• Home
  • News
  • અલગતાવાદી સંગઠન પર હિંસાનો આરોપ:કોંગ્રેસ સાંસદે કહ્યું- દિલ્હીની હિંસા પાછળ શીખ ફોર જસ્ટિસનો હાથ, ટ્રેક્ટર રેલી કાઢી રહેલા ખેડૂતોની કોઈ ભૂમિકા નથી
post

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન મંગળવારે અનેક જગ્યા પર હિંસા થઈ. પ્રદર્શનકારીઓએ પોલીસનાં વાહનોમાં તોડફોડ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 10:13:50

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ સમયે થયેલી હિંસા પાછળ શીખ ફોર જસ્ટિસ એટલે કે SFJ ની સંડોવણી છે. પંજાબના લુધિયાણાથી કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટુએ આ સંગઠનની ભૂમિકાને લઈ પ્રશ્ન ઉભા કર્યા છે. તેમણે કહ્યું છે કે હિંસા પાછળ શીખ ફોર જસ્ટિસ સંગઠનનો હાથ છે. તેણે જ આ માટે ષડયંત્ર ઘડ્યું છે. આંદોલન કરી રહેલા ખેડૂતો તરફથી કોઈ જ હિંસા કરવામાં આવી નથી.

તેમણે આ ઘટનાની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પાસે તપાસ કરાવવા માગ કરી છે. એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં સાંસદે આ નિવેદન આપ્યું છે. શીખ ફોર જસ્ટિસ અમેરિકામાં એક્ટિવ સંગઠન છે અને ખાલિસ્તાનની માંગનું સમર્થન કરી રહ્યું છે.

ખાલિસ્તાન મૂવમેન્ટમાં સામેલ સંગઠનોની સંડોવણીનો આરોપ

અગાઉ પણ આ પ્રકારના આરોપ લાગતા રહ્યા છે કે ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાન મૂવમેન્ટ સાથે સંડોવાયેલા અનેક સંગઠન એક્ટિવ છે. આ આંદોલનના બહાને અલગતાવાદી એજેન્ડાને આગળ વધારી રહ્યા છે. સિંધુ બોર્ડર પર કેટલાક સપ્તાહ અગાઉ મફત પાઘડી પહેરાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ સાથે લાગેલા બુક સ્ટોકથી ઓપરેશન બ્લુ સ્ટારમાં માર્યા ગયેલા જરનૈલ સિંહ ભિંડરાવાલા અને પંજાબમાં અલગતાવાદનું સમર્થન કરનાર તેમના સાથીઓની પ્રશંસા કરનાર પુસ્તક શહીદ-એ-ખાલિસ્તાન વહેચવામાં આવી હતી. જોકે, ખેડૂત નેતાઓએ આ રોપોને ભાજપ અને કેન્દ્ર સરકારનું ષડયંત્ર ગણાવ્યું હતું.

ઈન્ડિયા ગેટ પર ખાલિસ્તાની ઝંડો ફરકાવવા માટે ઈનામ રાખવામાં આવ્યું
કેટલાક દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર ખેડૂત આંદોલન સાથે સંકળાયેલી એક પોસ્ટ વાયરલ થઈ હતી. તેમા અપીલ કરવામાં આવી હતી 26 જાન્યુઆરીના રોજ ઈન્ડિયા ગેટ પર ખાલિસ્તાની ઝંડો ફરકાવવાનારને અઢી લાખ US ડોલર (આશરે રૂપિયા 1.82 કરોડ) ઈનામ આપવામાં આવશે. આ અપીલ શીખ ફોર જસ્ટીસ તરફથી કરવામાં આવી હતી.

વર્ષ 2007માં સ્થાપના કરવામાં આવી હતી
SFJ
ની સ્થાપના વર્ષ 2007માં થઈ હતી. તેમનો ઉદ્દેશ ખાલિસ્તાનના નામે એક સ્વતંત્ર દેશની સ્થાપના કરવાનો છે. સંગઠનનો સૌથી મોટો ચહેરો ગુરપતવંત સિંહ પન્નૂન છે. તેણે પંજાબ યુનિવર્સિટીથી કાયદામાં અભ્યાસ કર્યો છે. તે અમેરિકામાં રહે છે અને SFJનો લીગલ એડવાઈઝર પણ છે.

SFJ વર્ષ 2008માં સમાચારોમાં આવ્યો હતો. ત્યારે તેણે લંડનમાં ખાલિસ્તાનના સમર્થનમાં રેલી કાઢી હતી અને જાહેરાત કરી હતી કે તે પંજાબને ભારતથી અલગ કરવા માટે એક જનમત સંગ્રહ યોજવા જઈ રહ્યા છે. આ જનમત સંગ્રહને SFJએ રેફરન્ડમ 2020 નામ આપ્યું હતું. સંગઠને જાહેરાત કરી હતી કે પંજાબ સાથે આ જનમત સંગ્રહમાં વિશ્વના વિવિધ ભાગોમાં રહેતા શીખો પણ ભાગ લેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post