• Home
  • News
  • 500થી વધુ હાઈરાઈઝ બિલ્ડિંગને મળશે લાભ:સ્ટાફની અછત વચ્ચે બોપલમાં 43 કરોડના ખર્ચે બનેલું ફાયર સ્ટેશનનું લોકાર્પણ, ફાયર વિભાગમાં કુલ 880ની સામે 571નો જ સ્ટાફ
post

બોપલ અને આસપાસના વિસ્તારોમાં બેથી ત્રણ લાખ લોકોને ફાયર સેવાનો લાભ મળી રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-01 18:08:18

અમદાવાદ: અમદાવાદ શહેરના છેવાડે આવેલા અને વિકસતા એવા બોપલ વિસ્તારમાં 43 કરોડના ખર્ચે બનેલા નવા ફાયર સ્ટેશનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. બોપલ અને આસપાસના વિસ્તારમાં ખાસ કરીને 500થી વધુ હાઈરાઇઝ બિલ્ડિંગો આવેલી છે. આસપાસમાં રિંગ રોડ આવેલો છે, ત્યારે કોઈ આગ કે અકસ્માતની ઘટનામાં ઝડપથી પહોંચી શકે તેના માટે આ નવું ફાયર સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. બોપલ ફાયર સ્ટેશન શરૂ થવાથી બોપલ, શેલા, શીલજ, મણિનગર, સાણંદ, સાંતેજ, સાણંદ જીઆઇડીસી, બાવળા, ચાંગોદર સહિતના વિસ્તારોને ફાયદો થશે. બોપલ અને આસપાસના વિસ્તારોમાં બેથી ત્રણ લાખ લોકોને ફાયર સેવાનો લાભ મળી રહેશે. માત્ર 5થી 7 મિનિટમાં ટીમ ઘટનાસ્થળે પહોંચી જશે તેવું પણ જાણવા મળ્યું છે.

બે વર્ષમાં ફાયર સ્ટેશન બનીને તૈયાર થયું
ઔડા દ્વારા આ ફાયર સ્ટેશન બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. રૂ.43 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી હતી અને બે વર્ષમાં આ બોપલ ફાયર સ્ટેશન બનીને તૈયાર થઈ ગયું છે. બોપલ વિસ્તારમાં ફાયર સ્ટેશન બનાવવા માટેનો મુખ્ય ઉદેશ એવો છે કે, આ નવો વિકસતો વિસ્તાર છે. આસપાસમાં રિંગ રોડ પણ છે ત્યારે ઘણીવાર અકસ્માતની ઘટનામાં પણ ફાયરની મદદની જરૂર પડતી હોય છે. ત્યારે ઝડપથી ફાયર બ્રિગેડ પહોંચી શકે તેના માટે આ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે.

પહેલા 10થી 15 મિનિટનો સમય લાગતો
બોપલ વિસ્તાર અંદાજે પાંચ કિલોમીટરમાં આવેલો છે. આથી ક્યારેય પણ કોઈ ઘટના બને તો બોડકદેવ, પ્રહલાદનગર અને થલતેજથી ફાયરની ટીમ આવતા 10થી 15 મિનિટનો સમય લાગે છે. પરંતુ હવે બોપલ વિસ્તારમાં ફાયર સ્ટેશન બની જતા પાંચથી સાત મિનિટમાં ફાયર બ્રિગેડ પહોંચી શકશે. બોપલ ફાયર સ્ટેશન પર હાલમાં એક એમ્બ્યુલન્સ સહિત પાંચ વાહનો અને જરૂરી સ્ટાફ મૂકી ફાયર સ્ટેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે ફાયર સ્ટેશનના ઉદ્ઘાટન ઉપરાંત અમદાવાદ ફાયરબ્રિગેડમાં નવા 30 જેટલા વાહનોનો ઉમેરો થયો છે. 7 ફર્સ્ટ રિસ્પોન્સ વ્હિકલ, 3 વોટર કેનન ગજરાજ, 12 નાના-મોટા ફાયર ફાઈટિંગ વ્હિકલ્સ ફાળવવામાં આવ્યા છે. જેથી હવે અકસ્માતની કોઈ પણ ઘટનામાં ઝડપથી ફાયરબ્રિગેડ પહોંચી શકશે.

નવા 20માં ફાયર સ્ટેશનનું ઉદઘાટન થયું
અમદાવાદ ફાયર બ્રિગેડમાં આજે નવા 20માં ફાયર સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. પરંતુ ખાસ કરીને ફાયરબ્રિગેડમાં સૌથી મોટી સમસ્યા ફાયરબ્રિગેડના સ્ટાફની છે, કારણ કે ખુદ જે ફાયર બ્રિગેડના વડા કહેવાય એવા ઓફિસરની અને એડિશનલ ચીફ ફાયર ઓફિસરની જગ્યાએ ઇન્ચાર્જ પર ચાલે છે. જ્યારે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર હોય છે તે પણ હજી પ્રોબેશન ઉપર ચાલી રહ્યા છે.

309 જેટલા ફાયર સ્ટાફની ઘટ
જેથી મોટાભાગનો સ્ટાફ ઇન્ચાર્જમાં ચાલે છે. જ્યારે ફાયરબ્રિગેડનો મંજૂર મહેકમ અધિકારીઓથી લઈ અને વહીવટી શાખામાં ફરજ બજાવતા તમામ મળી કુલ 880ની સામે 571નો જ સ્ટાફ છે, જ્યારે 309 જેટલા ફાયર સ્ટાફની ઘટ પડી છે. ફાયરબ્રિગેડ દ્વારા અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના સત્તાધિશો અને અધિકારીઓને તેમજ રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે કે, ફાયરબ્રિગેડમાં સ્ટાફની ભરતી કરવામાં આવે. પરંતુ આ મામલે કોઈ નિર્ણય લેવાતો નથી.

 

મેયર કિરીટ પરમારના હસ્તે ઉદઘાટન
આજે બોપલ ફાયર સ્ટેશનનું ઉદઘાટન મેયર કિરીટ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના ફાયરબ્રિગેડના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરજા, ફાયર બ્રિગેડના CEO રમ્ય ભટ્ટ સહિતના અધિકારીઓ અને ભાજપના કોર્પોરેટરો હાજર રહ્યા હતા.

શું કહ્યું ફાયરના એડિશનલ ઓફિસરે?
અમદાવાદ ફાયર બ્રિગેડના એડિશનલ ઓફિસર મિથુન મિસ્ત્રીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના રિંગરોડની બહારની હદમાં સૌથી પહેલું આ બોપલ ફાયર સ્ટેશન બન્યું છે. બોપલમાં ફાયર સ્ટેશન બનવાના કારણે આ વિસ્તારમાં સૌથી વધારે હાઈરાઈઝ બિલ્ડિંગો આવેલી છે. કોઈ પણ આગ કે અકસ્માતની ગંભીર ઘટના બને તો ઝડપથી તેને કાબૂમાં લઈ શકાય.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post