• Home
  • News
  • મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય,સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરની સુરક્ષા હટાવાઈ
post

વર્લ્ડ ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓમાં સ્થાન મેળવનારા સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરની સુરક્ષા હટાવી લેવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-25 13:01:31

મુંબઈ : વર્લ્ડ ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓમાં સ્થાન મેળવનારા સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરની સુરક્ષા હટાવી લેવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારની સુરક્ષા નક્કી કરતી કમિટિએ મંગળવારે મોટો નિર્ણય લેતા 45 હસ્તીઓની સુરક્ષામાં ફેરબદલ કરી છે. જેમાં સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરનું નામ પણ સામેલ છે. કમિટિએ 97 જાણીતા નેતા, કલાકારો અને ખેલાડીઓની સુરક્ષાની સમીક્ષા કરી હતી, જે બાદમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકાર તરફથી સચિન અને ગાવસ્કરને X શ્રેણીની સુરક્ષા મળી હતી, જેને હવે હટાવી લેવામાં આવી છે. કોઈ પણ સરકાર કોઈ વ્યક્તિને ખતરાના આધાર પર સુરક્ષા આપે છે. સુરક્ષા એજન્સીઓના રિપોર્ટના આધારે મહારાષ્ટ્રના સરકારે બંને ખેલાડીઓની સુરક્ષા હટાવી લેવાનો નિર્ણય કર્યો છે.

X શ્રેણીની સુરક્ષા ભારતમાં ચોથા સ્તરની સુરક્ષા હોય છે. જેમાં બે પોલીસકર્મીઓ તહેનાત રહે છે. આ સુરક્ષામાં કોઈ કમાન્ડો તહેનાત નથી હોતા, પરંતુ બે પોલીસકર્મીઓ હથિયાર સાથે સુરક્ષામાં રહે છે. આ શ્રેણીમાં સુરક્ષા મેળવનારા હસ્તીને વ્યક્તિગત સુરક્ષા અધિકારી મળે છે. નોંધનીય છે કે વર્ષ 2002માં સચિન તેંડુલકરને આતંકી ધમકી મળી હતી, જે બાદમાં મહારાષ્ટ્ર સરકારે તેને સુરક્ષા પૂરી પાડી હતી. સચિનને Z શ્રેણીની સુરક્ષા મળી હતી.

ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકરે મંગળવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે, બંને ખેલાડીઓએ મુખ્યમંત્રીના આવાસ 'માતોશ્રી' ખાતે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. જોકે, આ મુલાકાતને સૌજન્ય મુલાકાત જણાવવામાં આવી રહી છે. આ મુલાકાત બાદ બંનેની સુરક્ષા હટાવી લેવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે ખુદ સીએમ ઠાકરેએ બંને ક્રિકેટરોને આ વાત કહી હશે. નોંધનીય છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ 28મી નવેમ્બરના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. શિવસેના પાર્ટીએ એનસીપી અને કૉંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (MVA) ગઠબંધન બનાવ્યું છે.