• Home
  • News
  • આત્મનિર્ભર સહાય માટે ગુજરાતમાં અધધ 1.65 લાખ અરજી 99.55 % અરજી મંજૂર, કુલ રૂ. 9 હજાર કરોડની લોન અપાઈ
post

ગુજરાતમાં નાના વેપારી, ઉદ્યોગકારોની માત્ર 0.16 ટકા જ અરજીઓ નામંજૂર કરાઈ હોવાનો રિપોર્ટમાં દાવો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-16 09:26:51

અમદાવાદ: ગુજરાતમાં આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ કોરોના બાદ ધંધા રોજગારને બેઠા કરવા માટે અથવા તો સામાન્ય અને મધ્યમવર્ગના લોકોને સહાયભૂત થવા માટે જાહેર કરાયેલી યોજનાના 1.65 લાખ અરજદારોને અત્યાર સુધીમાં કુલ 9,000 કરોડ કરતાં વધુની લોન અપાઇ છે. ગુજરાતમાં આ માટે કુલ 1.65 લાખ કરતાં વધુ અરજી આવી હતી તેમાંથી 99.55 ટકા અરજિઓ મંજૂર રહી છે જ્યારે માત્ર 0.16 ટકા અરજી જ નામંજૂર થઇ છે. જ્યારે બાકીની અરજીઓ હાલ મંજૂરી પ્રક્રિયા હેઠળ છે.

ગુજરાતના એસએલબીસી એટલે કે સ્ટેટ લેવલ બેંકિંગ કમિટીના રિપોર્ટને આધારે જાહેર થયેલાં આંકડાઓ ચકાસીએ તો 14 જુલાઇ સુધીમાં ગુજરાતમાં વિવિધ એમએસએમઇ કે ધંધાર્થીઓએ 1,65,286 અરજિઓ કરી હતી અને તે પૈકી 1,64,537 અરજી મંજૂર થઇ છે અને 9,029 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી દેવાઇ છે. 

જ્યારે કુલ અરજીઓ પૈકી માત્ર 35 અરજીઓ અધૂરા કે ક્ષતિયુક્ત દસ્તાવેજો અને 243 અરજીઓ અન્ય શરતો સંતોષાતી ન હોવાને કારણે નામંજૂર રહી છે. આ ઉપરાંત હાલ 471 અરજીઓ પ્રક્રિયા હેઠળ છે. આ રીતે આંકડા જોઇએ તો 1.64 લાખ કરતાં વધુ અરજીઓને 9000 કરોડ કરતાં વધુની લોન અપાઇ હોવાથી સરેરાશ એક અરજી દીઠ સાડા પાંચ લાખ રૂપિયા જેટલી લોન ચૂકવાઇ છે. 

70 હજાર લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગ યુનિટોએ લાભ લીધો
ગુજરાતમાં 70,114 એમએસએમઇ એટલે કે લઘુ અને મધ્યમકક્ષાના ઔદ્યોગિક યુનિટોએ આ યોજનાનો લાભ લીધો છે. આ તમામ યુનિટોને કુલ 5,467.22 કરોડ રૂપિયાની લોન મંજૂર કરાઇ છે. તે પૈકી અમદાવાદના 11 હજારથી વધુ, સૂરતના 8,000થી વધુ, રાજકોટના 7,700 અને વડોદરાના 6,300 એકમોએ લોન માટેની અરજી કરી હતી જે મંજૂર રહી છે.

અરજીમાં એક પણ જિલ્લો બાકાત નહીં
આ અરજી કરવામાં ગુજરાતનો એકપણ જિલ્લો બાકાત નથી. ડાંગ, પંચમહાલ, નર્મદા જેવા આદિવાસી ક્ષેત્રોમાંથી પણ અરજિઓ થઇ હતી અને તેઓને પણ બેંકોએ લોન આપી છે.

સૌથી વધુ ધિરાણ એસબીઆઇનું, 3,100 કરોડથી વધુ ધીર્યાં, તમામ અરજી મંજૂર કરી
આ માટે ગુજરાતની કુલ 14  બેંકોએ ધિરાણ આપ્યાં છે જેમાં સૌથી વધુ ધિરાણ એસબીઆઇએ કર્યું છે. એસબીઆઇએ તેને મળેલી તમામ 39,723 અરજીઓ મંજૂર કરી કુલ 3,157.46 કરોડનું ધિરાણ આપ્યું છે. તે પછી બેંક ઓફ બરોડાએ 32,861 અરજીને મંજૂર રાખી 1,533 કરોડ રૂપિયાનું ધિરાણ મંજૂર કર્યું છે. એચડીએફસી બેંકે 1,131 કરોડ, આઈસીઆઈસીઆઈએ 459 કરોડ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 372 કરોડ, બેંક ઓફ ઇન્ડિયાએ 331 કરોડની લોન આપી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post