-20માં 200 વિકેટ પૂરી કરી. મયંક અને રાહુલે પ્રથમ માટે 8 ઓવરમાં 78 રનની ભાગીદારી કરી.

બેંગલોરે 172 રનનો ટાર્ગેટ આપ્યો, કોહલીએ 48 રન કર્યા
IPL 2020
ની 31મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કિંગ્સ ઇલેવન પંજાબ સામે શારજાહ ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 171 રન કર્યા છે. બેંગલોર માટે કપ્તાન વિરાટ કોહલીએ સર્વાધિક 48 રન કર્યા હતા. આરોન ફિન્ચ અને દેવદત્ત પડિક્કલ સારી શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યા નહોતા. જ્યારે એબી ડિવિલિયર્સ ફ્લોપ રહ્યો હતો. ઇસુરુ ઉદાના અને ક્રિસ મોરિસની જોડીએ અંતે 13 બોલમાં 35* રનની ભાગીદારી કરીને ટીમને ફાઇટિંગ ટોટલ સુધી પહોંચાડી.

આ સીઝનમાં શારજાહ ખાતે સૌથી નાનો ટાર્ગેટ
આ સીઝનમાં આ શારજાહ ખાતે સૌથી નાનો ટાર્ગેટ છે. આ પહેલા સીઝનની 23મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબ માટે મોહમ્મદ શમી અને મુરુગન અશ્વિને 2-2, જ્યારે ક્રિસ જોર્ડન અને અર્શદીપ સિંહે 1-1 વિકેટ લીધી.

શમીએ એક જ ઓવરમાં કોહલી અને ડિવિલિયર્સને આઉટ કર્યા
મોહમ્મદ શમીએ ઇનિંગ્સની 18મી ઓવરમાં વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સને પેવેલિયન ભેગા કર્યા. ડિવિલિયર્સ 2 રને શમીની બોલિંગમાં દિપક હુડા દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછી કોહલી પણ આ જ ઓવરમાં શોર્ટ બોલ પર શોટ રમવા કીપર રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીએ 39 બોલમાં 3 ફોરની મદદથી 48 રન કર્યા હતા.

મુરુગન અશ્વિને 2 વિકેટ લીધી
દેવદત્ત પડિક્કલ અર્શદીપ સિંહની બોલિંગમાં શોર્ટ કવર્સ પર નિકોલસ પૂરનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 12 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 18 રન કર્યા હતા. તે પછી આરોન ફિન્ચ મુરુગન અશ્વિનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ફિન્ચે 18 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 20 રન કર્યા હતા. જ્યારે ચોથા ક્રમે આવેલો વોશિગ્ટન સુંદર 13 રને અશ્વિનની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર જોર્ડનના હાથે કેચ આઉટ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post