• Home
  • News
  • કોરોના સંકટ વચ્ચે RBIની જાહેરાતઃ મ્યુચ્યુઅલ ફંડોને 50 હજાર કરોડની વિશેષ રોકડ સુવિધા આપવામાં આવશે
post

ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડે 6 સ્કીમ બંધ કરતા રિડમ્પશન વધ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 10:02:24

અમદાવાદ: રિઝર્વ બેન્કે કોરોનાના સંકટ વચ્ચે રોકડની અછત સામે ઝઝૂમી રહેલી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ માટે 50 હજાર કરોડ રૂ.ની વિશેષ રોકડ સુવિધા (લોન સહાય) પૂરી પાડવાનું જાહેર કર્યું છે. તે અંતર્ગત બેન્કો રિઝર્વ બેન્ક પાસેથી રેપો રેટ પર ઉધાર લઇને મ્યુચ્યુઅલ ફંડ્સને લોન આપી શકશે. તેનો ઉદ્દેશ નાણાકીય બજારો પર રોકાણકારોનો ભરોસો ફરી બહાલ કરવાનો છે. છેલ્લા કેટલાક મહિનામાં જુદા-જુદા ઘટનાક્રમના કારણે મૂડીબજારોનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. આ દરમિયાન રોકાણકારો દ્વારા બજારમાંથી પૈસા ઉપાડી લેવાનું દબાણ વધ્યું છે. તેના કારણે જ ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડે તાજેતરમાં તેની 6 બોન્ડ યોજના બંધ કરવાની જાહેરાત કરી હતી.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકેલા પૈસા ઉપાડી શકાશે
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના સંગઠન એમ્ફીના જણાવ્યાનુસાર માર્ચમાં રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાંથી 2.13 લાખ કરોડ રૂ. ઉપાડ્યા હતા. રિઝર્વ બેન્કે એક નિવેદનમાં કહ્યું કે મૂડીબજારમાં ઉતાર-ચઢાવના કારણે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ રોકડની સ્થિતિને લઇને દબાણમાં આવી ગઇ છે. તેની વધુ નુકસાનકારક અસરો પણ થઇ શકે છે. જોકે, મુખ્યત્વે આ દબાણ વધુ જોખમવાળા (એએ રેટિંગ) બોન્ડ પૂરતું જ મર્યાદિત છે. અન્ય કંપનીઓ/સ્કીમ્સની રોકડની સ્થિતિ સામાન્ય છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના જાણકારોનું કહેવું છે કે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ આ વિશેષ સુવિધા દ્વારા બેન્કો પાસેથી લોન લઇ શકશે. બીજી તરફ જેમના પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં ફસાયા છે તેવા રોકાણકારો તેમના પૈસા ઉપાડી શકશે.

2013માં રિઝર્વ બેન્કે બેન્કોને 25 હજાર કરોડની લોન આપી હતી
પ્રોફેશનલ રિસ્ક મેનેજર્સ ઇન્ટરનેશનલ એસોસિયેશન (પીઆરએમઆઇએ)ના એશિયા પેસિફિકના ડાયરેક્ટર નિરાકાર પ્રધાને કહ્યું કે રિઝર્વ બેન્કના આ નિર્ણયથી મ્યુચ્યુઅલ ફંડને લઇને ફાયનાન્સિયલ માર્કેટમાં સેન્ટિમેન્ટ સુધરશે. રોકાણકારોનો ભરોસો બહાલ કરવામાં મદદ મળશે. આ અગાઉ જુલાઇ, 2013 અને ઓક્ટોબર, 2008માં પણ રિઝર્વ બેન્ક મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને આ જ રીતે રોકડ સહાય સુવિધા પૂરી પાડી ચૂકી છે. 2013માં રિઝર્વ બેન્કે બેન્કોને 25 હજાર કરોડ રૂ.ની વિશેષ લોન સુવિધા પૂરી પાડી હતી જ્યારે 2008માં લેહમેન બ્રધર્સ ક્રાઇસિસ વખતે 20 હજાર કરોડ રૂ.ની વિશેષ રોકડ સુવિધા અપાઇ હતી.

વિશેષ રોકડ સુવિધા 27 એપ્રિલથી 11 મે સુધી ઉપલબ્ધ હશે
રિઝર્વ બેન્કની હાલની યોજના મુજબ તે 90 દિવસના સમયગાળા માટે 4.4% રેપો રેટ પર બેન્કોને રોકડ પૂરી પાડશે. તે માટે બેન્કો સોમથી શુક્ર દરમિયાન કોઇ પણ દિવસે રિઝર્વ બેન્કને અરજી કરી શકે છે. આ યોજના હેઠળ મળનારી રકમનો ઉપયોગ બેન્કો માત્ર મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓની રોકડ જરૂરિયાતો માટે જ કરી શકશે. 

કુલ 44માંથી માત્ર 4 કંપનીમાં રોકડનું સંકટ
ભારતીય મ્યુ.ફંડ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત 44 કંપનીમાંથી માત્ર 4 મ્યુ.ફંડમાં જ રોકડનું સંકટ છે. આ 4 કંપનીએ 4,427.68 કરોડ રૂ.ની લોન લીધી છે, જે RBIની 50 હજાર કરોડ રૂ.ની જાહેરાત સામે બહુ નાની રકમ છે. - નિલેશ શાહ, ચેરમેન, એમ્ફી

કેટલાક ફંડ હાઉસીસ સમક્ષ રોકડની સમસ્યા 
અમુક મ્યુ. ફંડ વધુ જોખમવાળા બોન્ડ પેપર વેચી શકતા નહોતા. તેથી તેમણે રોકાણકારોને ચુકવણી અટકાવી દીધી હતી. તેથી નકારાત્મક માહોલ. - જી. પ્રદીપ કુમાર, સીઇઓ, યુનિયન મ્યુ. ફંડ

નાના વેપારીઓ માટે 3 લાખ કરોડની લોન ગેરંટીની શક્યતા
લૉકડાઉનને લીધે મંદ ઈકોનોમીને વેગ આપવા કેન્દ્ર સરકાર અત્યારસુધીનુ સૌથી મોટુ રાહત પેકેજ જારી કરી શકે છે. જે અંતર્ગત નાના વેપારીઓ અને ઉદ્યમીઓને રૂ. 3 લાખ કરોડની બેન્ક ગેરેંટી આપવાનો પ્રસ્તાવ તૈયાર કરી રહી છે. પરિણામે નાના ઉદ્યમીઓની ગાડી ફરી પાછી પાટા પર આવશે. તેઓએ લોન ગેરેંટી માટે કસરત કરવી પડશે નહીં. લૉકડાઉનના લીધે અડધાથી વધુ નાના વેપારીઓ તબાહ થવાની કગાર પર હોવાથી સરકારે આ નિર્ણય લીધો છે. 

RBIના પગલાથી રોકાણકારોનો ભય દુર થશે
જોસેફ થોમસે જણાવ્યું કે, રિઝર્વ બેન્કે સમયસર આ પગલું ઉઠાવ્યું છે. વર્તમાન સમયમાં રોકાણકારોના મનમાં જે ભય છે ત્યારે તેઓનો વિશ્વાસ પાછો લાવવા માટે RBIએ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ખાસ કરીને લિક્વિડિટી સપોર્ટ પગલાં જાહેર કર્યા છે. આ રોકાણકારોના મનમાં રહેલા ભયને દૂર કરવામાં મદદ કરશે અને ઘણાને રિડમ્પશન મોડમાં આવતાં અટકાવશે.

આ ભંડોળમાંથી બેંકો મ્યુચ્યુઅલ ફંડ્સને લોન આપી શકાશે
આ અંગે કેર રેટિંગ્સે જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્કના આ પગલાથી બજારમાં ગભરાટ ઓછો થશે. આ સુવિધા હેઠળ, RBI ઓછા દરે બેંકોને ભંડોળ પૂરું પાડશે અને મ્યુચ્યુઅલ ફંડ્સની પ્રવાહિતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બેન્કો ભંડોળ મેળવી શકે છે. અત્યારે માર્કેટમાં લીક્વિડીટી સૌથી મોટો પ્રશ્ન છે તેવા સમયે RBIના પગલાથી મ્યુચ્યુઅલ ફંડ્સને મોટી રાહત મળશે.

ચિદમ્બરમે RBIના નિર્ણયને સમયસરનો નિર્ણય ગણાવ્યો

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે રિઝર્વ બેન્કના આ નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું હતું કે, મે બે દિવસ પહેલા જ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી અને મને આનંદ છે કે મારી વાતને ધ્યાને લઇને RBIએ સમયસર રાહત જાહેર કરી છે.

રોકાણકારોના રૂ. 30 હજાર કરોડ અટક્યા છે
ગયા અઠવાડિયે, ફ્રેન્કલિન ટેમ્પલટન ફંડ હાઉસે તેની 6 ડેટ યોજના બંધ કરી હતી જેમાં મોટા પાયે નાણાં અટવાયા હતા. એક અંદાજ મુજબ આ યોજનાઓમાં રોકાણકારોના અંદાજે રૂ. 28-30 હજાર કરોડ અટવાયા છે. કોરોના વાયરસ સંકટને કારણે, આ ફંડ હાઉસોને રોકડ સમસ્યા આવી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post