• Home
  • News
  • જયપુર, ઇન્દોર, મુંબઈમાં હાલત ખરાબ: અમદાવાદમાં 1248 કેસ, 38 મોત છતાં કેન્દ્ર સરકાર હાલત ગંભીર નથી માનતી
post

5 રાજ્યને બાદ કરતા બાકીનાં રાજ્યોના ગ્રીન ઝોનમાં મર્યાદિત આર્થિક પ્રવૃત્તિઓ શરૂ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 08:35:12

નવી દિલ્હી: દેશના મોટા ભાગના કોરોનામુક્ત વિસ્તારોમાં સોમવારથી લૉકડાઉનમાં ઢીલ શરૂ થઇ ગઇ. જોકે, દિલ્હી, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક અને બિહારને 3 મે સુધી કોઇ છૂટ ન આપવાની જાહેરાત કરાઇ છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે મુંબઇ, પૂણે, ઇન્દોર, જયપુર અને કોલકાતામાં તથા પશ્ચિમ બંગાળનાં અન્ય કેટલાંક શહેરોમાં સ્થિતિ વધુ ગંભીર છે. જો કે અમદાવાદમાં 1248 કેસ, 38 મોત છતાં કેન્દ્ર સરકાર અમદાવાદની હાલતને ગંભીર માનતી નથી. કેન્દ્રએ આંતર-મંત્રાલય ટીમ રચીને આ રાજ્યોમાં મોકલવાનું નક્કી કર્યું છે. આ ટીમો જે-તે રાજ્યમાં કોરોનાની સ્થિતિની સ્થળ પર જ સમીક્ષા કરીને રાજ્યના અધિકારીઓને નિર્દેશ આપશે. તેમ જ કેન્દ્ર સરકારને રિપોર્ટ મોકલશે. પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં બે-બે જ્યારે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં 1-1 ટીમ જશે.

હેલ્થ પ્રોફેશનલ્સ વિરુદ્ધ હિંસા અટકાવવા અપીલ
મંત્રાલયે એક પત્રમાં કહ્યું કે લૉકડાઉનના ભંગના કારણે ચેપ ફેલાવાનું જોખમ વધુ છે. મંત્રાલયે એમ પણ જણાવ્યું કે કોરોના સામે લડી રહેલા હેલ્થ પ્રોફેશનલ્સ વિરુદ્ધની હિંસા, સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ તથા શહેરોમાં કામ વગર વાહનો ચાલવા જેવી ઘટનાઓ રાજ્યોએ રોકવી જોઇએ. બીજી તરફ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને આ ટીમો મોકલવાનો આધાર પૂછતાં કહ્યું કે ટીમો કયા આધારે મોકલાઇ રહી છે તે હજુ સ્પષ્ટ નથી. નક્કર કારણ વિના આ મામલે આગળ વધવું અમારા માટે મુશ્કેલ હશે. 

માગદર્શિકાઓનો કડક અમલ કરાવવા આદેશ
કેન્દ્રએ કોલકાતા ઉપરાંત પશ્ચિમ બંગાળના હાવડા, ઇસ્ટ મિદનાપુર, નોર્થ 24 પરગણા, દાર્જિલિંગ, કલિમપોંગ અને જલપાઇગુડીમાં પણ સ્થિતિ ગંભીર ગણાવી છે. કેન્દ્રની દરેક ટીમમાં 5 સભ્ય હશે. એડિશનલ સેક્રેટરી રેન્કના અધિકારી ટીમના વડા હશે. બીજી તરફ ગૃહમંત્રાલયે રાજ્યોને પત્ર લખીને આદેશ કર્યો છે કે તેઓ લૉકડાઉનની માર્ગદર્શિકાઓનો કડક અમલ સુનિશ્ચિત કરે અને તેમાં પોતાના તરફથી કોઇ જ છૂટ ન આપે. 

આ ચાર શહેરમાં સ્થિતિ ગંભીર કેમ?
મુંબઇ: દેશનું સૌથી વધુ અસરગ્રસ્ત શહેર છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 4,483 કેસમાંથી 2,268 એટલે કે 50% તો એકલા મુંબઇમાં જ છે.
જયપુર: રાજસ્થાનનું સૌથી અસરગ્રસ્ત શહેર છે. જયપુરમાં કોરોનાના દર્દીઓનો આંકડો 578 થઇ ચૂક્યો છે. રાજ્યના 38% દર્દી એકલા જયપુરમાં.
ઇન્દોર: મ.પ્રદેશમાં આ શહેરની હાલત સૌથી ખરાબ છે. ઇન્દોરમાં કોરોનાના કુલ 841 કેસ નોંધાયા છે. રાજ્યના કુલ કેસના 60% એકલા ઇન્દોરમાં.
કોલકાતા: કોલકાતામાં કોરોનાના 11 કેસ છે. આખા પ.બંગાળમાં કુલ 339 કેસ સામે આવી ચૂક્યા છે.

કેરળે રેસ્ટોરન્ટ, બસોને છૂટ આપી, પછી પરત ખેંચી
કેરળ સરકારે સોમવારથી 7 જિલ્લામાં રેસ્ટોરન્ટ અને બુકશોપ સહિત ઘણી સેવાઓને લૉકડાઉનથી છૂટ આપતાં મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળી પડતાં ગૃહમંત્રાલયે રાજ્ય સરકારને પત્ર દ્વારા ઠપકો આપ્યો કે લૉકડાઉનના નિયંત્રણોમાં છૂટ કેન્દ્રના દિશાનિર્દેશોનો ભંગ છે. કેન્દ્રએ 15 એપ્રિલે જારી માર્ગદર્શિકાઓનું સંપૂર્ણપણે પાલન કરવા આદેશ કર્યો. વિવાદ વધતાં રાજ્ય સરકારે શહેરોમાં બસો દોડાવવાનો, હોટલ-રેસ્ટોરન્ટ અને વાળંદની દુકાન ખોલવાનો અને ટુ-વ્હીલર પર ડબલ સવારીને મંજૂરીનો નિર્ણય પાછો ખેંચ્યો હતો. 

જમિયતે મુસ્લિમોને રમજાનમાં લૉકડાઉનનું ચુસ્ત પાલન કરવા કહ્યું
જમિયત ઉલેમા-એ-હિન્દે મુસ્લિમોને અપીલ કરી છે કે તેઓ રમજાન માસ દરમિયાન પણ લૉકડાઉનનું ચુસ્ત પાલન કરે અને તમામ ધાર્મિક રિવાજો ઘરે રહીને જ પાળે. ચાંદ દેખાયા બાદ 24 કે 25 એપ્રિલથી પવિત્ર રમઝાન માસ શરૂ થશે. જમિયતના મહાસચિવ મહેમૂદ મદનીએ કહ્યું કે મુસ્લિમ સમુદાયના લોકો સહરી અને ઇફ્તાર માટે ગરીબોની પણ મદદ કરે.

 

adv

Related News

post
post
post
post
post
post
post