• Home
  • News
  • રાહત:કોરોનામાં નોકરી ગુમાવનારા 41 લાખ લોકોને સરકાર ત્રણ મહિનાનો અડધો પગાર આપશે
post

ESI રજિસ્ટર્ડ કામદારો માટે રાહતના સમાચાર, ફાયદો 21 હજારથી ઓછા પગારદારોને

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-21 09:20:46

કેન્દ્ર સરકારે કોરોના મહામારીમાં નોકરી ગુમાવનારા કામદારોને ત્રણ મહિના સુધી તેમના પગારના 50% બેકારી ભથ્થું આપશે. આ લાભ એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ (ઈએસઆઈ) હેઠળ આવતા લોકોને મળશે. એક અનુમાન પ્રમાણે, કોરોના કાળમાં ઈએસઆઈમાં રજિસ્ટર્ડ 80 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. આ વર્ષે 24 માર્ચથી 31 ડિસેમ્બર વચ્ચે ગઈ છે અથ‌વા જવાની છે, તેમને આ યોજનામાં આવરી લેવાશે. એટલે કે આશરે 41 લાખ લોકોને આ નિર્ણયથી ફાયદો થશે. આ યોજના માટે રૂ. 6,700 કરોડનો ખર્ચ થશે. આ પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારની આગેવાની ધરાવતા ઈએસઆઈ બોર્ડે પણ મંજૂરી આપી દીધી છે.

ઈએસઆઈ બોર્ડના સભ્ય અમરજીત કૌરે કહ્યું કે, નક્કી સમયમર્યાદામાં નોકરી ગુમાવનારા કામદારોને તેમના છેલ્લા પગારના હિસાબે ત્રણ મહિના સુધી 50% બેકારી ભથ્થું મળશે. યોગ્યતાના આધારે તેમાં થોડી છૂટ અપાય, તો આશરે 75 લાખ કામદારોને ફાયદો થાય એમ હતો. રૂ. 21 હજાર કે તેનાથી ઓછું વેતન ધરાવતા ઔદ્યોગિક કામદારો ઈએસઆઈ યોજનાના દાયરામાં આવે છે. દેશમાં આશરે 3.49 કરોડ કામદારો ઈએસઆઈ સાથે સંકળઆયેલા છે. આ વેતન 2018થી જારી અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ અપાશે. તે અંતર્ગત 25% બેકારી ભથ્થાની જોગવાઈ હતી.

એમ્પ્લોયરે ક્લેમ કરવો જરૂરી નથી, સીધા ઈએસઆઈ બ્રાન્ચમાં દાવો થઈ શકશે
ઈએસઆઈ બોર્ડના આ નિર્ણયનું સકારાત્મક પાસું એ છે કે, આ યોજનાનો લાભ લેવા એમ્પ્લોયરે ક્લેમ કરવો જરૂરી નથી. કામદારો સીધો ઈએસઆઈ બ્રાન્ચમાં દાવો કરી શકશે. એમ્પ્લોયર સાથે તેનું વેરિફિકેશન ઈએસઆઈ બ્રાન્ચ ઓફિસથી થઈ જશે. તેના પૈસા પણ સીધા કામદારોના બેંક ખાતામાં જમા થઈ જશે. નોકરી ગુમાવનારાને 30 જ દિવસ પછી લાભની પાત્રતા મળી જશે. અગાઉ આ સમય 90 દિવસનો હતો. જોકે, આ ક્લેમ માટે આધાર નંબર જરૂરી હશે.

નોકરી ગુમાવતા પહેલાં ઓછામાં ઓછાં 2 વર્ષથી રજિસ્ટર્ડ હોય
યોજનાનો લાભ એવા કર્મચારીઓને મળશે કે જેઓ રોજગારી ગુમાવતા પહેલાં ઓછામાં ઓછા બે વર્ષ સુધી ઇએસઆઇસી હેઠળ રજિસ્ટર્ડ રહ્યા હોય. સાથે જ તેમણે રોજગાર ગુમાવ્યા પહેલાના 6 મહિનામાં ઓછામાં ઓછા 78 દિવસ સુધી કામ કર્યું હોય. તદુપરાંત, તે 6 મહિના પહેલાના 18 મહિના પૈકી કોઇ પણ 6 મહિનામાં ઓછામાં ઓછા 78 દિવસ સુધી કામ કર્યું હોય.

એપ્રિલથી અત્યાર સુધીમાં કોરોનાના કારણે 1.89 કરોડ લોકોની નોકરી ગઈ છે : સીએમઆઇઇ
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)ના આંકડા મુજબ એપ્રિલથી અત્યાર સુધીમાં કોરોનાના કારણે 1.89 કરોડ લોકોની નોકરી જઇ ચૂકી છે. એકલા જુલાઇ મહિનામાં અંદાજે 50 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. સીએમઆઇઇના સીઇઓ મહેશ વ્યાસે કહ્યું કે ઇએસઆઇસી સભ્ય નોકરી છૂટ્યા બાદ સૌથી જલદી દેવાંની જાળમાં ફસાય છે. 3 મહિનાનો અડધો પગાર મળવાથી તેમની ઘણી જરૂરિયાતો પૂરી થઇ જશે. આ રાહત માત્ર સંગઠિત ક્ષેત્રના શ્રમિકોને જ મળશે. અસંગઠિત ક્ષેત્ર હજુ પણ તેમાંથી બાકાત છે.

સીધી રોકડ આપતી મોટી યોજના PM કિસાન હતી
અત્યાર સુધી ડાયરેક્ટ કૅશ આપતી સૌથી મોટી યોજના પીએમ કિસાન યોજના હતી. તે અંતર્ગત લાભાર્થીને વાર્ષિક 6 હજાર રૂ. અપાય છે. જોકે, તેનો વ્યાપ બહુ મોટો છે. તેનાથી 8 કરોડ ખેડૂતોને મદદ મળે છે. નિષ્ણાતોના કહેવા મુજબ આ યોજનાએ ખેડૂતોને મોટી રાહત પહોંચાડી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post