• Home
  • News
  • વડોદરામાં વન્ડર લેન્ડ થીમ પાર્કની 10 ફૂટ ઊંડી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ડૂબી જતા 12 વર્ષના બાળકનું મોત
post

વડોદરા નજીક આજવા ખાતે આવેલા આતાપી વન્ડર લેન્ડ થીમ પાર્કની 10 ફૂટ ઊંડી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ડૂબી જતા 12 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-30 11:49:24

વડોદરાઃ વડોદરા નજીક આજવા ખાતે આવેલા આતાપી વન્ડર લેન્ડ થીમ પાર્કની 10 ફૂટ ઊંડી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ડૂબી જતા 12 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ખેડા જિલ્લાના નડિયાદ નજીક આવેલા મહુધાનો પરિવાર 8 જેટલા બાળકોને લઇને દિવાળી વેકેશનમાં વડોદરા નજીક આજવા ખાતે આવેલા વન્ડર લેન્ડ થીમ પાર્ક ખાતે ગયો હતો. જ્યાં મંગળવારે સાંજે તમામ બાળકો ડાન્સિંગ ફૂવારામાં નહાવા ગયા હતા. જ્યાંથી 12 વર્ષનો બાળક હસનેન મનસુરી સાંજે 6:30 વાગ્યે કપડા બદલવા માટે થોડે દૂર ગયો હતો. જ્યાં 10 ફૂટ ઊંડી અન્ડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી ગયો હતો. જ્યાંથી બહાર કાઢીને તુરંત જ બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યા રાત્રે 10:26 વાગ્યે ડોક્ટર્સે મૃત જાહેર કર્યો હતો. જેથી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

મૃતક હસનેનના બનેવી ઇમરાન મનસુરીએ જણાવ્યું હતું કે, ટાંકીને ઢાંકણુ હતું જ નહીં, જેથી હસનેન અંદર ડૂબી ગયો હતો. થીમ પાર્કની નિષ્ફાળજીને કારણે હસનેને જીવ ગુમાવ્યો છે. થીમ પાર્કમાં એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા નહોતી. જેથી અમારે લોકોએ બહારથી ખાનગી એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી.

આજવા ખાતે આવેલા વન્ડ લેન્ડ થીમ પાર્કની અન્ડર ગ્રાઉન્ડ ટાંકીમાં બાળક પડી ગયો હતો. આ ટાંકી ખુલ્લી હોવાથી બાળક તેમાં પડી જતા મોતને ભેટ્યો હતો. જેથી વન્ડર લેન્ડ થીમ પાર્કની બેદરકારી પણ સામે આવી છે. આતાપી વન્ડર લેન્ડના સત્તાધીશોએ આ ઘટનાને છુપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે સરકારી દવાખાનાના તબીબે વાઘોડિયા પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. જેથી સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વાઘોડિયા પોલીસે આ મામલે હાલ અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

મૃતક બાળક હસનેન મનસુરીના પિતા ઉસ્માનભાઇ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને હસનેન ધો-7માં અભ્યાસ કરતો હતો.