• Home
  • News
  • ચૂંટણીની છૂટ તો નવરાત્રિની કેમ નહીં? મંડપ ડેકોરેશનવાળા, સાઉન્ડ અને બ્યૂટીપાર્લરોનું આ નોરતાંએ પેકઅપ, 6-7 મહિનાથી એક રૂપિયાની આવક નથી
post

ડેકોરેશન, ડીજે, સાઉન્ડ, ચણિયાચોળી, કટલરી સાથે જોડાયેલા લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-15 11:59:47

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોરોના મહામારીને કારણે નવરાત્રિ બંધ રહેતાં મંડપ ડેકોરેશનવાળા, બ્યૂટીપાર્લરો, ચણિયાચોળીવાળા અને ખાણીપીણીનો ધંધો કરનારા લોકો પર મોટી અસર જોવા મળશે. નવરાત્રિનો કાર્યક્રમ રદ થતાં વેપારીવર્ગ મૂંઝવણમાં મુકાયો છે. વેપારીઓનો કરોડો રૂપિયાનો સ્ટોક માથે પડ્યો છે, કારણ કે વેપારીઓના બચતના પૈસા પણ સ્ટોકમાં રોકાઈ ગયા છે. ચણિયાચોળીનો વેપાર અને મંડપ ડેકોરેશનના વેપારીઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે.

નાના-મોટા ધંધા સાથે જોડાયેલા લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો
દર વર્ષે નવરાત્રિ અગાઉ વિવિધ પ્રકારની ચણિયાચોળીનાં વેચાણ શરૂ થઈ જતાં હતાં, પરંતુ આ વર્ષે નવરાત્રિ બંધ રહેતાં ચણિયાચોળીનું વેચાણ તદ્દન ઠપ્પ થઈ ગયું છે. બીજી તરફ બ્યૂટીપાર્લરોમાં પણ કોરોનાની અસર જોવા મળી રહી છે. નવરાત્રિ બંધ રહેતાં આ વર્ષે એકપણ ઓર્ડર મળ્યો નથી. સાથે જ ભાડે આપવામાં આવતા ચણિયાચોળીનું પણ બુકિંગ થયું નથી. આમ, ડેકોરેશન, વાજિંત્રો, ડીજે, માઇક, મીઠાઇ, ચણિયાચોળી, કટલેરી સહિતના નાના-મોટા ધંધા સાથે જોડાયેલા લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે.

વેપારીઓના બચતના પૈસા પણ સ્ટોકમાં રોકાઈ ગયા
કોરોના વાઇરસના સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા નિયમો જાહેર કરી નવરાત્રિની ઉજવણીની મંજૂરી આપશે તેવી આશાએ વેપારીઓ દ્વારા ચણિયાચોળીનો સ્ટોક કરાયો હતો, પરંતુ હવે સરકાર દ્વારા વાઇબ્રન્ટ નવરાત્રિનો કાર્યક્રમ રદ કરાતાં ગરબા મહોત્સવો પણ રદ કર્યા છે, જેને પગલે શહેરમાં ઊજવાતા ગરબા મહોત્સવ સામે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે, જેથી દુકાનોમાં પણ ઘરાકી ન હોવાના કારણે વેપારીઓની હાલત વધારે કફોડી બની છે. ચાર મહિનાની મંદીનો વકરો કરવા માટે નવરાત્રિ નિમિત્તે વેપારી વર્ગે મોટી માત્રામાં ચણિયાચોળીનો સ્ટોક ખરીદ્યો હતો, પરતું રાસ-ગરબાનું આયોજન બંધ રહેવાના કારણે વેપારીના બચતના પૈસા પણ સ્ટોકમાં રોકાઈ ગયા છે, જેના કારણે વેપારી વર્ગની આર્થિક સ્થિતિ કફોડી બની છે.

બ્યૂટીપાર્લરમાં ચણિયાચોળીનું એકપણ બુકિંગ નથીઃ બ્યૂટિશિયન સરલા સોજીત્રા
બ્યૂટિશિયન સરલા સોજીત્રાએ જણાવ્યું હતું કે હાલ બ્યૂટીપાર્લરના ધંધામાં ખૂબ મોટી અસર જોવા મળી રહી છે. આ વર્ષે નવરાત્રિમાં તૈયાર થવાના ઓર્ડર પણ મળ્યા નથી. સાથે જ ચણિયાચોળીનું બુકિંગ પણ થયું નથી, જેના કારણે બ્યૂટીપાર્લરમાં ખૂબ મોટી અસર જોવા મળી રહી છે.

એક પણ ઓર્ડર ન મળતાં કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે- મોહિત માદરિયા
લાઈટિંગ એન્ડ મંડપ સર્વિસના વેપારી મોહિત માદરિયાએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે મંડપ સર્વિસ કે લાઈટિંગમાં એકપણ ઓર્ડર મળ્યો નથી, જેને લઈને રોજગારી પર ખૂબ મોટી અસર પડી રહી છે, જેને લઈને અમારે અત્યારે કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા 6-7 મહિનાથી એકપણ રૂપિયાની આવક થઈ નથીઃ મંડપ સર્વિસના વેપારી
મંડપ સર્વિસના વેપારી મહેશભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 6-7 મહિનાથી એકપણ રૂપિયાની આવક થઈ નથી. નવરાત્રિમાં અમને થોડીઘણી આશા હતી પણ એમાં પણ સરકારે પાણી ફેરવી દીધું છે. અમારે હાલ કોઈ આધાર નથી અને અમારી રજૂઆત પણ કોઈ સાંભળતું નથી. અમારી હાલતની જવાબદાર સરકાર છે. સરકાર ચૂંટણીમાં પ્રચાર કરે છે અને વેપારમાં એકપણ છૂટ આપતી નથી. મને લાગે છે કે સરકારે કોરોનાની વેક્સિન બનાવી લીધી છે. જે ચૂંટણીપ્રચારવાળાને જ આપવાની છે એટલે એને છૂટ આપે છે, વેપારીઓને નહીં. એ લોકોને કંઈ કોરોનાની બીક નથી. આ બધી વસ્તુ લોકો માટે જ છે. એટલે લોકોને જ કોરોના થાય છે. સરકાર જાગ્રત હોય તો ચૂંટણીપ્રચાર અને સભા પણ કેન્સલ કરે.

કોરોનાની મહામારીને કારણે ગ્રાહકો આવતા નથીઃ વેપારી ચિરાગ વાઢેર
વેપારી ચિરાગ વાઢેરે જણાવ્યું હતું કે સીઝનલના ધંધામાં ખૂબ મોટો ફેરફાર જોવા મળ્યો છે. અત્યારે ગ્રાહકો આવતા જ નથી. અત્યારે બજારમાં સાવ મંદીનો માહોલ છે. કોરોના અને બીજી તરફ ચાઈનીઝ માલ બંધ થતાં વેપારીઓની કમર તૂટી ગઈ છે, જેને કારણે રોજગારી મળતી નથી.

તહેવારોની સીઝનમાં પણ ગ્રાહકોની ભીડ જોવા મળતી નથીઃ ચણિયાચોળીના વેપારી
ચણિયાચોળી વેચનારા વેપારીઓએ જણાવ્યું હતું કે પહેલાં બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળતી હતી, પરંતુ નવરાત્રિ નજીક આવી રહી હોવા છતાં ગ્રાહકો આવતા નથી. જેથી અમને મોટો ફટકો પડ્યો છે. અત્યારે બજારો સાવ ખાલીખમ જોવા મળી રહ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post