• Home
  • News
  • 25 મેથી 5 જૂન કોરોના ચરમસીમાએ પહોંચી શકે છે: ડૉ. રણદીપ ગુલેરિયા
post

ICMRના વિજ્ઞાનીએ કહ્યું- ભવિષ્યમાં કેટલા કેસ હશે તે શ્રમિકોની ઘરવાપસી બાદ ચેપ ફેલાવાની સ્થિતિ પર નિર્ભર

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 10:28:31

નવી દિલ્હી: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં એકાએક ચારેક હજારનો વધારો ચોંકાવનારો છે. જોકે, હજુ આ દર્દીઓની મહત્તમ સંખ્યા નથી. આવનારા દિવસોમાં આ આંકડો હજુ વધી શકે છે. દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર પ્રો. રણદીપ ગુલેરિયાના જણાવ્યાનુસાર ભારતમાં મે મહિનાના છેલ્લા કે જૂનના પહેલા અઠવાડિયામાં કોરોના તેની ચરમસીમાએ પહોંચી શકે છે. લૉકડાઉનના કારણે હાલ કેસ વધવાનો દર નીચો રહ્યો છે. 

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીશું તો ક્યારેય પીક નહીં આવે
બીજી તરફ એઇમ્સના જ કમ્યૂનિટી મેડિસિનના પ્રો. સંજય રાય કહે છે કે હાલ આ ઝડપે જ દર્દીઓની સંખ્યા વધતી રહેશે પરંતુ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં દર્દીઓની સંખ્યા મહત્તમ થઇ શકે છે. દરમિયાન, સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે ભારતમાં કોરોના તેની ચરમસીમાએ ક્યારે હશે તે આપણે સૌ ભેગા મળીને તેનો કેવી રીતે મુકાબલો કરીએ છીએ તેના પર નિર્ભર છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીશું તો ક્યારેય પીક નહીં આવે. લૉકડાઉન પહેલાં 3.4 દિવસમાં દર્દીઓ બમણા થયા જ્યારે લૉકડાઉનમાં 12 દિવસમાં.

શ્રમિકોની ઘરવાપસીની અસર આવનારા દિવસોમાં જોવા મળશે
આઇસીએમઆરના વિજ્ઞાની ડૉ. આર. ગંગાખેડકરના જણાવ્યાનુસાર અન્ય રાજ્યોમાં કામ કરતા શ્રમિકોની ઘરવાપસી બાદ સર્જાનારી સ્થિતિ પર ઘણું બધું નિર્ભર રહેશે. હાલ વિવિધ રાજ્યોમાંથી પરપ્રાંતી શ્રમિકો તેમના ઘરે પાછા જઇ રહ્યા છે. તેની અસર આવનારા દિવસોમાં જોવા મળશે. જો તેમનામાં ચેપ ન ફેલાયો હોય અને સ્થિતિ સારી રીતે કાબૂમાં લઇ લેવાય તો દર્દીઓનો વર્તમાન ટ્રેન્ડ જારી રહેશે પણ જો તેમનામાં ચેપ ફેલાઇ ગયો તો કંઇ કહેવું મુશ્કેલ છે.


રાજ્યોમાં પરત ફરનારા શ્રમિકોનું મોટા પાયે ટેસ્ટિંગ જરૂરી: સુજાતા રાવ
પૂર્વ સ્વાસ્થ્ય સચિવ સુજાતા રાવનું કહેવું છે કે સરકાર પહેલા દિવસથી કહી રહી છે કે કોરોનાથી બચવા માટેની સૌથી સારી રસી સોશિયલ ડિસ્ટન્સિંગ છે પણ હવે સરકારના નિર્ણયો અને તેના અમલના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન મુશ્કેલ બની રહ્યું છે. શ્રમિકો ટ્રેનોમાં મોટી સંખ્યામાં ઘરે પાછા ફરી રહ્યા છે. રાજ્યોમાં કદાચ જ આટલી મોટી વસતીને ક્વોરેન્ટાઇન કરવાની વ્યવસ્થા હશે. તેમણે કેરળની જેમ કામ કરવું પડશે. વધુમાં વધુ ટેસ્ટિંગ કરવાથી જ દર્દીઓનો સાચો આંકડો જાણવા મળશે. લાંબા સમય સુધી લૉકડાઉન રહ્યું તે દરમિયાન શ્રમિકોને તેમના રાજ્યમાં પહોંચાડવાનો ફુલપ્રૂફ પ્લાન બનવો જોઇતો હતો. એક તરફ ઉદ્યોગો શરૂ કરાઇ રહ્યા છે અને બીજી તરફ શ્રમિકોને ઘરે મોકલાય છે, જે દર્શાવે છે કે સરકારની તૈયારીઓ બરાબર નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post