• Home
  • News
  • ભારત વિરુદ્ધ ડેબ્યુ કરનાર એક નહીં ત્રણ ક્રિકેટર બસ ડ્રાઈવર બન્યા, જેમાં બે ક્રિકેટર વર્લ્ડ કપ રમી ચૂક્યા છે
post

2011નો વર્લ્ડ કપ રમ્યો, 2012માં CSKને IPLની ચેમ્પિયન બનાવી, હવે ઓસ્ટ્રેલિયામાં બસ ડ્રાઈવર બન્યો આ ક્રિકેટર

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-04 09:56:54

શ્રીલંકા અને ઝિમ્બાબ્વેએ વિશ્વ ક્રિકેટને અનેક દિગ્ગજ અને સ્ટાર ક્રિકેટર આપ્યા છે. આ બંને દેશોમાંથી નીકળેલા અનેક ક્રિકેટ સિતારાઓએ પોતાની ઓળખ બનાવી અને ટોચના ક્રિકેટરોમાં સામેલ થયા, પરંતુ આજે આ બંને દેશોની ક્રિકેટમાં સ્થિતિ અત્યંત નિરાશાજનક છે. બંને દેશ ક્રિકેટમાં પોતાની ખોવાયેલી ઓળખ પરત મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અહીં વાત કરી રહ્યા છીએ આ બંને દેશોના ત્રણ એવા ક્રિકેટરોની કે જેઓ ક્રિકેટ છોડીને હવે બસ ડ્રાઈવર બની ચૂક્યા છે.

શ્રીલંકન ક્રિકેટર સૂરજ રંદીવ
શ્રીલંકા માટે ક્રિકેટ રમી ચૂકેલા સૂરજ રંદીવે પોતાનો વ્યવસાય હવે બદલી નાખ્યો છે. તેઓ હવે ક્રિકેટરમાંથી બસ ડ્રાઈવર બની ગયા છે. તેમણે પોતાના નવા પ્રોફેશનની શરૂઆત ઓસ્ટ્રેલિયામાં કરી છે. તેઓ મેલબર્ન સ્થિત એક ફ્રેન્ચ બેઝ્ડ કંપની ટ્રાન્સડેવમાં બસ ડ્રાઈવર તરીકે કામ કરે છે. શ્રીલંકાના પૂર્વ સ્પિનર રંદીવે વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયા તરફ પ્રયાણ કર્યુ હતું, જ્યા તે બસ ચલાવવા ઉપરાંત એક લોકલ ક્લબમાં ક્રિકેટ પણ રમે છે.

સૂરજ રંદીવે શ્રીલંકા માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં હિસ્સો લીધો હતો. તેઓ વર્ષ 2011માં ભારતમાં રમાયેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ શ્રીલંકન ટીમનો હિસ્સો હતા. તેમણે શ્રીલંકા માટે 12 ટેસ્ટમાં 46 વિકેટ ઝડપી. 31 વનડેમાં 36 વિકેટ લીધી તો 7 ટી-20 મેચોમાં 7 વિકેટ લીધી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રંદીવનો સર્વશ્રેષ્ઠ સ્કોર 56 રનનો રહ્યો.

રંદીવે IPLમાં CSKને ચેમ્પિયન બનાવવામાં મદદ કરી
ઓસ્ટ્રેલિયામાં બસ ડ્રાઈવ કરી રહેલા આ શ્રીલંકન સ્પિનર ભારતની ટી-20 લીગ આઈપીએલમાં પણ રમી ચૂક્યા છે. આ લીગમાં તેઓ ધોનીની આગેવાની હેઠળની CSK સામેલ હતા. 2012ની સિઝનમાં CSK માટે રમતા રંદીવે 8 મેચોમાંથી 6 વિકેટ ઝડપી હતી. ભારતીય ક્રિકેટના સંદર્ભમાં સૂરજ રંદીવને સૌથી વધુ તેમણે ફેંકેલા એ નો-બોલના કારણે ઓળખવામાં આવે છે, જેણે 99 રન પર બેટિંગ કરી રહેલા સહેવાગને સદીથી દૂર રાખી દીધો હતો.

અન્ય શ્રીલંકન ક્રિકેટર ચિન્તકા જયસિંઘે પણ બસ ડ્રાઈવર

શ્રીલંકન ક્રિકેટર ચિન્તકા જયસિંઘે પણ પોતાના દેશની તરફથી આઈસીસી વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. રંદીવ અને ચિન્તકા જયસિંઘે બંને ટીમનો મહત્વનો હિસ્સો રહ્યા હતા. પરંતુ હવે ક્રિકેટ છોડીને બસ ચલાવવા મજબૂર છે. ચિન્તકા જયસિંઘેએ 2009માં ભારત વિરુદ્ધ ડેબ્યુ કર્યુ હતું.

ઝિમ્બાબ્વેના પૂર્વ ઝડપી બોલર વાડિંગટન વાયેંગા પણ બસ ચલાવે છે

ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર વાડિંગટન વાયેંગાએ કુલ ચાર આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે 2005માં ભારત વિરુદ્ધ પોતાનું ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતું. આ મેચ તેની પ્રથમ અને અંતિમ ટેસ્ટ પણ હતી. બોલિંગમાં ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની વિકેટ જ મેળવી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા આ ત્રણેય ખેલાડી અત્યારે ઓસ્ટ્રેલિયામાં પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. મેલબર્નમાં ત્રણેય ફ્રાન્સની એક ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ડ્રાઈવર તરીકે કાર્યરત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post