• Home
  • News
  • મેટ્રોથી 300 કિ.મી. સુધીમાં લોકો ખુશનુમા સ્થળો શોધી રહ્યા છે, ટ્રાવેલ કંપનીઓએ પણ નવા 700 ટૂરિસ્ટ સ્પોટ શોધ્યા, હોટેલ બુકિંગમાં પણ 30% વધારો
post

લોકો કોરોના સાથે રહેતાં-ફરતાં શીખી રહ્યા છે, ટૂરિઝમ સેક્ટરને આગામી 6 મહિનામાં તેજીની આશા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-10 11:56:06

મુંબઇ: દેશની ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીની ગાડી ફરી પાટા પર આવી રહી છે. હોટલ અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કંપનીઓ મેક માય ટ્રિપ, ગોઆઇબીબો અને ઓયોના આંકડા દર્શાવે છે કે લોકો લૉકડાઉનની ઉદાસી દૂર કરવા નાના અને ઘરની નજીકના વીકએન્ડ ટૂરિસ્ટ સ્પોટ શોધી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે 2019માં 5 કરોડ ભારતીયોએ વિદેશપ્રવાસ કર્યો હતો પણ કોરોનાના કારણે આગામી 2 વર્ષ સુધી લોકો વિદેશ જવાનું ટાળશે, દેશમાં જ ડેસ્ટિનેશન શોધશે. એવામાં આગામી 6 મહિનામાં ટૂરિઝમ સેક્ટરમાં જબરદસ્ત ગ્રોથ આવવાની શક્યતા જણાય છે.

એસોચેમની ટૂરિઝમ કમિટીના ચેરમેન સુભાષ ગોયલ જણાવે છે કે દેશમાં દર વર્ષે 5 લાખ કરોડ રૂ.ની રોજગારી ટૂરિઝમમાંથી આવે છે. જીડીપીમાં ટૂરિઝમનો હિસ્સો 10% છે. અંદાજે 7.5 કરોડ લોકો તેની સાથે જોડાયેલા છે. કોરોનાના કારણે અંદાજે 3.8 કરોડ લોકો પાસે કામ નથી. જોકે, ગોયલનું માનવું છે કે ધીમી ગતિ છતાં ટૂરિઝમ સેક્ટર રેકોર્ડબ્રેક ઝડપ પકડશે.

અનલૉક બાદ દેશમાં પર્યટનનો પ્રારંભિક ટ્રેન્ડ પણ આમ જ દર્શાવે છે. મેક માય ટ્રિપના ચીફ ઓપરેટિંગ ઓફિસર વિપુલ પ્રકાશનું કહેવું છે કે મેટ્રો શહેરોથી 300 કિ.મી.ના અંદરમાં હોય તેવા ડેસ્ટિનેશન માટે ઇન્ક્વાયરી આવે છે. સૌથી વધુ માગ હિમાચલ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ગોવાની છે. આવનારા સમયમાં હાઇપરલોકલ ટ્રાવેલ જ ટ્રેન્ડમાં રહેશે.

આ ઉપરાંત ધાર્મિક ટૂરિઝમમાં પણ જોરદાર ગ્રોથ જોવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખી 700થી વધુ નવા ટૂરિસ્ટ સ્પોટ શોધ્યા છે, જેના માટે 4000 શોર્ટ ટર્મ ઈન્વેન્ટરી પણ બનાવાઈ છે. ઓયો કંપની અનુસાર અનલૉક બાદથી હોટેલ ઓક્યુપેન્સીમાં 30 ટકાનો સુધારો જોવા મળ્યો છે. બિઝનેસ સિટીઝમાં હોટેલ ઓક્યુપેન્સીમાં 50 ટકાનો સુધારો છે.

ઓયોના સરવેના પરિણામ જણાવે છે કે હૈદરાબાદ, ગુરુગ્રામ, કોલકાતા, બેંગ્લુરુ, અમદાવાદમાં જલદી જ બિઝનેસ મીટિંગને લીધે હોટેલ ઓક્યુપેન્સી વધશે. ઈક્સિગો કંપની અનુસાર તાજેતરનું ટ્રેન્ડ જણાવે છે કે લોકો વાઈરસ સાથે ફરવાનું, રહેવાનું શીખી રહ્યાં છે. અનલૉક પછી દર અઠવાડિયે અમારા પ્લેટફોર્મ પર 40-50 ટકા ટિકિટ બુકિંગ વધી રહ્યું છે. કોરોનાની ડેસ્ટિનેશન વેડિંગ બિઝનેસ પર અસર થઇ છે. વેડિંગ્સ આઈકન ડૉટઈનના સીઈઓ સંદીપ લોધા જણાવે છે કે લૉકડાઉનમાં રદ થયેલા 83.6 ટકા વેડિંગ ઈવેન્ટ રી-શિડ્યુલ થયા છે. જુલાઈમાં જ વેડિંગ વેન્યૂની 25,600 ક્વેરી આવી હતી. અમારા સરવેમાં 42 ટકા લોકો મુહૂર્ત વિના જ લગ્ન કરવા ઈચ્છે છે. તેને ધ્યાનમાં રાખી નવા વેડિંગ ડેસ્ટિનેશન બનાવાયા છે.

હવે વર્ક ફ્રોમ ટૂરિસ્ટ સ્પોટનો ટ્રેન્ડ: આઈટી કંપનીઓ ગોવામાં 200થી વધુ વિલા બુક કરાવી ચૂકી છે
વર્ક ફ્રોમ હોમ માટે આઈટી પ્રોફેશનલ ગોવા જેવા ટૂરિસ્ટ સ્પોટ પસંદ કરી રહ્યાં છે. ગોવામાં હાયર વિલાના મેનેજર સિધાંશુ પાટીલ જણાવે છે કે આઈટી કંપનીઓએ અત્યાર સુધી 250થી વધુ વિલા અમારાથી ભાડે લીધા છે. તેનું માસિક ભાડું દોઢથી બે લાખ રૂપિયા છે. ગોવા હોટેલ એસોસિએશનના સચિવ જેક સુખીજા કહે છે કે ગોવામાં જેટલી પણ હોટેલ ઓક્યુપેન્સી છે તેમાં અડધાથી વધુ વર્ક હોમવાળાને લીધે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post