• Home
  • News
  • 5 મહિનામાં 200 કરોડ રૂપિયાનું નુકસાન, 1500 પ્રાઇવેટ બસ ઑનર્સે બેન્કોને કહ્યું- લોન નહીં ચૂકવી શકીએ, બસ લઈ જાઓ
post

બસ ઑપરેટરોનો વર્ષે 400 કરોડ રૂપિયાનો બિઝનેસ કોરોનાના લીધે ઠપ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-08 12:15:17

કોરોના મહામારીને કારણે મંદીમાં સપડાયેલા ખાનગી બસ માલિકોને અત્યાર સુધીમાં 200 કરોડનો ફટકો પડ્યો છે. શહેરના 1500 ખાનગી બસમાલિકોએ બેંકોમાં અરજી કરીને કહ્યું છે કે, તેઓ લોનના હપતા ભરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી બસ સોંપી દેવા તૈયાર છે. બસ ઓપરેટરોના વ્યવસાય 22 માર્ચથી ઠપ થઈ ગયા છે. ગુજરાત ટૂરિસ્ટ વ્હીકલ્સ ઓપરેટર્સ એસોસિયેશનના સભ્યોના જણાવ્યા મુજબ, બસ ઓપરેટરોનો વર્ષે 400 કરોડથી વધુનો બિઝનેસ છે, જેમાં 6 મહિના તો જતા રહ્યા અને આ દરમિયાન 200 કરોડનો ફટકો પડ્યો છે. આગામી માર્ચ સુધી આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે. આથી આ વખતે ટૂર ઓપરેટરોનો 400 કરોડથી વધુનો બિઝનેસ ઠપ થઈ જશે. હાલ 56 સીટની એક બસના ઇન્સ્યોરન્સની રકમ વર્ષે એક લાખ ભરવી પડે છે. મોટા ભાગનાએ ઇન્સ્યોરન્સ પોલિસી રિન્યુ કરાવી નથી. આરટીઓમાં પોતાની બસ રિપાસિંગ પણ કરાવી નથી.

શહેરની રજિસ્ટર્ડ અને નોન રજિસ્ટર્ડ મળી કુલ 3000 ખાનગી લક્ઝરી બસોમાંથી 50 ટકા બસ વેચવા મુકાઈ હોવાનું જણાવતાં એસોસિયેશનના મહામંત્રી સંદીપ જૈને કહ્યું કે, બસમાલિકોએ દર મહિને સરેરાશ 30 હજારનો આરટીઓ ટેક્સ ભરવો પડે છે. આ મંદીમાં તે પરવડે તેમ નથી. આથી માલિકો ઓક્ટોબરથી બસનો આરટીઓ ટેક્સ ભરી નહિ શકે. નોન યુઝ્ડ બસો માટે માત્ર રૂ. 100 ભરવા તૈયાર છે.

કેટલાક માલિકોએ તો ચોમાસામાં 20 લાખની બસને વરસાદી પાણી, ધૂળથી બચાવવા મહિને ચાર હજાર ભાડેથી પાર્કિંગમાં મૂકી રાખી છે. બસ ઓપરેટરોનું કહેવું છે કે, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની સ્થિતિ થાળે પડશે તો બસ ઓપરેટરોને વેગ મળશે. તેમણે સરકાર તરફથી રાહતની માગ કરી છે.

20 લાખની બસ 10-15 લાખમાં વેચવા કાઢી, છતાં લેવાલ નહીં
સભ્યોના જણાવ્યા મુજબ, રાહત સમાપ્ત થતા ઓક્ટોબરથી આરટીઓ ટેક્સનું આર્થિક ભારણ વધશે, જેના પગલે અનેક બસ માલિકોએ 20 લાખની બસ 10-15 લાખમાં વેચવા કાઢી છે. હાલ 1500થી વધુ બસો વેચવાની છે, પરંતુ કોઈ લેવા માટે તૈયાર નથી.બસ પડી રહેતા એક દિવસનો 2500 સુધી 4000 ખર્ચ આવે છે.

3 હજારમાંથી 150 બસો ડેઇલી, લાંબા અંતરની સર્વિસમાં દોડે છે
શહેરમાં કુલ 300માંથી 5 ટકા બસો ડેઇલી અને લાંબા અંતરની સર્વિસમાં દોડે છે, જેમાં અમદાવાદથી સૌરાષ્ટ્ર સહિત કચ્છ, ભુજ, જૂનાગઢ, જામનગર, રાજકોટ અને રાજ્ય બહાર રાજસ્થાન ઉપરાંત મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સુધીની ડેઇલી સર્વિસ છે. આમાં પણ પૂરતા પેસેન્જર ન હોય તો બસની ટ્રીપ કેન્સલ કરાય છે.

90 ટકા બસ માલિકો અન્ય બિઝનેસમાં જોડાઈ ગયા
એસોસિયેશનના કારોબારી સભ્ય ભભૂત પ્રજાપતિએ કહ્યું કે, શહેરના 3 હજાર બસમાલિકોમાંથી 90 ટકા બસમાલિકો ગૃહઉદ્યોગ, શાકભાજી, ફ્રૂટ, ખાણીપીણીના વ્યવસાયમાં જોડાઈ ગયા છે. નમકીનના બિઝનેસમાં વધુ માલિકો જોડાયા છે. કેટલાકે પાનના ગલ્લા શરૂ કરી દીધા છે. ટ્રાવેલ્સના સ્ટાફને પણ સાથે રાખ્યા છે.

સ્કૂલ વર્ધીની 600 બસો વેચવાનો વારો આવે તેવી સ્થિતિ
અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ લોન હપતાની વસૂલીમાં કોઈ રાહત નહીં આપે તો સ્કૂલ વર્ધીની અંદાજે 600 બસ વેચવાનો વારો આવશે. બસમાલિકોએ હપતા ભરવાની ક્ષમતા ન હોવાની લેખિત રજૂઆત બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓને કરી દીધી છે. આ પછી પણ વસૂલાત માટે કડક કાર્યવાહી કરાશે તો બસ માલિકોએ મજબૂરીમાં બસ વેચવી પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post