• Home
  • News
  • ઉઈગર મુસ્લિમો અને તિબેટિયનોનું ટ્રેકિંગ, ચીન 70 કરોડ લોકોના DNA ટેસ્ટ કરશે, જેથી સૌથી મોટો જિનેટિક મેપ બનાવી શકે
post

DNA ટેસ્ટિંગ માટે કિટ વેચતી અમેરિકન કંપની વિરુદ્ધ સાંસદોનો વિરોધ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-18 11:55:20

બેઈજિંગ: ચીનમાં પોલીસની મદદથી 70 કરોડ પુરુષો અને બાળકોનાં બ્લડ સેમ્પલ ભેગાં કરાઈ રહ્યાં છે. તેનો હેતુ દુનિયાનો સૌથી મોટો જિનેટિક મેપ તૈયાર કરવાનો છે. આ મેપ લોકો પર નજર રાખવા ચીનનું અત્યંત શક્તિશાળી હથિયાર મનાઈ રહ્યો છે. આ મેપનો ઉપયોગ કરીને ચીન ઉઈગર મુસ્લિમો, તિબેટિયન મૂળની લઘુમતી અને કેટલાંક ખાસ જૂથોને ટ્રેક કરશે. ચીનમાં 2017થી ચાલતા આ અભિયાનમાં પોલીસે પુરુષોના લોહી, લાળ અને અન્ય મટીરિયલના નમૂના ભેગા કર્યા છે. 

આ કામમાં અમેરિકન કંપની થર્મો ફિશર પણ મદદ કરી રહી છે. આ કંપની ચીનને ટેસ્ટિંગ કિટ બનાવીને વેચી રહી છે, જે ચીનની જરૂરિયાત પ્રમાણે બનાવાઈ છે. અમેરિકન સાંસદો પણ આ કંપનીનો આક્રમક વિરોધ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટથી ચીનનો તેના નાગરિકો પર કાબૂ વધી ગયો છે. દેશભરમાં કેમેરા, ફેસિયલ રેકગ્નિશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ થકી ચીનની પોલીસે એવું નેટવર્ક તૈયાર કર્યું છે જેનાથી લોકોને સરળતાથી ટ્રેસ કરી શકાશે. પોલીસનું કહેવું છે કે આ ડેટાબેઝનો ઉપયોગ ગુનેગારોને પકડવા માટે થશે. ચીનના કેટલાક અધિકારી અને માનવાધિકાર સંગઠનો શંકા વ્યક્ત કરે છે કે ચીન તેની મદદથી લોકોની પ્રાઈવસી પર તરાપ મારશે. ચીન સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારા લોકોનું દમન થશે. 

ચીને લોકોના વિરોધ છતાં આ અભિયાન તેજ કર્યું છે. પોલીસ ટીમો સ્કૂલમાંથી જ બાળકોનાં સેમ્પલ લઈ લે છે. ઉત્તર ચીનના કમ્પ્યુટર એન્જિનિયર જિયાંગ હાઓલિન કહે છે કે મારે બ્લડ સેમ્પલ આપવું પડ્યું કારણ કે કોઈ વિકલ્પ જ નથી. પોલીસે મને ધમકાવ્યો કે સેમ્પલ નહીં આપો તો તમારું ઘર બ્લેકલિસ્ટ કરીશું. 

DNA  તપાસના નામે લીધેલા નમૂનાથી લોકોને ફસાવાઈ શકે છે
માનવાધિકાર કાર્યકર લી વેઈ કહે છે કે DNAના નમૂનાનો દુરુપયોગ સરળતાથી થઈ શકે છે. આ નમૂનાને ગમે તે ગુનાઈત સ્થળે મૂકીને પણ કોઈને ફસાવાઈ શકાય છે. જિનેટિક સાયન્સ ચીન પોલીસ અધિકારીઓને એ લોકો વિરુદ્ધ કેસ ચલાવવાની તાકાત આપે છે, જેમને તેઓ પસંદ નથી કરતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post