• Home
  • News
  • 3 કલાકના ચેકિંગમાં 15 દારૂ પીધેલા પકડાયા:અમદાવાદમાં એસજી હાઇવે-સિંધુ ભવન રોડ પર પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ, 50થી વધુ વાહનો ડિટેઇન કરાયાં
post

પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન 50થી વધુ ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર ડિટેઈન કરવામાં આવ્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-16 18:39:48

અમદાવાદ: સોમવાર (16 મે 2023)ની રાતે અમદાવાદ પોલીસ દ્વારા અચાનક જ એસજી હાઇવે પર પોલીસનો કાફલો ઊતરી આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર એસજી હાઇવે પરના દરેક ચાર રસ્તે વાહન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. એસજી હાઇવે અને સિંધુ ભવન રોડ પર યુવાઓની હાજરી વધુ હોય છે, પરંતુ ગઈકાલે પોલીસની હાજરીથી યુવાઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. આ દરમિયાન પોલીસે 50થી વધારે વાહનો ડિટેઈન કર્યાં હતાં. આ ઉપરાંત 15 લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી જોઈને કેટલાક લોકોએ રસ્તો પણ બદલી નાખ્યો હતો.

અસામાજિક તત્ત્વોમાં પોલીસનો ડર ઊભો થયો
ઝોન-1 ડીસીપી લવીના સિન્હાએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનર તરફથી આદેશ મળ્યા બાદ અમે વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. સામાન્ય રીતે પોલીસ વાહન ચેકિંગ કરતી હોય છે, પરંતુ ગઈકાલે અચાનક જ સરપ્રાઈઝ ડ્રાઈવ યોજાતાં લોકોને પણ પોલીસની હાજરીનો અહેસાસ થયો હતો. અસામાજિક તત્ત્વોમાં પણ પોલીસનો ડર ઊભો થયો છે.

ઈન્ચાર્જ CPનો આદેશ છૂટ્યો ને ચેકિંગ
એસજી હાઇવે પર મોડી રાત સુધી યુવાઓની જમાવટ હોય છે. આ ઉપરાંત અસામાજિક તત્ત્વોની પણ હાજરી હોય છે, જેથી પોલીસ કમિશનર દ્વારા સાંજે જ આદેશ આપવામાં આવ્યો કે સમગ્ર એસજી હાઇવે તથા સિંધુ ભવન રોડ પર વાહન ચેકિંગ હાથ ધરવું. સાંજે 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અનેક જગ્યાએ પોલીસે ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું. આમ લોકોની અવરજવરથી ભરચક રહેતા રોડ પર ગઈકાલે મોટી સંખ્યામાં પોલીસ પણ જોવા મળી હતી, જેથી અસામાજિક તત્ત્વોના મનમાં પણ ડર ઊભો થયો હતો.

કાચ પરની કાળી ફ્રેમ કાઢી દેવાઈ
પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન 50થી વધુ ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર ડિટેઈન કરવામાં આવ્યાં છે. ગાડીમાં કાળા કાચ હોય એની ફ્રેમ કાઢવામાં આવી હતી અને કેટલીક ગાડી જમા પણ કરવામાં આવી હતી. લાઇસન્સ વિના વાહન ચલાવતી વ્યક્તિનાં વાહન પણ જમા કરવામાં આવ્યાં હતાં. મોડિફાઇ કરેલા સાયલેન્સર હોય એવી બાઇક પણ જમા કરવામાં આવી હતી. બાઇક કે કારમાં દંડા કે હથિયાર રાખેલાં હોય એવાં વાહન પણ જમા કરવામાં આવ્યાં હતાં.

ડ્રન્ક એન્ડ ડ્રાઈવના કેસ કરાયા
પોલીસ દ્વારા આ ડ્રાઈવ દરમિયાન ડ્રન્ક એન્ડ ડ્રાઈવના કેસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ત્યારે રસ્તામાંથી દારૂ પીધેલી હાલતમાં કેટલાકને પોલીસે ઝડપ્યા હતા. પોલીસે 3 કલાક દરમિયાન 15 પ્રોહિબિશનના કેસ પણ કર્યા હતા.

એસજી હાઇવે-સિંધુ ભવન રોડ પર ચેકિંગ
આ ડ્રાઈવમાં ઝોન-1 ડીસીપી, 2 એસીપી,પીઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો હતો. પકવાન ચાર રસ્તા, ટાઈમ સ્કવેર, તાજ હોટલ, ઇસ્કોન ચાર રસ્તા, YMCA કલબ, હેબતપુર, કારગિલ, ભાગવત ચાર રસ્તા, ગોતાબ્રિજ અને વૈષ્ણોદેવી સર્કલ એમ અલગ અલગ પોઇન્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post