• Home
  • News
  • પેન્ટાગને સત્તાવાર રીતે UFOના ત્રણ વીડિયો રિલીઝ કર્યા, કહ્યું, આ શું છે તે અમને ખબર નથી
post

ઈન્ફ્રારેડ કેમેરાથી ઝીલાયેલા આ ત્રણેય વીડિયોમાં ઊડતી રકાબી જેવા દેખાતા ત્રણ અજાણ્યા પદાર્થ અત્યંત તેજ ગતિથી ઊડતા દેખાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 10:48:16

વૉશિંગ્ટન: અમેરિકાની ડિફેન્સ સંસ્થા પેન્ટાગનદ્વારા સોમવારે ત્રણ UFO એટલે કે અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટદર્શાવતા ત્રણ વીડિયો સત્તાવાર રીતે રિલીઝ કર્યા છે અને તે સંપૂર્ણપણે સાચા છે તેવી ખરાઈ કરી છે. અલબત્ત, આ ત્રણેય વીડિયો અગાઉ એક ખાનગી કંપનીએ વહેતા કર્યા હતા, પરંતુ હવે તેના પર સત્તાવાર મહોર લાગી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકન નેવીએ પણ આ વીડિયો જેન્યુઈન છે તેવી વાત કરેલી. ઈન્ફ્રારેડ કેમેરાથી ઝીલાયેલા આ ત્રણેય વીડિયોમાં ઊડતી રકાબી જેવા દેખાતા ત્રણ અજાણ્યા પદાર્થ અત્યંત તેજ ગતિથી ઊડતા દેખાય છે. તેમાંથી બે વીડિયોમાં તો ફરજ પરના અધિકારીઓ આ ઊડતા અજાણ્યા પદાર્થની જબરદસ્ત સ્પીડ જોઈને આશ્ચર્ય વ્યક્ત કરે છે અને તે ડ્રોન હોઈ શકે તેવી શંકા પણ વ્યક્ત કરે છે.

નેવીના પાઈલટ્સ દ્વારા વિમાનમાંથી શૂટ થયેલા આ વીડિયોઝ અગાઉ ડિસેમ્બર, 2017માં અને માર્ચ, 2018માં ટુ ધ સ્ટાર્સ એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સીસદ્વારા રિલીઝ કરવામાં આવ્યા હતા. 


અત્યારે પેન્ટાગનના પ્રવક્તા સૂ ગોફે એવું કહીને વાતનું ભીનું સંકેલી લીધું છે કે, ‘અમને આ ત્રણેય વીડિયોઝમાં કશું જ જોખમી કે સંવેદનશીલ લાગ્યું નથી.પરંતુ 2017માં અમેરિકન નેવીના જ એક પાઈલટે અમેરિકન ન્યૂઝ ચેનલ CNNને જણાવેલું કે એણે 2004માં એક UFO જોયેલું અને તે જે રીતે ઊડી રહ્યું હતું તે જોઈને તે શું છે તે કળી શક્યો નહોતો. એણે કહ્યું કે, ‘હું જેવો તે ઊડતા પદાર્થની નજીક ગયો કે તરત જ તે પદાર્થ માત્ર બે જ સેકન્ડની અંદર ટેબલ ટેનિસના બૉલની જેમ ગાયબ થઈ ગયો હતો!એની માહિતી પ્રમાણે 40 ફૂટ લાંબો એક પદાર્થ સમુદ્રથી 50 ફૂટ ઊંચે હવામાં ઘુમરાઈ રહ્યો હતો.


બીજી રસપ્રદ વાત એ છે કે 2017માં અમેરિકાના ક્લાસિફાઈડ પ્રોગ્રામના વડા લુઈ એલિઝોન્ડોએ CNNને જણાવેલું કે, ‘હું દૃઢપણે માનું છું કે આ બ્રહ્માંડમાં આપણે એકલા નથી. આ અજાણ્યાં એરક્રાફ્ટ અમેરિકા કે બહારની કોઈપણ ફોરેન ઈન્વેન્ટરીમાં નોંધાયેલાં નથી.’ 

અમેરિકાના સેનેટર હેરી રીડે પણ સોમવારે ટ્વીટ કરીને લખ્યું કે, ‘પેન્ટાગને આ ફૂટેજ રિલીઝ કર્યાં તેનો એમને આનંદ છે, પણ જે પ્રમાણમાં રિસર્ચ અને મટિરિયલ ઉપલબ્ધ છે, એ જોતાં આ માત્ર સપાટી જ ખોતરે છે. અમેરિકાએ આ વાતને વધુ ગંભીર અને વધુ સાયન્ટિફિક રીતે લેવી જોઈએ. અમેરિકન જનતાને સત્ય જાણવાનો અધિકાર છે.

આ ન્યૂઝ બ્રેક થતાં જ ઈન્ટરનેટ પર નવેસરથી UFO વિશે ચર્ચાઓ અને એલિયન્સ છે તેવી કોન્સ્પિરસી થિયરીઓ ચાલુ થઈ ગઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post