• Home
  • News
  • નાણાભીડ દૂર કરવા ત્રાવણકોર બોર્ડ તેનું સોનું રોકડમાં કન્વર્ટ કરશે, તિરુમાલા બોર્ડ જમ્મુમાં ભવ્ય વેંકટેશ્વર મંદિર બાંધશે
post

1,250 મંદિરનું સંચાલન કરતા ત્રાવણકોર દેવસ્વામ બોર્ડને 300 કરોડનું નુકસાન

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-31 09:29:47

કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરનું સંચાલન કરતું ત્રાવણકોર દેવસ્વામ બોર્ડ નાણાભીડ દૂર કરવા માટે તેનું સોનું રોકડમાં ફેરવવા જઇ રહ્યું છે જ્યારે તિરુમાલા દેવસ્થાનમ બોર્ડ જમ્મુમાં ભવ્ય વેંકટેશ્વર મંદિર બાંધવા જઇ રહ્યું છે. ત્રાવણકોર દેવસ્વામ બોર્ડ રિઝર્વ બેન્કની ગોલ્ડ બોન્ડ સ્કીમમાં જોડાશે, જેથી બોર્ડના દેશભરના 1,250 મંદિરનો નિભાવ અને તેમનું સંચાલન યોગ્ય રીતે થઇ શકે. સ્કીમ અંતર્ગત બોર્ડને જમા કરાયેલા સોના સામે વાર્ષિક 2.5 ટકા વ્યાજ મળશે.

ત્રાવણકોર દેવસ્વામ બોર્ડના અધ્યક્ષ એન. વાસુએ જણાવ્યું કે તે માટે કેરળ હાઇકોર્ટની મંજૂરી માગવામાં આવી છે. હાલ બોર્ડ સોનાના જથ્થાનું આકલન કરી રહ્યું છે. અમને આશા છે કે આ પ્રોસેસ એક મહિનામાં પૂરી થઇ જશે અને સ્કીમને આખરી ઓપ આપી દેવાશે. કોરોના મહામારીના કારણે મંદિરો બંધ રહેવાથી બોર્ડને અંદાજે 300 કરોડ રૂ.નું નુકસાન ગયું છે. મંદિરો પાસે પૂજા અને અનુષ્ઠાનો માટે જે પ્રાચીન, વારસાગત ઘરેણાં છે તેમને સ્કીમમાં સામેલ નહીં કરાય. જોકે, બોર્ડના તમામ મંદિરો શ્રદ્ધાળુઓ માટે 5 મહિના બાદ 17 ઓગસ્ટથી ખોલી દેવાયા છે. ત્યાં હવે મર્યાદિત સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાનું શરૂ થઇ ગયું છે.

બોર્ડ પાસે હાલ કેટલું સોનું છે તે કહેવું શક્ય નથી, કેમ કે આકલનની પ્રક્રિયા જારી છે. જોકે, ઓછામાં ઓછું 1 હજાર કિલો સોનું હોવાનો અંદાજ છે. બોર્ડ 1,250 મંદિરનું સંચાલન કરે છે અને હાલ 3,500 કર્મચારીને વેતન આપવા તેને ઘણી મથામણ કરવી પડે છે. માત્ર 100 મંદિર જ એવા છે કે જેમના દ્વારા સારી આવક થાય છે. બાકીના મંદિરોનું સંચાલન આ 100 મંદિરને મળતા દાન પર આધારિત છે. બોર્ડને સબરીમાલા મંદિર તરફથી જ સૌથી વધુ ચઢાવો મળે છે. વર્ષ 2019-20માં મંદિરને તીર્થયાત્રાના દિવસોમાં દાન-ભેટ કે ચઢાવારૂપે 263.57 કરોડ રૂ. મળ્યા હતા જ્યારે 2018-19માં આ આંકડો 179.23 કરોડ રૂ. હતો.

100 એકરમાં તિરુપતિ બાલાજી મંદિર બનશે, હોસ્પિટલ અને વૈદિક સ્કૂલ પણ
બીજી તરફ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડ જમ્મુ-કટરા હાઇવે પર ભવ્ય વેંકટેશ્વર મંદિર બાંધવા જઇ રહ્યું છે. તે માટે જમ્મુ-કાશ્મીરના વહીવટીતંત્રએ હાઇવે પર અંદાજે 100 એકર જમીન આપવા સહમતિ દર્શાવી છે. બોર્ડના ચેરમેન વાય. વી. સુબ્બારેડ્ડીએ જણાવ્યું કે આ મંદિર બનવાથી દર વર્ષે માતા વૈષ્ણોદેવીના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓ વેંકટેશ્વર ભગવાનના દર્શન પણ કરી શકશે. બોર્ડ જમ્મુમાં મંદિર ઉપરાંત હોસ્પિટલ, વૈદિક પાઠશાળા અને મેરેજ હૉલ પણ બનાવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post