• Home
  • News
  • આંખના પલકારામાં 1100 કિલો કપાસ બળીને ખાખ:મોટા લિલિયા યાર્ડમાં મજૂરને વીજકરંટ લાગવાથી ઇલેક્ટ્રિક બોર્ડને કપાસ પર ફેંકતાં આગ ફાટી નીકળી
post

મોટા લિલિયા યાર્ડમાં કપાસના જથ્થામાં લાગેલી આગનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-18 18:01:27

અમરેલી: અમરેલીના મોટા લિલિયા માર્કેટિંગ યાર્ડમાં આગની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં ચણાની ગૂણીને સિલાઈ કરી રહેલો એક મજૂર ઈલેક્ટ્રિક બોર્ડ લઈને જઈ રહ્યો હતો. આ સમયે વીજકરંટ લાગતાં તેણે બોર્ડને દૂર ફેંકી દીધું હતું. એ કપાસના ઢગલા પર પડતાં આગ ફાટી નીકળી હતી અને ગણતરીની સેકન્ડોમાં જ 1100 કિલોથી વધુ કપાસ બળીને ખાખ થઈ ગયો હતો. યાર્ડમાં બનેલો આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.

મજૂર સમજે ત્યાં તો આખા ઢગલામાં આગ ફેલાઈ ગઈ
મોટા લિલિયા યાર્ડમાં કપાસના જથ્થામાં લાગેલી આગનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો, જેમાં જોઈ શકાય છે કે કપાસના ઢગલાની બાજુમાં જ ચણાની ગૂણો પડી હતી, જેનું સિલાઈ કામ એક મજૂર કરી રહ્યો હતો. સિલાઈ મશીન માટે મજૂર ઈલેક્ટ્રિક બોર્ડ લઈને જઈ રહ્યો હતો ત્યારે જ વીજકરંટ લાગ્યો હતો. મજૂર ડરી જતાં બોર્ડ પોતાનાથી દૂર ફેંક્યું હતું, જે નજીકમાં જ પડેલા કપાસના ઢગલા પર પડતાં આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ મજૂર દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ એ ફેલાઈ જતાં એની હિંમત ચાલી ન હતી. ત્યાર બાદ ફાયર એક્સટિંગ્વિશર અગ્નિશામકની મદદ લીધી હતી. જોકે આટલામાં સમયમાં કપાસનો આખો ઢગલો આગની ચપેટમાં આવી ગયો હતો.

ખેડૂતનો 90 હજાર રૂપિયાનો કપાસ બળીને સ્વાહા
મોટા લિલિયા યાર્ડમાં આગનો જે બનાવ બન્યો હતો એ કપાસ એક ખેડૂત અહીં વેચવા માટે લાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 90 હજારની કિંમતના આ કપાસનો જથ્થો આગમાં સ્વાહા થઈ જતાં હાલ તો ખેડૂતે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post