• Home
  • News
  • પ્રગતિશીલ ખેડૂતે આર્યુવેદનો રસ્તો અપનાવ્યો, ને ખેતરમાં ઉગ્યું સોનું
post

કોરોના સમયમાં શક્તિવર્ધક ઔષધી પાકનું ખેડૂતે કર્યુ સફળ ઉત્પાદન

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-08 11:12:50

જુનાગઢ :કોરોના કાળમાં પણ ખેડૂતો સારી એવી કમાણી કરી રહ્યાં છે. કોરોના સમયમાં શક્તિવર્ધક ઔષધી પાકનું ખેડૂતે સફળ ઉત્પાદન કર્યું છે. જુનાગઢ જિલ્લાના ચોકલી ગામે એક ખેડૂતે ઓર્ગેનિક શતાવરીનું સફળ ઉત્પાદન કર્યુ છે. જેમાં ત્રણ વીઘામાં 18 હજાર રોપાનું વાવેતર કરી અંદાજે 8 ટન શતાવરીનું ઉત્પાદન મેળવ્યું. ખેડૂત તાલીમ કેન્દ્રના માર્ગદર્શન હેઠળ ચોકલી ગામે શતાવરીનું સફળ ઉત્પાદન કરવામાં આવ્યું છે.  

જુનાગઢ તાલુકાના ચોકલી ગામે હરસુખભાઈ ગજેરા નામના ખેડૂતે દોઢ વર્ષ અગાઉ પોતાના ખેતરમાં ત્રણ વિઘામાં શતાવરીના ઔષધી પાકનું વાવેતર કર્યું છે. શતાવરી એ સંસ્કૃત શબ્દ છે. તેનું વૈજ્ઞાનિક નામ એસ્પાયરેગસ રેસીમોસા છે. હરસુખભાઈ પોતે ઔષધીના જાણકાર છે અને આયુર્વેદમાં સારો એવો રસ ધરાવે છે. તેથી પોતાને એક અનુભવ લેવા પોતાના ખેતરમાં શતાવરીનું વાવેતર કર્યુ અને તેને સફળતા પણ મળી હતી. 

હરસુખભાઈએ નેપાળથી શતાવરીના 18 હજાર રોપા મંગાવ્યા હતા. જે એક રોપ 11 રૂપિયા લેખે પડતર થઈ અને તે રોપાનું પોતાના ખેતરમાં ત્રણ વિઘામાં વાવેતર કર્યું. આમ વાવેતર સમયે અંદાજે બે લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. વાવેતર બાદ છોડના પોષણ માટે કોઈ રાસાયણિક દવાને બદલે વિવિધ જડીબુટ્ટીના અર્કનો છંટકાવ, પિયતમાં અને ખાતર રૂપે આપવામાં આવ્યું તેથી સંપૂર્ણપણે ઓર્ગેનિક શતાવરીનું ઉત્પાદન થયું. 

સામાન્ય રીતે શતાવરીના છોડ દીઠ પાંચ કિલોનું ઉત્પાદન મળે છે. પરંતુ ચાલુ વર્ષે મોડે સુધી વરસાદ લંબાતા હરસુખભાઈને થોડી નુકશાની થઈ છે. તેમ છતાં છોડ દીઠ બે કિલો જેવો ઉતારો થવાની આશા છે. આમ કુલ 36 હજાર કિલો ઉત્પાદન થાય જેની સુકવણી બાદ પાંચમો ભાગ થઈ જાય છે. તેથી અંદાજે 8 હજાર કિલોનું ઉત્પાદન થવાની સંભાવના છે. શતાવરીનો બજારમાં 200 થી 250 રૂપિયા કિલોનો ભાવ છે, આમ હરસુખભાઈને થોડી નુકશાની હોવા છતાં શતાવરીમાંથી અંદાજે 15 લાખ રૂપિયાની કમાણી થશે.

·         શતાવરીનો છોડ કાંટાળો છોડ હોય છે, જેના મૂળ ઉપયોગમાં આવે છે

·         શતાવરીના મૂળ જેટલા મોટાં અને મજબુત તેટલી તેની ગુણવત્તા અને તેનું ઉત્પાદન નક્કી થાય છે

·         વાવેતર પછી દોઢ વર્ષ પછી પાક ઉતારો કરવા માટે તૈયાર હોય છે

·         જમીનમાંથી શતાવરીના મૂળ કાઢી લીધા પછી તેને સાફ કરવા માટે પાણીથી ધોવા પડે છે

·         ત્યારબાદ તેને નવશેકા પાણીથી બાફવામાં આવે છે

·         બાફી લીધાં પછી તેની છાલ કાઢવામાં આવે છે અને પછી તેની સુકવણી કરવામાં આવે છે

·         સૂકવણી બાદ શતાવરી બજારમાં વેચાણ માટે તૈયાર થાય છે

·         સૂકેલી શતાવરી પણ બજારમાં વેચાઈ જાય છે 

·         જો તેનો પાવડર કરવામાં આવે તો પણ વેચાઈ જાય છે 

શતાવરીના ઔષધીય ગુણને લઈને તેની બજારમાં સારી એવી માંગ છે. શતાવરી એક નિર્દોષ ઔષધી છે, જેનું કોઈપણ વ્યક્તિ સેવન કરી શકે છે. શતાવરી પીત્તનાશક છે અને ગર્ભવતી સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે શતાવરી શક્તિવર્ધક ઔષધી છે, બળ આપનારી ઔષધી છે.

હાલના કોરોના સમયમાં શરીરમાં ઈમ્યુનિટી બુસ્ટ કરવા પર જોર આપવામાં આવે છે. એટલે કે તંદુરસ્તી પર ભાર મૂકવામાં આવે છે ત્યારે ચોકલી ગામે હરસુખભાઈ ગજેરાએ શક્તિવર્ધક ઔષધી ગણાતી શતાવરીનું સંપૂર્ણ ઓર્ગેનિક પધ્ધતિથી સફળ ઉત્પાદન કરી એક નવો રાહ ચિંધ્યો છે. સામાન્ય રીતે જંગલોમાં ઉગી નીકળતી શતાવરીનું જિલ્લામાં સૌપ્રથમવાર કોઈ ખેડૂતે ઔષધી પાક તરીકે ખેતી કરીને સફળ ઉત્પાદન મેળવ્યુ છે. જે જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની વાત છે અને આયુર્વેદના નિષ્ણાતો પણ હરસુખભાઈ દ્વારા શતાવરીના ઉત્પાદનને આવકારી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post