• Home
  • News
  • વ્યાજ-વટાવની નાગચૂડ:25 વર્ષથી ભાજપનું શાસન, ગુંડાઓને તડીપાર કરવા માટે ગુજરાતમાં ગુંડા એક્ટ છે છતાં વ્યાજખોરોના આતંકથી 1 મહિનામાં 11નાં આપઘાત
post

વ્યાજખોરો, રૂપિયાની લેતી-દેતી, જમીન-માફિયાઓના ત્રાસે લોકોને મરવા મજબૂર કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-14 10:20:40

ગુજરાતમાં 25 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ સરકાર ગુંડાઓને તડીપાર કરવા માટે ગુજરાતમાં ગુંડા એક્ટ લાવી છે, જોકે રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસ સતત વધી રહ્યો છે. વ્યાજે આપેલાં નાણાંની ઉઘરાણી અને બેવડી રકમ વ્યાજપેટે માગીને દેવાદારને સતત ઘાકધમકી અને માનસિક-શારીરિક ત્રાસ અપાતો હોય છે. વ્યાજખોરોથી આ પ્રકારની ધમકીઓ મળવાને કારણે અનેક લોકો માનસિક તણાવમાં આવીને ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે. ગુજરાતમાં છેલ્લા 1 મહિનામાં વ્યાજખોરો, રૂપિયાની લેતી-દેતી, જમીન-માફિયાઓના ત્રાસના કારણે 11 જેટલા નાગરિકોને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે, જેમાં સૌથી વધુ 7 આપઘાત સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવ્યા છે.

7 સપ્ટેમ્બરઃ સુરતમાં પાટીદાર આગેવાને પોલીસ અને ભૂમાફિયાના ત્રાસથી જીવ ટૂંકાવ્યો
સુરતના પાટીદાર સમાજના સહકારી આગેવાન દુર્લભભાઈ પટેલે માંડવી નજીક પોતાની જ ક્વોરીમાં આપઘાત કર્યો હતો. તેમને રાંદેર પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણા, 4 પોલીસકર્મી, બિલ્ડર સહિત 11 લોકોએ 24 કરોડની જમીન લખી આપવા ખૂબ ત્રાસ આપ્યો હતો. 8 મહિનાથી હેરાન કરાતાં માનસિક તણાવમાં આવી જઈ દુર્લભભાઈ પટેલે આપઘાત કર્યો હતો. આ મામલે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

7 સપ્ટેમ્બરઃ અમદાવાદમાં લોકડાઉનને કારણે વ્યાજ ચૂકવી ન શકતાં આપઘાત
અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલ ટોલ ટેક્સ પાસે આવેલા જમાઈનગરમાં રહેતા શોકત ખાને વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે. આ અંગે પત્ની સાહિસ્તાબાનુ પઠાણે 4 વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. બે વર્ષ પહેલાં શોકત ખાન દૂધના ટેન્કરની સફાઈ કરવાનો ધંધો કરતા હતા. શોકત ખાને ઇબ્રાહિમ મલેક, સીબુભાઈ, ઝાકીરભાઈ સૈયદ અને અકુમિયા સૈયદ પાસેથી પૈસા વ્યાજે લીધા હતા. જોકે લોકડાઉનના કારણે વ્યાજ ન ચૂકવી શકતાં છેલ્લા કેટલાક સમયથી ત્રાસ આપવામાં આવતો હતો.

8 સપ્ટેમ્બરઃ ભુજમાં રૂપિયા મુદ્દે વારંવાર ટોર્ચર કરતાં આપઘાત
ભુજ એ-ડિવિઝન પોલીસ મથક પાછળ સિટી પોલીસલાઈનમાં રહેતા 32 વર્ષીય કપિલસિંહ ચેતસિંહ રાઠોડે 8મી સપ્ટેમ્બરે આપઘાત કરી લીધો હતો. મૃતક પાસેથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી હતી. ભુજમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા અને નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્રના આપઘાતના કેસમાં રૂપિયા મુદ્દે વારંવાર ટોર્ચર કરી મરવા પર મજબૂર કરનારા દંપતી સામે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.

12 સપ્ટેમ્બરઃ ભાટિયેલના યુવકે લેણદારોના ત્રાસથી આપઘાત
પેટલાદના ભાટિયેલમાં વિનોદ ઉર્ફે લાલા જાંબાઝ મગનભાઈ પટેલના ખેતરમાં આવેલી ઓરડીમાં 12 સપ્ટેમ્બરે ગામના મેલાભાઈ તળપદાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પેટલાદ ગ્રામ્ય પોલીસની તપાસમાં મૃતક મેલા તળપદાએ વિનોદ પટેલ પાસેથી હાથ ઉછીનાં નાણાં લીધાં હતાં જે ન આપી શકતાં વિનોદ પટેલ, આશિષ પટેલ તમામ રૂપિયા વ્યાજ સહિત આપી દેવા ધમકીઓ આપતા હતા.

17 સપ્ટેમ્બરઃ સુરતમાં પઠાણી ઉઘરાણીથી 42 વર્ષીય યુવકનો આપઘાત
શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાં રહેતા 42 વર્ષીય કિરીટ ધીરજ પટેલે ગત 17 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરે પંખા સાથે કપડું બાંધીને ફાંસો ખાધો હતો. કિરીટ પટેલે મગનભાઈ દેસાઈ(દેસાઈ એન્ડ લાખાણી ડેવલપર્સના સંચાલક) નામની વ્યક્તિ સાથેના વેડ રોડની જમીન મામલે પૈસા લેવાના નીકળતા હતા, જે ફસાઈ જતાં પોતે વ્યાજે લીધેલા પૈસા ન ચૂકવી શકતાં અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના ત્રાસથી આપઘાત કરી લીધો હતો.

20 સપ્ટેમ્બરઃ સુરતમાં 41 હજારના 2 લાખ માગતાં ગેરેજમાલિકનો આપઘાત
શહેરના ડભોલી વિસ્તારમાં રહેતા ગેરેજમાલિક પરસોતમભાઈ ભારદ્વાજે ઘરના ત્રીજા માળે આવેલી રૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પરસોતમભાઇ ભારદ્વાજે રમેશ રબારી અને દિનેશ રબારી પાસેથી 41 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે 81 હજાર ચૂકવી દીધા હતા. જોકે પરસોતમભાઈ પાસેથી 2 લાખ પડાવવા વ્યાજખોરોએ તેમને ત્રાસ આપતાં તેમણે આત્મહત્યા કરી લીધી હતી. તેમણે વ્યાજખોરોના ત્રાસથી આપઘાતન કરી લેતાં તેમના પુત્રએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

24 સપ્ટેમ્બરઃ ફાઈનાન્સરની ઉઘરાણીથી ત્રસ્ત વેપારીનો આપઘાત
મહેસાણા તાલુકાના મોટીદાઉ ગામમાં રહેતા જીકેશભાઇ કનુભાઇ મોદીએ મહેસાણાની એસઆરજી ફાઇનાન્સ કંપનીમાંથી રૂ.7.50 લાખની લોન લીધી હતી અને તેનો માસિક રૂ.20 હજારનો હપતો તેઓ સમયસર ભરતા હતા, પરંતુ લોકડાઉનને કારણે આઠેક મહિનાથી હપતો ભરી શક્યા ન હતા, જેને કારણે ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓ દ્વારા અવારનવાર ઘર અને દુકાન સીલ મારવાની ધમકી આપવામાં આવતાં જીકેશભાઈએ કેનાલમાં પડી આપઘાત કરી લીધો હતો.

4 ઓક્ટોબરઃ કોન્ટ્રેકટરનો કડી કેનાલમાં પડી આપઘાત
કલોલ તાલુકાના પાનસર ગામના આધેડ કોન્ટ્રેકટર વિનોદ સોલંકીએ છત્રાલમાં એક ઓરડીનું બાંધકામ કર્યું હતું. જોકે છત્રાલના રણછોડ રબારી સહિતના શખસો પેમેન્ટ કરતા ન હતા. તો બીજી તરફ બિલ્ડિંગ મટીરિયલ્સના વેપારીઓ વિનોદભાઈ પાસે પૈસાની ઉઘરાણી કરી રહ્યા હતા, જેને કારણે તેમણે કડીની વણછોલ કેનાલમાં પડી આપઘાત કર્યો હતો.પોલીસે સુસાઇડ નોટના આધારે 4 શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

6 ઓક્ટોબરઃ અમદાવાદના ફાઈનાન્સરનો વડોદરામાં આપઘાત
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એમિટી હોટલમાં 6 ઓક્ટોબરના રોજ અમદાવાદના આધેડે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્યારે આધેડની સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં અલ્પેશભાઈએ 10 લોકોનાં નામ અને સાથે સાથે નાણાકીય લેવડ-દેવડ અંગે લખ્યું હતું. સુસાઇડ નોટમાં અલ્પેશભાઈએ આ સમગ્ર ઘટના મામલે ભાગીદારને જવાબદાર ઠેરવ્યો છે. આ ઉપરાંત આરોપીઓ વારંવાર અલ્પેશભાઈ તથા તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપી હેરાન-પરેશાન કરતા હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે.

7 ઓક્ટોબરઃ વીંછિયાના ઓળી સહકારી મંડળીના મંત્રીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
વીંછિયાના ઓળી ગામની સહકારી મંડળીના મંત્રી સંઘજીભાઈ નારણભાઈ લખીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. ઘટનાને પગલે પોલીસ દોડી ગઈ હતી અને તેમને સંઘજીભાઈ પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં સંઘજીભાઈએ વીંછિયાના બહાદુરભાઈ આપાભાઈ પાસેથી 5 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા અને 45 લાખ રૂપિયા વ્યાજના આપ્યા હતા. આમ છતાં વ્યાજખોર બહાદુરભાઈ વધુ 25 લાખની પઠાણી ઉઘરાણી કરતાં આ પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


10 ઓક્ટોબરઃ જામનગરમાં બે પાનાંની સુસાઇડ નોટ લખી વેપારીનો આપઘાત
જામનગર શહેરમાં મેડિકલ સ્ટોરના સંચાલકે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતાં પહેલાં તેમણે સુસાઈડ નોટ પણ લખી છે, જેમાં જમીનને લઇને ચાલી રહેલા વિવાદના ઉલ્લેખ સાથે બે લોકોના ત્રાસથી પોતે આ પગલું ભરતા હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે, જેને પગલે સિટી પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ શરૂ કરી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post