• Home
  • News
  • અમેરિકામાં શિયાળામાં કોરોનાનો બીજો તબક્કો શરૂ થશે: ટોચના અધિકારીનો દાવો
post

અમેરિકાના મિસોરી સ્ટેટે ચીન પર કેસ કર્યો, કોરોનાની માહિતી છુપાવવાનો આરોપ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-23 11:27:20

વોશિંગ્ટન: અમેરિકામાં ચાલુ વર્ષના અંતમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થશે. સેન્ટર્સ ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના ડાયરેક્ટર રોબર્ટ રેડફિલ્ડે આ દાવો કર્યો છે. રેડફિલ્ડે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે અમેરિકામાં આગામી શિયાળામાં કોરોનાનો બીજો તબક્કો શરૂ થશે, જે હાલના તબક્કાથી વધુ ખતરનાક હશે. ત્યારે કોરોનાની સાથે ફ્લૂ પણ ફેલાશે. આ વખતે સારી વાત એ રહી કે અમેરિકામાં કોરોનાનો પ્રકોપ સામાન્ય ફ્લૂની સિઝન પૂરી થઇ રહી હતી ત્યારે આવ્યો. અમેરિકામાં ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં શિયાળો હોય છે. ખાસ કરીને 21 ડિસેમ્બરથી ઠંડી વધી જાય છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઘણા સ્થળે તાપમાન -16 ડિગ્રીથી -6 ડિગ્રી જેટલું નીચું જાય છે. તે દરમિયાન ફ્લૂના દર્દી વધવા લાગે છે.

ચીને કોરોનાના પુરાવાઓ છુપાવ્યા
અમેરિકાના મિસોરી સ્ટેટે કોરોના મામલે ચીન સામે કેસ કરી દીધો છે. મિસૌરીના એટર્ની જનરલ એરિક શિમિટે ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ મિસૌરીની એક કોર્ટમાં આ મામલે અરજી કરી છે, જેમાં ચીન સામે કોરોના અંગેની માહિતી દબાવી રાખવાનો આરોપ છે. કોરોનાનો ખુલાસો કરનારા લોકોની ધરપકડ કરાઇ. કોરોનાના ફેલાવાની પ્રકૃતિની સાચી માહિતી ન અપાઇ, જેના કારણે દુનિયાને ભરપાઇ ન થઇ શકે તેટલું નુકસાન થયું. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધીમાં ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓ પાસે કોરોનાના પુરાવા હતા તેઓ તે છુપાવતા રહ્યા. મિસોરીએ ચીન સરકાર, તેના અધિકારીઓ તથા સંબંધિત સંસ્થાઓ સામે કાર્યવાહીની માગ કરી છે.

રિપોર્ટ્સમાં દાવો : કોરોનાના દર્દીઓની સારવારમાં મેલેરિયાની દવાથી ફાયદો ન થયો, ટ્રમ્પે કહ્યું- સમીક્ષા કરીશું
અમેરિકામાં વિવિધ સ્વાસ્થ્ય એજન્સીઓના રિપોર્ટ્સમાં જણાવાયું છે કે કોરોનાની સારવારમાં મેલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીનથી ફાયદો નથી થયો. જેમને આ દવા અપાઇ હતી તેવા પણ ઘણા દર્દીઓનાં મોત થયાં. એક રિપોર્ટ મુજબ, કોરોનાના દર્દીઓની સારવાર માટે હાઇટ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગની ભલામણ માટે કે તેનો વિરોધ કરવા માટે પૂરતો ક્લિનિકલ ડેટા નથી. બીજી તરફ હાઇડ્રોક્સીક્લોરોક્વીનની હિમાયત કરનારા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ આ રિપોર્ટ્સની સમીક્ષા કરાવશે. અમેરિકાએ 3 કરોડથી વધુ હાઇડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટ્સનો સ્ટોક કર્યો છે, જેમાંથી મોટા ભાગની ભારતથી આયાત કરાઇ છે. એફડીએના કમિશનર સ્ટીફન હેનએ કહ્યું કે આ મામલે હજુ સુધી અંતિમ નિર્ણય લેવાયો નથી. 

બ્રિટન: કોરોનાની રસીની આજથી માણસો પર ટ્રાયલ શરૂ થશે, 200 કરોડનું ફંડ
બ્રિટનમાં ગુરુવારથી કોરોનાની રસીની મનુષ્યો પર ટ્રાયલ શરૂ થશે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોકે આ માહિતી આપતાં કહ્યું કે સરકારે કોરોનાની દવા-રસી વગેરે માટે 200 કરોડ રૂ.નું ફંડ ફાળવવાનું નક્કી કર્યું છે. ઓક્સફર્ડ યુનિ. કોરોનાની રસી બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં કોરોનાના 1,29,044 કેસ સામે આવ્યા છે અને 17,337 મોત થઇ ચૂક્યાં છે.

સ્પેન: લૉકડાઉનમાં ઢીલ, 14 વર્ષથી નાના બાળકોને પણ બહાર નીકળવાની છૂટ
સ્પેનમાં સરકારે લૉકડાઉનમાં ઢીલ આપતાં 14 વર્ષથી નાના બાળકોને પણ ઘરની બહાર નીકળવાની છૂટ આપી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રી સલ્વાડોર ઇલાએ કહ્યું કે આ આદેશ 27 એપ્રિલથી લાગુ થશે. જોકે, બાળકો સાથે પુખ્ત વયની એક વ્યક્તિ હોવી જરૂરી છે. સ્પેનમાં લૉકડાઉન 9 મે સુધી લાગુ છે, જે 15 મે સુધી લંબાઇ શકે છે. દેશમાં કોરોનાના 2,08,389 કેસ આવી ચૂક્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post