• Home
  • News
  • પીક આવવાનો અર્થ જીત નથી, તે તો બસ મહામારીનો વ્યાપ નક્કી થયો ગણાય
post

અમેરિકામાં 24 જુલાઇ અને બ્રાઝીલમાં 29 જુલાઇએ સૌથી વધુ દર્દી મળ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 09:39:50

કેટલાક દિવસથી ચર્ચા છેડાયેલી છે કે દેશમાં કોરોનાનો પીક આવવાનો છે. આ અંગે દેશના બે નિષ્ણાત સમજાવી રહ્યા છે કે મહામારી ચરમસીમા પર કેવી રીતે પહોંચે છે.

સવાલ: લોકોને કેવી રીતે ખબર પડશે કે દેશમાં કે તેમના શહેરમાં કોરોનાનો પીક આવી ગયો?
જવાબ: સળંગ બે અઠવાડિયા સુધી નવા દર્દીઓની સંખ્યા વધે નહીં પણ તેમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળે. દા.ત. 1 તારીખથી 14 તારીખ સુધી નવા દર્દીઓ આવવાનું ઉત્તરોત્તર ઘટતું રહે તો સમજી લેવાનું કે પીક આવી ચૂક્યો છે. કેટલાક નિષ્ણાતો સક્રિય દર્દીઓના આધારે પણ ગણતરી કરે છે. એટલે કે 15 દિવસ સુધી સક્રિય દર્દીઓનો વૃદ્ધિદર 0% કે તેનાથી નીચે રહે તો તેને પીક માની લેવાય છે. ભારતમાં સક્રિય દર્દીઓ વધવાનો દર 0.2%એ પહોંચી ચૂક્યો છે.

સવાલ: ભારતમાં પીક ક્યાં સુધીમાં આવશે?
જવાબ: તે કહેવું શક્ય નથી, કેમ કે ઇરાન, દ.કોરિયા, જાપાન જેવા કેટલાક ઉદાહરણ છે કે જ્યાં નવા દર્દી 1 મહિના સુધી નથી વધ્યા. પછી અચાનક વધવા લાગ્યા. કેટલાક નિષ્ણાતોએ તેને કોરોનાનો સેકન્ડ વૅવ પણ કહ્યો. જોકે, ભારતની સ્થિતિ આ દેશોથી અલગ છે. આપણી વસતી ઘણી વધારે છે. તેથી અહીં ટુકડે-ટુકડે જ કોરોનાનો પીક આવશે.

સવાલ: તો શું જે રાજ્યોમાં 14 દિવસથી નવા દર્દી વધ્યા નથી ત્યાં પીક આવી ચૂક્યો છે?
જવાબ: દિલ્હીમાં તથા મુંબઇના ધારાવીમાં કોરોનાનો પીક આવી ચૂક્યો છે. જે શહેરોમાં 15 દિવસથી નવા દર્દી અને સંક્રમણના દરમાં ઘટાડો જારી છે ત્યાં પીક આવી ચૂક્યો છે.

સવાલ: લૉકડાઉનથી કે અન્ય નિયંત્રણોથી પીક જલદી આવી શકે?
જવાબ: ના. દુનિયાભરમાં થયેલા સંશોધનો દર્શાવે છે કે લૉકડાઉન જેવી કોઇ પણ બાહ્ય તાકાત કોરોનાને માત્ર થોડા સમય માટે જ રોકી શકે છે.

સવાલ: પીકથી કોરોના કેટલો ઘટશે?
જવાબ: તેનાથી સંક્રમણનો ફેલાવો અમુક હદ સુધી ઘટશે પણ ખતમ નહીં થાય. જોકે, પીક આવવાથી એ ફાયદો થશે કે આપણે મહામારીનો વ્યાપ જાણી લઇશું. દા.ત. જો રોજના નવા દર્દી 75 હજારથી ન વધે તો આપણને ખબર હશે કે તેટલા દર્દીઓને સંભાળવા કેટલા સંસાધનો જોઇશે? એટલે કે આપણી તૈયારી સારી રીતે થઇ શકશે.

સવાલ: જ્યાં પીક આવી ચૂક્યો છે તે દેશો પાસેથી આપણે શું શીખી શકીએ?
જવાબ: એ જ કે પીક આવ્યા પછી તકેદારીઓ ઘટી તો મહામારી ફરી ફેલાવાનું શરૂ થઇ જશે. દા.ત. ન્યૂઝીલેન્ડમાં 100 દિવસ સુધી કોઇ કેસ ન આવ્યો પણ હવે નવા કેસ આવવા લાગ્યા છે. અમેરિકામાં 24 જુલાઇ અને બ્રાઝીલમાં 29 જુલાઇએ સૌથી વધુ દર્દી મળ્યા હતા. એટલે કે ત્યાં 1 મહિના અગાઉ નવા દર્દીઓનું મહત્તમ સ્તર હતું પણ હજુય રોજના 40 હજારથી વધુ નવા દર્દી આવી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post