• Home
  • News
  • રાજ્યના 27 જિલ્લાના 111 તાલુકામાં 1થી 4 ઇંચ સુધી કમોસમી વરસાદ, કેસર કેરી સહિત ખેતપેદાશોમાં વ્યાપક નુકસાન
post

ધોધમાર વરસાદ પડતાં કેરીના પાકને ભારે નુકસાન

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-20 18:36:13

અમદાવાદ: ગુજરાતભરમાં રવિવારે પણ કમોસમી વરસાદનો માર યથાવત્ રહ્યો હતો. રાજ્યના 33માંથી 27 જિલ્લાના 111 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ગાંધીનગરમાં તો બારે મેઘ ખાંગા થયા હોય એમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉના, ગીર-ગઢડામાં ગાજવીજ સાથે 1થી 4 ઇંચ વરસાદ તૂટી પડતાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. મરચાંના હબ ગણાતા સનખડા ગામમાં વરસાદને કારણે મરચાં પાણીમાં વહેતાં થયાં હતાં. આ સાથે સૌરાષ્ટ્રમાં કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગે વધુ પાંચ દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તેજ પવનો સાથે હળવોથી ભારે વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં કરા પડવાની આગાહી પણ કરવામાં આવી છે.

કમોસમી વરસાદને પગલે જગતના તાતને મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. હવે ગૃહિણીઓના બજેટમાં પણ માવઠાનો માર લાગવાનો છે, કારણ કે શાકભાજીના ભાવમાં 50 ટકા જેટલો વધારો નોંધાયો છે.

ગાજવીજ સાથે પાંચ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
20
માર્ચેઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા મહીસાગરમાં માવઠાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં હળવો કે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

21 માર્ચેઃ ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં માવઠું થશે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને કચ્છમાં હળવો કે ગાજવીજ સાથે વરસાદ પડે એવી સંભાવના છે.

22 માર્ચેઃ ઉત્તર ગુજરાતના બસાનકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં હળવો કે ગાજવીજ સાથે વરસાદ પડે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

23 માર્ચઃ સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં હળવો કે ગાજવીજ સાથે વરસાદ પડે એવી સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. આ આગાહી 24 માર્ચના સવારના સાડાઆઠ વાગ્યા સુધી રહેશે.

ઉના પંથકમાં તો જાણે ચોમાસું રિટર્ન થયું હોય...
સૌરાષ્ટ્રમાં આફતરૂપી માવઠાનો વરસાદ શરૂ થયો હોય એમ વીજળીના પ્રચંડ કડાકાભડાકા અને તેજ પવન સાથે અનેક સ્થળોએ કરાં સાથે માવઠું વરસ્યું હતું. ઉના પંથકમાં તો જાણે ચોમાસું રિટર્ન થયું હોય એમ સાંબેલાધારે 1થી 4 ઈંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઉના તાલુકાના મરચાંના હબ ગણાતા સનખડા ગામમાં વરસાદને કારણે મરચાંને ભારે નુકસાન થયું હતું. અણધાર્યા આવેલા વરસાદના પાણીમાં મરચાં તરવા લાગ્યાં હતાં. આ ઉપરાંત કેરીના પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.​ ​​​​​​જાફરાબાદના દુધાળા અને તળાજાના ટીમાણા ગામે મકાન ઉપર વીજળી પડતાં ઘરવખરી બળી ગઈ હતી. કમોસમી વરસાદને કારણે તાલાલામાં કેસર કેરી સહિત અન્ય સ્થળોએ ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું.

ખેડૂતોના માથે તાઉતે બાદ ફરી આફત
સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, બાબરા, વીછિંયા, કોટડાસાંગાણી, ગોંડલ-ચલાલા, બગસરા, મેંદરડા, માળિયા હાટીના, ચોટીલા-ભાણવડ, તાલાલા સહિતના પંથકમાં ઝાપટાંથી બે ઈંચ વરસાદ વરસાદ વરસ્યો હતો. જ્યારે જાફરાબાદના દુધાળા ગામે અને તળાજાના ટીમાણા ગામે મકાન ઉપર વીજળી ત્રાટકતાં ઘરવખરી બળીને ખાખ થઈ હતી. નાઘેર પંથકમાં 2 વર્ષ પહેલાં તાઉતે વાવાઝોડાથી આંબાવાડીઓને નુકસાન થયું હતું, ત્યારે ફરી રવિવારે માવઠું થતાં કેરીના ઉત્પાદકોને આર્થિક ફટકો પડ્યો છે. ઉના-ગીર-ગઢડા પંથકમાં 1થી 4 ઈંચ વરસાદ પડતાં ખેતી પાક ઉપરાંત માછીમારોને પણ નુકસાન થયું છે.

ધોધમાર વરસાદ પડતાં કેરીના પાકને ભારે નુકસાન
ઉના શહેર, સામતેર, ગાગડા, સનખડા, કાણકબરડા, મોઠા, ગરાળ, ભાચા, ખત્રીવાડા, રામેશ્વર, ભડિયાદર, વાજડી, મેણ, ગુંદાળા, ચાચકવડ, કંસારી, વાવરડા, ઉમેજ, નાઠેજ, યાજપુર, કાંધી, અંબાડા, પડા, સીમર, સૈયદ રાજપરા, ધોકડવા, બેડીયા, ચિખલકુબા, નિતલી, શાણાવાંકિયા તેમજ ગીર જંગલમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અને ખેતરોમાં પાણી ભરાયાં હતાં તેમજ નદીઓ પણ વહેતી થઈ હતી. આ ઉપરાંત તૈયાર પાક ઢળી ગયો હતો. ખેતરમાં પડેલા તૈયાર પાકને તાડપત્રી ઢાંકી બચાવવાનો પ્રયાસ પણ ધરતીપુત્રોએ કર્યો હતો.

રાજકોટમાં મિની વાવાઝોડા સાથે માવઠું પડ્યું
ગઈકાલે જસદણ, આટકોટ, જંગવડ, વીરનગર, પાંચવડા, જીવાપર, સાણથલી, શિવરાજપુર, લીલાપુર સહિતનાં ગામોમાં મિની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાજગીજ સાથે વરસાદ વરસ્યો હતો. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં ખેતરોમાં ઊભા પાકને ભારે વરસાદથી નુકસાન પહોંચ્યું છે. કપાસ, જીરું, ઇસબગોલના ઊભા પાકનો સોથ વાળી દીધો છે.

જેતપુર યાર્ડમાં ઘઉં, ચણા મરચાંનો પાક પલળ્યો
બીજી તરફ, જેતપુરમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, આથી જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલાં ઘઉં, ધાણા, મરચાં સહિતના પાકો પલળી ગયા હતા. ઘઉં અને ધાણાના પાકમાં સામાન્ય નુકસાન છે, જ્યારે મરચાંની ભારીઓ પલળી જતાં વધુ નુકસાન પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી હોવા છતાં પણ યાર્ડ દ્વારા ખુલ્લા મેદાનમાં મરચાંનો પાક ઉતારવા જણાવ્યું હતું.

સાબરકાંઠામાં 3 મીમીથી લઈને 47 મીમી સુધી વરસાદ
સાબરકાંઠા જિલ્લામાં 17 માર્ચને શુક્રવારે કમોસમી વરસાદની શરૂઆત થઇ હતી અને આઠમાંથી પાંચ તાલુકામાં, જેમાં ખેડબ્રહ્મા, તલોદ, પ્રાંતિજ, વિજયનગર અને હિંમતનગર તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ત્યાર બાદ 18 માર્ચને શનિવારે જિલ્લામાં સર્વત્ર કમોસમી વરસાદ નોંધાયો હતો અને 3 મીમીથી લઈને 47 મીમી સુધી વરસાદ વરસ્યો હતો. 19 માર્ચના રવિવારે સાંજે અને રાત્રિ દરમિયાન આઠમાંથી ત્રણ તાલુકામાં, જેમાં પ્રાંતિજ, તલોદ અને પોશીનામાં વરસાદ નોધાયો છે. આમ ત્રણ દિવસમાં સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકામાં જેમાં ઇડરમાં 20 મીમી, ખેડબ્રહ્મામાં 4 મીમી, તલોદમાં 29 મીમી, પ્રાંતિજમાં 19 મીમી, પોશીનામાં 09 મીમી, વડાલીમાં 8 મીમી, વિજયનગરમાં 32 મીમી અને હિંમતનગરમાં 57 મીમી કમોસમી વરસાદ નોંધાયો છે. ત્રણ દિવસ સૌથી વધુ હિંમતનગર તાલુકામાં અને સૌથી ઓછો ખેડબ્રહ્મા તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post