• Home
  • News
  • ખેડૂત અને સરકાર વચ્ચે મડાગાંઠ છેવટે ક્યારે ઉકેલાશે? આ માટે શું વિકલ્પ છે તે જાણો
post

શું વિધેયક પર રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તે કાયદો બની જાય છે?

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 09:54:32

કેન્દ્ર સરકારે અને ખેડૂતો વચ્ચે 3 કૃષિ કાયદાના મુદ્દે ગતિરોધ યથાવત છે. ખેડૂતો આ કૃષિ કાયદા પાછાં ખેંચાય તેવું ઈચ્છે છે, જ્યારે સરકાર દોઢ વર્ષ સુધી કાયદાના અમલને મોકૂફ રાખવા સહિત અને દરખાસ્તો ખેડૂતો સમક્ષ રજૂ કરી ચુકી છે. અત્યારે તો આ મુદ્દો અટવાઈ પડ્યો છે. ખેડૂત 64 દિવસથી ખૂબ જ ઠંડી વચ્ચે દિલ્હીના બોર્ડર પર ધરણા આપી રહ્યા છે.ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસક ઝપાઝપી પણ જોવા મળી. આ સંજોગોમાં હવે નજર સરકાર પર છે કે શું તે ટકરાવનો માર્ગ અપનાવે છે કે પછી પીછેહઠ કરી કાયદા રદ્દ કરે છે

કૃષિ કાયદા સંસદે મંજૂરી કર્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળી ચુકી છે. આ સંજોગોમાં પીછેહઠ નહીં થાય તે સરકારની જીદ છે. પણ પ્રશ્ન એ છે કે શું એ જરૂરી છે કે સંસદમાં પસાર થાય એટલે કાયદો લાગૂ થઈ જ જાય? નહીં. તે જરૂરી નથી. આ અગાઉ પણ અનેક વખત સંસદમાં પાસ થયેલા બિલ કાયદો બનીને લાગૂ થયા નથી. ચાલો સમજીએ કે આ વિધેયક અને ત્યારબાદ કાયદો બનવાની સફર શું છે અને કઈ સ્થિતિમાં તેને રદ્દ કે સસ્પેન્ડ કરી શકાય છે....

બિલ અથવા વિધેયક શું હોય છે?
જ્યારે સરકાર કોઈ વિષય પર કાયદો તૈયાર કરવા ઈચ્છે છે તો તે પ્રસ્તાવનો મુસદ્દો તૈયાર કરવામાં આવે છે. તેને વિધેયક અને અંગ્રેજીમાં બિલ કહેવામાં આવે છે. વિધેયક સંસદના બન્ને ગૃહમાં રજૂ થાય છે. ત્યાં પાસ થયા બાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળે છે. ત્યારબાદ આ વિધેયક કાયદો બને છે.

કાયદો કોણ બનાવે છે અને તેને રદ્દ કોણ કરી શકે છે?
કાયદો બનાવવાની શક્તિ ફક્ત સંસદ પાસે છે. સરકાર પણ હંગામી ધોરણે કોઈ કાયદો ઘડી શકે છે, જેને વટહૂકમ કહે છે. એ ત્યારે જ શક્ય છે કે જ્યારે સંસદની કાર્યવાહી ચાલતી ન હોય. વ્યવસ્થા એવી છે કે વટહૂકમ અંગે પણ સંસદની મંજૂરી જરૂરી છે, અન્યથા તે આપમેળે જ રદ્દ થઈ જાય છે.

કાયદાને રદ્દ કરવાની અન્ય એક પદ્ધતિ છે. જો સુપ્રિમ કોર્ટ તેને ગેરબંધારણીય ઠરાવી દે. સુપ્રીમ કોર્ટ સામાન્ય રીતે કાયદાને રદ્દ કરતી નથી. જો તે કાયદો બંધારણની કોઈ જોગવાઈની સામે હોય તો તેને રદ્દ કરવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે આરક્ષણને લગતા કાયદા અનેક વખત રદ્દ કર્યાં છે.

વર્તમાન સમયમાં વિવાદ કૃષિ કાયદાને લઈ છે. તેને રદ્દ કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો છે. એ વાત અલગ છે કે મડાગાંઠ ઉકેલવા માટે શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કાયદાના અમલીકરણને પણ અટકાવ્યું છે. બન્ને પક્ષો સાથે વાતચીત કરવા માટે એક સમિતિની રચના કરી હતી. જેથી મડાગાંઠને ઉકેલી યોગ્ય માર્ગ કાઢી શકાય.

શું સંસદની મંજૂરી મળતા જ વિધેયક કાયદો બની જાય છે?
નહીં. સંસદના બન્ને ગૃહમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિ પાસે તે જાય છે. જ્યાં વિધેયકને મંજૂરી મળ્યા બાદ કાયદો બને છે. જોકે, કોઈ કાયદાને લાગૂ કરવા માટે નિયમ બનાવવો જરૂરી છે તો તેવા સંજોગોમાં તે કાયદો બની શકતો નથી. એટલે કે તે કાયદો લાગૂ થઈ શકતો નથી. આ સંજોગોમાં નક્કી થાય છે કે કોઈ કાયદો જમીની સ્તર પર કેવી રીતે લાગૂ થશે.

શું રાષ્ટ્રપતિ સંસદે મંજૂર કરેલા કાયદાને નકારી શકે છે?
હા, બંધારણની કલમ-111 હેઠળ કાયદો બનાવવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે. તેઓ હસ્તાક્ષર કરવાનો ઈન્કાર કરી શકે છે. હોલ્ડ પણ કરી શકે છે. જોકે, આ પ્રકારની સ્થિતિ અપવાદરૂપ હોય છે. અહીં વાત એ છે કે જો રાષ્ટ્રપતિ કોઈ કાયદાને પાછો મોકલે તો સંસદ તે અંગે ફરી વખત વિચારણા કરશે. ત્યારબાદ ફરી વખત આ કાયદાને રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવે તો કાયદો મંજૂર કરવો જરૂરી હોય છે. આ સંજોગોમાં રાષ્ટ્રપતિ કાયદા પર હસ્તાક્ષર કરવાનું ટાળી શકે છે. રાષ્ટ્રપતિ કેટલાક સંજોગોમાં પોતાની તાકાત દેખાડી ચુક્યા છે.

2006: રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે ઓફિસ ઓફ ધ પ્રોફિટ બિલ પર હસ્તાક્ષર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમા સાંસદોને લાભના પદ પર રહેવાની છૂટ આપવાનો પ્રસ્તાવ હતો.
1987
 રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલસિંહ અને પ્રધાનમંત્રી રાજીવ ગાંધી વચ્ચે વિવાદ થયો હતો. જૈલસિંહે વર્ષ 1987માં પોસ્ટલ એમેડમેન્ટ બિલ પર હસ્તાક્ષર નહીં કરી અનિશ્ચિત સમય સુધી તેને અટકાવ્યું હતુ.
1951
 રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે નેહરું સરકારના હિન્દૂ કોડ બિલનો વિરોધ કર્યો હતો.

શું રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ પણ કોઈ કાયદો અટકી શકે છે?
હા. વર્ષ 1995માં પીવી નરસિંહરાવની સરકારે નેશનલ એન્વાયરમેન્ટ ટ્રીબ્યુનલ એક્ટ અને દિલ્હી રેંટ કન્ટ્રોલ એક્ટ તૈયાર કર્યા હતા. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ પણ આ કાયદા લાગૂ થઈ શક્યા ન હતા. બાદમાં વર્ષ 2020માં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એક્ટથી એન્વાયરમેન્ટ ટ્રીબ્યુનલ લો ખતમ કરવામાં આવ્યો. દિલ્હી રેન્ટ કન્ટ્રોલ એક્ટને રદ્દ કરવા માટે વર્ષ 2013માં બિલ તૈયાર થયું. જે રાજ્યસભામાં પેન્ડિંગ છે.

શું વિધેયક પર રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તે કાયદો બની જાય છે?
નહીં. ત્યારબાદ પણ બે મહત્વના તબક્કા હોય છે. સરકાર એ નક્કી કરે છે કે નવો કાયદો ક્યારે લાગૂ થશે. તે હેઠળ કાયદાને જમીની સ્તર પર લાગૂ કરવા માટે નીતિ-નિયમો પણ તૈયાર કરવાના હોય છે. ત્યારબાદ કોઈ કાયદો લાગૂ થઈ શકે છે. સરકાર નીતિ રુલ્સ-રેગ્યુલેશન નહીં બનાવે તો કાયદો અથવા તેના કોઈ પણ ભાગને લાગૂ કરી શકાતો નથી. બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ 1988 કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ હતી. પણ રુલ એન્ડ રેગ્યુલેશન તૈયાર થયા ન હતા. તેને લીધે કાયદો લાગૂ થયો નથી. વર્ષ 2016માં આ કાયદાને રુલ એન્ડ રેગ્યુલેશનના અભાવમાં રદ્દ કરવામાં આવ્યો.

જો કોઈ વટહૂકમને કાયદો બનાવવામાં આવે છે તો તેમાં નક્કી કરી શકાય છે કે ચોક્કસ તારીખથી આ કાયદો લાગુ થશે. કૃષિ સંબંધિત નવી વ્યવસ્થા 5 જૂન 2020ના રોજ વટહૂકમ મારફતે લાગુ થયો હતો. કાયદો બન્યા બાદ તેને તે તારીખથી લાગુ કરવામાં આવ્યો છે.

કૃષિ કાયદાને લઈ શું વિકલ્પ છે?

કૃષિ કાયદાને લઈ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે ખેડૂતોને મનાવવા માટે દોઢ વર્ષ માટે તેને સસ્પેન્ડ કરી શકે છે. એટલે કે કાયદો આ અત્યારે લાગુ છે, પણ સરકાર ઈચ્છે તો તેને લાગુ કરવાની તારીખ દોઢ વર્ષ બાદ નક્કી કરી શકે છે. આ રીતે સરકાર ઈચ્છે તો તે ત્રણ કાયદાને રદ્દ પણ કરી શકે છે. તે સંપૂર્ણપણે સરકારના હાથમાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post