• Home
  • News
  • ગુજરાતમાં વાહનોનું વેચાણ 43 ટકા વધ્યું, રીક્ષા અને ટ્રેકટરમાં સૌથી મોટો ઉછાળો
post

3.28 લાખ કાર, 15 લાખથી વધુ ટુ-વ્હીલરનું વેચાણ: તહેવારોની સિઝનમાં ગાડીઓનું વેચાણ દેશભરમાં 48 ટકા વધ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-07 19:23:08

અમદાવાદ: તહેવારોની મોસમની માંગને કારણે ઓક્ટોબર મહિનામાં દેશમાં વાહનોના રિટેલ વેચાણમાં 48 ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે. ફેડરેશન ઓફ વ્હીકલ ડીલર્સ એસોસિએશન (FADA)એ સોમવારે જાહેર કરેલ માસિક રિપોર્ટમાં ઓક્ટોબરમાં વાહનોનું કુલ રિટેલ વેચાણ 20,94,378 યુનિટ રહ્યું હોવાનું જણાવ્યું છે, જે ઓક્ટોબર 2021ના 14,18,726 યુનિટના આંકડા કરતા 48 ટકા વધુ છે. આ સિવાય ઓક્ટોબરમાં નવા વાહનની નોંધણી કોરોના મહામારી પહેલા એટલે કે ઓક્ટોબર 2019ની સરખામણીમાં 8 ટકા વધુ છે.

ગુજરાતના ઓક્ટોબર મહિનાના વેચાણની વાત કરીએ તો દ્રિ ચક્રિય વાહનોનું વેચાણ વાર્ષિક 36.40 ટકાના વધારા સાથે 1,15,539 યુનિટ રહ્યું છે. ગત મહિને સૌથી વધુ વૃદ્ધિ ટ્રેક્ટરના વેચાણમાં જોવા મળી છે. ગુજરાતમાં ટ્રેકટરનું વેચાણ 3795 યુનિટથી વધીને રેકોર્ડ 14,139 યુનિટ પહોંચ્યું છે. ગુજરાતમાં વાહનોનું કુલ રિટેલ વેચાણ એટલેકે ડીલરો સાથેના રજિસ્ટ્રેશન સાથેનું વેચાણ 43.51 ટકા વધીને 1,73,219 યુનિટ રહ્યું છે,જે એક વર્ષ અગાઉ ઓક્ટોબર,2021માં 1,20,698 યુનિટનું વેચાણ હતુ. 

સમગ્ર દેશની વાત કરીએ તો ગત મહિને તમામ સેગમેન્ટ્સ એટલે કે પેસેન્જર અને કોમર્શિયલ વાહનો, ટુ-વ્હીલર, ટ્રેક્ટર અને થ્રી વ્હીલરનું પ્રદર્શન ઓક્ટોબર 2021 કરતાં નોંધપાત્ર સારું રહ્યું છે. ગયા મહિને પેસેન્જર વાહનોનું વેચાણ 2021ના 2,33,822 યુનિટની સાપેક્ષે 41 ટકા વધીને 3,28,645 યુનિટ થયું હતું. ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન ગત મહિને 51 ટકાના ઉછાળા સાથે 15,71,165 યુનિટ પર પહોંચ્યું હતું. ઓક્ટોબર 2021માં આ આંકડો 10,39,845 યુનિટ હતો.

કોમર્શિયલ વાહનોનું વેચાણ 25% વધ્યું :

ઓક્ટોબરમાં કોમર્શિયલ વાહનોનું વેચાણ 59,363 યુનિટથી 25 ટકા વધીને 74,443 યુનિટ થયું છે. આ સિવાય ઓક્ટોબરમાં થ્રી વ્હીલરના વેચાણમાં 66 ટકા અને ટ્રેક્ટરના વેચાણમાં 17 ટકાનો ઉછાળો આવ્યો છે. 

FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ નિવેદનમાં જણાવ્યું કે, “ઓક્ટોબર તહેવારોનો મહિનો રહ્યો છે. ડીલરશીપની તમામ શ્રેણીઓમાં આ સમયગાળા દરમિયાન માંગમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો હતો. આ વર્ષે ઓક્ટોબરમાં વેચાણ પણ 2019ના પ્રી-કોવિડ મહિનાની સરખામણીએ વધુ રહ્યું છે.

તહેવારોની સિઝનમાં વેચાણ 29 ટકા વધ્યું :

આ વર્ષે 42 દિવસની તહેવારોની સિઝનમાં વાહનોનું કુલ રિટેલ રજિસ્ટ્રેશનમાં 29 ટકાની વૃદ્ધિ જોવા મળી છે અને તે 22,42,139 યુનિટથી વધીને 28,88,131 યુનિટ થયું છે. આ સમયગાળા દરમિયાન પેસેન્જર વાહનોનું વેચાણ 34 ટકા વધીને 4,56,413 યુનિટ થયું છે જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 3,39,780 યુનિટ હતું. 

બીજી તરફ ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન એક વર્ષ અગાઉના 17,05,456 યુનિટની સામે 26 ટકા વધીને 21,55,311 યુનિટ થયું છે. આ તહેવારી સીઝનમાં થ્રી વ્હીલર, કોમર્શિયલ વાહનો અને ટ્રેક્ટરના વેચાણમાં અનુક્રમે 68, 29 અને 30 ટકાનો વધારો થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post