• Home
  • News
  • ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સનો નફો 37.2% ઘટી રૂ. 6,546 કરોડ થયો, વાર્ષિક ધોરણે પ્રોફિટમાં નજીવો વધારો
post

રિલાયન્સે શેર દીઠ રૂ. 6.50ના ડીવિડન્ડ આપવાની જાહેરાત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-01 11:25:14

અમદાવાદ: આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડે તેના વાર્ષિક પરિણામોની જાહેરાત કરી હતી. નાણાકીય વર્ષ 2019-20માં રિલાયન્સનો ચોખ્ખો નફો 0.01% વધી રૂ. 39,880 કરોડ થયો હતો. વર્ષ 2018-19માં કંપનીએ રૂ. 39,837 કરોડનો નફો કર્યો હતો. જોકે, 2019-20ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો 37.2% જેટલો ઘટ્યો છે. માર્ચ 2020માં પુરા થતા કવાર્ટરમાં કંપનીએ  રૂ. 6,546 કરોડનો નફો કર્યો છે જે માર્ચ 2019માં રૂ. 10,427 કરોડ હતો. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ પરિણામો પર બોલતા જણાવ્યું હતું કે, કોરોના આફતને પહોંચી વળવા ભારતના રાષ્ટ્રીય પ્રયત્નોમાં ભારતીય ઉદ્યોગ અને વ્યવસાયના તમામ ઘટકોના મહત્વના યોગદાનની પણ પ્રશંસા કરું છુ. આજે મને એ વાતની જાહેરાત કરવામાં ખુશી થાય છે કે વૈશ્વિક રોગચાળાના પરિણામ પછી ઉદ્ભવતા ભયંકર પડકારો હોવા છતાં, અમારી કંપનીએ નાણાકીય વર્ષ 2019-20 માટે ફરી એક સ્થિતિસ્થાપક પ્રદર્શન કર્યું છે. 

રિલાયન્સના વાર્ષિક આવકમાં નજીવો વધારો

કંપનીએ આજે જાહેર કરેલા પરિણામો મુજબ નાણાકીય વર્ષ 2019-20માં રિલાયન્સની આવક 5.4% વધીને રૂ. 659,205 કરોડ રહી હતી જે વર્ષ 2018-19માં કંપની આવક રૂ. 625,212 કરોડ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડે આજે બોર્ડ મીટીંગમાં શેર ધારકોને એક શેર દીઠ રૂ. 6.50ના ડીવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. 

કંપની ભારતનો સૌથી મોટો રાઈટ ઈશ્યુ લાવશે

રિલાયન્સ માર્ચ 2021 સુધીમાં રિલાયન્સ પોતાનું સંપૂર્ણ દેવું ચૂકવી દેવા માગે છે. આ પ્રયાસના ભાગ રૂપે કંપની એક રાઈટ ઈશ્યુ લાવવા માંગે છે જેની બોર્ડે મંજુરી આપી છે. કંપનીએ આજે જાહેરાત કરી છે કે તે રૂ. 53,125 કરોડનો રાઈટ ઈશ્યુ લાવશે. આ ઈશ્યુ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો રાઈટ ઈશ્યુ હશે. આ ઈશ્યુમાં શેર દીઠ ભાવ રૂ. 1257 નિર્ધારિત કરવામાં આવ્યા છે.

રિલાયન્સનો EBITDA પહેલીવાર રૂ 1 લાખ કરોડને પાર
રિલાયન્સના કોન્સોલીડેટેડ પરિણામો દર્શાવે છે કે, નાણાકીય વર્ષ 2019-20માં કંપનીનો EBITDA પહેલી વાર રૂ. 1 લાખ કરોડને વટાવી ગયો છે. માર્ચ 2020એ પુરા થતા વર્ષમાં કંપનીનો EBITDA 10.4% ટકા વધીને રૂ. 102,280 કરોડ થયો હતો. તેના આગલા વર્ષે તે રૂ. 92,656 કરોડ હતો.

ડિજીટલ અને રીટેલ બિઝનેસનો સારો દેખાવ
રિલાયન્સના ઓર્ગેનાઈઝ્ડ રીટેલ બિઝનેસની રેવન્યુ વાર્ષિક ધોરણે 24.8% વધીને રૂ. 162,936 કરોડે પહોચી છે જે ગત વર્ષે રૂ. 130,566 કરોડ રહી હતી. તેવી જ રીતે કંપનીના ડીજીટલ બિઝનેસમાં પણ ઘણી વૃદ્ધિ જોવા મળી છે. આ સેગમેન્ટમાં તેની રેવન્યુ રૂ. 48,660થી 40.7% વધીને રૂ. 68,462 કરોડ પર પહોચી હતી. મુકેશ અંબાણીએ જણાવ્યું કે, અમારા કન્ઝ્યુમર વ્યવસાયોએ તેમનું અગ્રણી સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. રિટેલ અને જિયો બંને એ વધારે સારી ગુણવત્તા ધરાવતાં ઉત્પાદનો અને સેવાઓ ભારતીય ગ્રાહકોને પૂરી પાડવાની દિશામાં કાર્ય કર્યું.

જિયો રાષ્ટ્રીય સ્તરે વીડિયો પ્લેટફોર્મ જિયોમીટ લોંચ કરશે
કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું કે, 31 માર્ચે પુરા થતા ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ જિયોનો નેટ પ્રોફિટ 72.7% વધીને રૂ. 2,331 કરોડ થયો છે. તેવી જ રીતે વાર્ષિક ધોરણે નફો 87% વધીને રૂ. 5,556 કરોડ થયો છે. ભારતમાં જિયોના સબસ્ક્રાઈબરની સંખ્યા 40 કરોડે પહોચી છે અને કંપની ટૂંક સમયમાં રાષ્ટ્રીય સ્તરે વીડિયો પ્લેટફોર્મ જિયોમીટ લોંચ કરશે.

પેટ્રોકેમીકલ્સની આવકમાં 15%નો ઘટાડો
બ્રેન્ટ ક્રુડ ઓઇલના ભાવમાં અંદાજે 20% જેવો ઘટાડો થવાના પગલે રિલાયન્સના પેટ્રોકેમીકલ્સ બિઝનેસની આવકમાં 15% જેવો ઘટાડો થયો છે. કંપનીએ વાર્ષિક પરિણામો જાહેર કરતા જણાવ્યું હતું કે, અમારા પેટ્રોકેમીકલ્સની આવક વર્ષ 2019-20માં 15.6% ઘટીને રૂ. 145,264 કરોડ થઇ હતી જે 2018-19માં રૂ. 172,065 કરોડ હતી. ચોથા ત્રિમાસિક ગાળામાં પેટ્રોકેમીકલ્સની રેવન્યુ 24.1% ઘટીને રૂ. 32,206 કરોડ રહી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post