• Home
  • News
  • ડ્રો રહી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ મેચ
post

ભારત અને ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ વચ્ચે રમાયેલી પ્રથમ ડે નાઇટ ટેસ્ટ ડ્રો રહી છે. આ સાથે બંને ટીમને 2-2 પોઈન્ટ મળ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-04 10:21:18

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે રમાયેલી પિંક બોલ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ટેસ્ટ મેચના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાએ 3 વિકેટના નુકસાન પર 135 રન બનાવી પોતાની બીજી ઈનિંગ ડિકલેર કરી અને ઓસ્ટ્રેલિયાની સામે 32 ઓવરમાં 272 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેના જવાબમાં કાંગારૂ ટીમે 2 વિકેટ પર 36 રન બનાવ્યા અને બંને ટીમની કેપ્ટને મેચ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ઈનિંગમાં ભારત તરફથી 127 રનની શાનદાર ઈનિંગ રમનાર સ્મૃતિ મંધાનાને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવી હતી. 

ભારતીય ટીમ તરફથી બીજી ઈનિંગમાં શેફાલી વર્માએ અડધી સદી ફટકારી અને તે 91 બોલમાં 52 રન બનાવી આઉટ થઈ હતી. પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારનાર મંધાના બીજી ઈનિંગમાં 31 રન બનાવી આઉટ બની હતી. ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલી યાશ્તિકા ભાટિયાને બેટિંગ ઓર્ડરમાં પ્રમોટ કરવામાં આવી અને તે ત્રણ રન બનાવી આઉટ થઈ હતી. પૂનમ રાવત 41 રન બનાવી અણનમ રહી હતી. દીપ્તિ શર્માએ ત્રણ રન બનાવ્યા હતા અને કેપ્ટન મિતાલી રાજે ઈનિંગ ડિકલેર કરવાનો નિર્ણય લીધો હતો. 

બીજી ઈનિંગમાં ઝૂલન ગોસ્વામીએ ભારતને શાનદાર શરૂઆત અપાવી અને એલિસા હીલીને 6 રનના સ્કોર પર આઉટ કરી હતી. ત્યારબાદ બેથ મૂની પણ ખાસ કમાલ ન કરી શકી અને 11 રન બનાવી પૂજા વસ્ત્રાકરના બોલ પર આઉટ થઈ હતી. કેપ્ટન મેગ લેનિંગ 17 અને એલિસ પેરી 1 રન બનાવી અણનમ રહી હતી. ભારતીય ટીમે ટોસ ગુમાવ્યા બાદ પ્રથમ ઈનિંગમાં સ્મૃતિ મંધાનાની 127 રન અને દીપ્તિ શર્માના 66 રન પર દમદાર ઈનિંગની મદદથી 377 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઈનિંગ 9 વિકેટે 241 રન પર ડિકલેર કરી હતી. બોલિંગમાં ટીમ ઈન્ડિયા તરફથી મેચમાં પૂજાએ ચાર અને ઝૂલન ગોસ્વામીએ ત્રણ વિકેટ ઝડપી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post