• Home
  • News
  • ટોક્યો ઓલિમ્પિક / ગેમ્સ કોરોના વાઈરસના કારણે 1 વર્ષ માટે ટાળવામાં આવી છે, હવે તે આગામી વર્ષે 23 જુલાઈથી થશે
post

ગેમ્સની આયોજન સમિતિના અધ્યક્ષ યોશિરો મોરીએ કહ્યું- ઓલિમ્પિકને ફરી સ્થગિત નહીં કરવામાં આવે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 11:36:39

ટોક્યો: આવતા વર્ષે ટોક્યો ઓલિમ્પિક નહીં યોજાય તો તેને ફરી સ્થગિત નહીં કરવામાં આવે અને ગેમ્સને રદ કરવાનો નિર્ણય લેવાશે. ટોક્યો ઓલિમ્પિકની આયોજન કમિટીના અધ્યક્ષ યોશિરો મોરીએ આ વાત કહી હતી. 
તેમણે કહ્યું કે, જો મહામારીનો અંત નહીં આવે અથવા તે નિયંત્રણમાં નહીં આવે અને તે કારણે ગેમ્સ નહીં થાય તો ઓલિમ્પિક રદ કરવામાં આવશે. કારણ કે ગેમ્સ પહેલા જ એક વર્ષ માટે સ્થગિત કરાઈ છે. હવે તે આગામી વર્ષે 23 જુલાઈથી થશે. તેમણે કહ્યું કે, ગેમ્સને હવે ટાળવી શક્ય નહીં હોય. જાપાનના નિક્કન સ્પોર્ટ્સ ડેલીને ઈન્ટરવ્યૂ દરમિયાન પ્રશ્ન કરવામાં આવ્યો કે, જો મહામારીનું જોખમ યથાવત્ રહે છે તો શું ટોક્યો ઓલિમ્પિકને 2022 સુધી ટાળવામાં આવશે? તો તેમણે કહ્યું,‘ના, જો આમ થયું તો પછી ગેમ્સ રદ કરાશે. અગાઉ પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધ સમયે પણ ઓલિમ્પિકને રદ થઈ હતી. 
જો મહામારી પર નિયંત્રણ મેળવી લેવામાં આવશે તો અમે આગામી ઉનાળામાં ગેમ્સનું આયોજન કરીશું. સંપૂર્ણ વિશ્વના લોકો આ માટે પ્રયાસ કરી રહ્યાં છે.


આ દરમિયાન ટોક્યો 2020ના પ્રવક્તા માસા તકાયાએ મોરીના આ નિવેદન પર ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે આ નિવેદનને અધ્યક્ષના વ્યક્તિગત વિચાર ગણાવ્યા. તેઓ હાલ એ વિચારીને તૈયારી કરી રહ્યાં છે કે ઓલિમ્પિક આગામી વર્ષે 23 જુલાઈ અને પેરાલિમ્પિક 24 ઓગસ્ટથી થશે. જાપાનના આયોજકો અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી 
(આઈઓસી)એ ખેલાડીઓના ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના ભારે દબાણ બાદ માર્ચમાં ગેમ્સને 1 વર્ષ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો અને નવી તારીખોની જાહેરાત કરી હતી.

 
ઓપનિંગ-ક્લોઝિંગ સેરેમની એક સાથે યોજવામાં આવે
મોરીએ સાથે જણાવ્યું કે, આયોજકો ગેમ્સનો ખર્ચ ઘટાડવા માટે પણ વિચાર કરી રહ્યાં છે. જેથી અમે ઓલિમ્પિક અને પેરાલિમ્પિકની ઓપનિંગ તથા ક્લોઝિંગ સેરેમની એક સાથે કરાવવાની યોજના બનાવી રહ્યાં છીએ. આ પ્લાન અનુસાર પેરાલિમ્પિકની ઓપનિંગ સેરેમની 23 જુલાઈએ ઓલિમ્પિક સેરેમની સાથે થાય. પછી ઓલિમ્પિકની ક્લોઝિંગ સેરેમની 5 સપ્ટેમ્બરે પેરાલિમ્પિકની ક્લોઝિંગ સેરેમની સાથે થાય. મોરીએ સ્વીકાર્યું કે, ગેમ્સના આયોજકોએ આઈઓસી અને પેરાલિમ્પિકના સમકક્ષો પાસેથી આ અંગે મંજૂરી નથી લીધી. 


વેક્સિન નહીં બને તો આયોજન મુશ્કેલ, કારણ કે સંક્રમણનું જોખમ રહેશે: મેડિકલ એસોસિએશન
જાપાનના મેડિકલ એસોસિએશને ચેતવણી આપી કે જો વેક્સિન નહીં બને તો આગામી વર્ષે ગેમ્સનું આયોજન કરવું મુશ્કેલ રહેશે. એસોસિએશનના પ્રમુખ યોશિતા કે યોકોકુરાએ કહ્યું,‘હું નહીં કહું કે ઓલિમ્પિકનું આયોજન મુશ્કેલ છે. જાપાનમાં સંક્રમણ નિયંત્રણમાં આવી ગયું છે. પરંતુ વિશ્વમાં જોખમ બન્યું રહેશે તો ગેમ્સને આયોજીત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. આશા છે કે આ વાઈરસની વેક્સિન વહેલી તકે ડેવલપ કરી લેવામાં આવશે.ગત અઠવાડિયે જાપાનની કોબે યુનિવર્સિટીમાં સંક્રામક રોગોના એક પ્રોફેસરે કેન્ટારો ઈવાટાએ કહ્યું હતું કે,‘પ્રામાણિકતાથી કહું તો મને નથી લાગતું કે આવતા વર્ષે પણ ગેમ્સનું આયોજન થઈ શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post